કૃષિકારો સાથે સરકારની વાટાઘાટો ચાલુ છે તોય ઉકેલ આવે એમ નથી

નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદા સામે મેદાને પડેલા ખેડૂતો સાથે મોદી સરકારે ગુરૂવારે બીજા તબક્કાની મંત્રણા કરી દીધી. આ મંત્રણામાં પણ કોઈ નિવેડો આવ્યો નથી ને પાછી મુદત પડી છે. મોદી સરકાર વતી કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે ખેડૂતોનાં યુનિયનોના નેતાઓને મળીને તેમની કહેવાતી ગેરસમજો દૂર કરવાની મથામણ કરેલી ને એ જ ક્વાયત તેમણે ગુરૂવારે કરી. મોદી સરકારના ત્રણેય ખરડાને ક્રાન્તિકારી ગણાવીને તેના કારણે ખેડૂતોને શું ફાયદો થશે તેની પારાયણ તેમણે પાછી માંડી દીધી.

આ નવા કૃષિ કાયદાના કારણે ખેડૂતોને તેમનાં ઉત્પાદનો પોતાની મરજીથી વેચવાની છૂટ મળશે અને વચેટિયા સાવ નીકળી જશે એવું મોદી આ ખરડા અંગેનો વટહુકમ બહાર પડ્યો ત્યારથી કહ્યા કરે છે. ખેડૂતોએ એપીએમસીની દયા પર જીવવામાંથી છૂટશે ને એક એપીએમસીના બદલે દેશમાં ઈચ્છે ત્યાં માલ વેચવાની છૂટ મળશે તેનાથી મોટો ફાયદો થશે એવું પણ મોદી અને તેમના ભાયાતો કહે છે. તેના કારણે તેમને સારા ભાવ મળશે, ખેડૂતો પોતાનો માલ સુપર સ્ટોર્સ ચેઈન, ફૂડ પ્રોસેસર કે પછી કોઈની પણ સાથે કરાર કરીને સારા ભાવે માલ વેચી શકશે ને નિકાસ પણ કરી શકશે એ બધા ફાયદાની વાતો આ કાયદાના સમર્થનમાં જોરશોરથી કરાય છે.

ગોયલ ને તોમરે એ જ વાતો વાગોળી પણ ખેડૂત આગેવાનો નામક્કર ગયા. ખેડૂતો આગેવાનોને સૌથી મોટો ડર મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) સિસ્ટમ નાબૂદ થઈ જાય તેનો છે. તેના કારણે કૃષિ ઉત્પાદનોના ઓછામાં ઓછા ભાવ મળવાની ખાતરી નહીં રહે ને ગરજ પ્રમાણે સાવ સસ્તામાં પણ માલ વેચવો પડશે એવો ખેડૂતોને ડર છે. ખેડૂતોના આ ડર સામે મોદી સરકાર સધિયારો આપે છે કે, ગમે તે સંજોગોમાં એમએસપી નાબૂદ નહીં થાય ને વિપક્ષો તમને અવળી પટ્ટી પઢાવે છે. સામે ખડૂતોનું કહેવું છે કે, એમએસપી નાબૂદ ના થવાની હોય તો એક લીટીમાં આ જ વાત કૃષિ કાયદામાં ઉમેરી દો પણ સરકાર તેના માટે તૈયાર નથી. તેના કારણે સરકારના પેટમાં પાપ છે એવું ચિત્ર ઊભું થયું છે.

ખેડૂતો આ કારણે અડી ગયા છે ને હવે તો ત્રણેય કાયદા નાબૂદ થાય પછી જ હટીશું એવી જીદ પર અડ્યા છે તેમાં અંટસ પડી છે. અત્યાર લગી ખેડૂતો એમએસપીની વાત કરતા હતા પણ હવે તેમણે આ ત્રણેય કાયદામાં કુલ 37 ખામીઓ શોધી કાઢી છે. આટલી બધી ખામીઓવાળા કાયદા ચાલે જ નહીં તેથી તેને સંસદનું ખાસ સત્ર બોલાવીને નાબૂદ કરો એવી તેમની માગણી છે. સરકાર આ માગણી સ્વીકારી શકે તેમ નથી તેથી ખેડૂતોને સમજાવવામાં પડી છે.

મોદી સરકાર નરેન્દ્રસિંગ તોમર અને પીયૂષ ગોયલ જેવા પ્રધાનોને મંત્રણા માટે મોકલે છે તેના કારણે પણ ખેડૂતો નારાજ છે. તોમર ને ગોયલ બંને મોદી સરકારમાં પ્રધાનો છે. એ લોકો સાવ ચિઠ્ઠીના ચાકર છે. તેમની પાસે નિર્ણયો લેવાની કોઈ સત્તા જ નથી. મોદી સરકાર તેમને મોકલીને ટાઈમ પાસ કરી રહી છે એવું ખેડૂતોને લાગે છે ને તેમાં પણ અંટસ પડી છે. મોદી સરકાર વતી અમિત શાહ કે રાજનાથ સિંહ જેવા સિનિયર પ્રધાન બેસે તો વાત આગળ વધે એ સાચું છે પણ મોદી સરકાર તેમને મેદાનમાં લાવતી જ નથી.

મોદી સરકાર ખેડૂત આગેવાનોને મનાવવા મંત્રણા કરી રહી છે ત્યારે બીજી તરફ તેમને દેશદ્રોહી ને વિદેશીઓના દલાલ ચિતરવાનું ચાલુ જ છે. આ આંદોલન શરૂ થયું ત્યારે ભાજપના નેતા એવું કહેતા કે, કોંગ્રેસ સહિતના વિપક્ષો ખેડૂતોને ભડકાવી રહ્યા છે ને અશાંતિ પેદા કરી રહ્યા છે. આ કૃષિ કાયદા ખેડૂતોની વિરુદ્ધ છે એવું ખેડૂતોને ભરાવીને વિપક્ષો રાજકીય રોટલો શેકી રહ્યા છે એવા આક્ષેપો ભાજપના નેતા કરતા હતા. તેમાં ખાલિસ્તાનવાદીઓને ઈશારે આંદોલન ચાલતું હોવાની વાત ઉમેરાઈ ને ભાજપવાળાએ એવો પ્રચાર શરૂ કર્યો કે, ખેડૂતોના આંદોલનને કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓ પાસેથી થોકબંધ નાણાં મળે છે ને તેમના લાભાર્થે આખો ખેલ ચાલી રહ્યો છે. તેની સાથે તેમણે શીખ વિરુદ્ધ હિંદુઓના મુદ્દાને પણ ઉમેરી દીધો.

હવે ભાજપના નેતા નવી વાત લઈ આવ્યા છે કે, ખેડૂતોનું આંદોલન તો ચીન અને પાકિસ્તાનના ઈશારે ચાલી રહ્યું છે. હરિયાણાના કૃષિ પ્રધાન જય પ્રકાશ દલાલના કહેવા પ્રમાણે, આ આંદોલન ખેડૂતોનું નથી પણ વિદેશની સરકારોનું છે કેમ કે ખેડૂતોના આંદોલન પાછળ ચીન-પાકિસ્તાનનો હાથ છે. દલાલનો દાવો છે કે, કેટલાક દેશોને મોદીનો ચહેરો પસંદ નથી તેથી ખેડૂતોને ભડકાવીને ભારતમાં અરાજકતા પેદા કરવા મથી રહ્યા છે. વિદેશીઓ ખેડૂતોના નામે બધો ખેલ કરી રહ્યા છે. મોદી સરકારના મંત્રી વી.કે. સિંહે પણ એવી કોમેન્ટ કરી છે કે, ખેડૂતોના આંદોલનમાં તેમને બહુ ખેડૂતો દેખાતા નથી ને ભળતા લોકો જ આંદોલનના નામે ચડી બેઠા હોય એવું લાગે છે.

સાંસદ મનોજ તિવારીએ ડહાપણ ડહોળ્યું છે કે, ખેડૂત આંદોલનના નામે ટુકડે ટુકડે ગેંગ આ બધા ઉધામા કરી રહી છે. શાહીન બાગમાં ને બીજે ના ફાવ્યા એટલે હવે ખેડૂતોના આંદોલનના નામે કૂદી પડ્યા છે. ભાજપના બીજા નેતાઓ પણ આવા લવારા કરી રહ્યા છે ને તેમની વાતોનો સાર એ છે કે, આ આંદોલન તો ખેડૂતોનું છે જ નહીં. ખેડૂતો તો મોદી સરકારની સાથે છે પણ તેમના નામે ચરી ખાનારા ઉધામા કરે છે.

ભાજપના નેતાઓના ભેજામાં આ બધી વાતો ક્યાંથી આવે છે એ રામ જાણે પણ આ વાતો ખેડૂતોનું હળહળતું અપમાન છે. આ દેશના કેટલા ટકા ખેડૂતો આ આંદોલનમાં જોડાયેલા છે એ આપણને ખબર નથી પણ જે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ પાકિસ્તાન કે ચીનના દલાલ તો નથી જ. એ લોકોને ભાજપના ટટપૂંજીયા નેતાઓનાં સર્ટિફિકેટની જરૂર પણ નથી. ભાજપના નેતાઓ એવા ભ્રમમાં છે કે, આ દેશમાં કોણ દેશપ્રેમી છે ને કોણ દેશદ્રોહી છે એ નક્કી કરવાનો અધિકાર તેમને છે. આ દેશમાં કોઈને તેમના સર્ટિફિકેટની પડી નથી એ જોતાં ભાજપના નેતાઓએ આ ભ્રમમાંથી બહાર આવી જવાની જરૂર છે.

આ દેશનાં લોકોને ભાજપના ફાલતુ નેતાઓના દેશપ્રેમના જ્ઞાનની જરાય જરૂર નથી. ભાજપના નેતાઓને જ્ઞાન આપવાની એટલી જ ખંજવાળ હોય તો આ જ્ઞાન દિલ્હીમાં બેઠેલા તેમના પ્રધાનોને આપવું જોઈએ. એ લોકોને સમજાવવું જોઈએ કે, આ બધા તો પાકિસ્તાન ને ચીનના દલાલો છે, વિદેશના એજન્ટ છે, તેમની સાથે ચર્ચા નહિ. કરાય. નરેન્દ્ર મોદી ને અમિત શાહને કહેવું જોઈએ કે, તમે ખોટા માણસો સાથે મંત્રણા કરો છો કેમ કે આ બધા તો વિદેશીઓના ખીલે કૂદનારા ને ભારતમાં અરાજકતા ફેલાવવા મથનારા છે, તેમને ઉઠાવીને અંદર કરો.

ભાજપના નેતા એવું કેમ નથી કરતા ? ભાજપની જ સરકાર વિદેશીઓના એજન્ટોને બોલાવીને તેમની સાથે શું કરવા ચર્ચા કરે છે ? આ સવાલનો જવાબ બહુ સરળ છે ને બધાંને આ જવાબ ખબર છે. ભાજપના નેતા રાજકીય ફાયદા માટે આ બધા લવારા કરે છે ને આ લવારા તેમણે બંધ કરવા જોઈએ. આ દેશના ખેડૂતો દેશના બંધારણે આપેલા અધિકારનો વિરોધ કરીને આંદોલન કરી રહ્યા છે. આ દેશની સરકાર તેમના બંધારણીય અધિકારોને માન આપીને તેમને મંત્રણા માટે બોલાવી રહી છે, તેમના જે પણ વાંધા છે તેનો બંધારણીય રીતે નિવેડો લાવવા મથી રહી છે. લોકશાહી દેશમાં આ જ શ્રેષ્ઠ રસ્તો છે ને મોદી સરકાર પણ દેખાડા ખાતર તો દેખાડા ખાતર પણ લોકશાહી ઢબે વર્તી રહી છે ત્યારે ભાજપના નેતાઓએ વચ્ચે ડબકા મૂકવાનું બંધ કરવું જઈએ. વચ્ચે વિદેશી તાકાતોની ને એવી સડેલા મગજની વાતો ના ઘુસાડવી જોઈએ.

ભાજપના અક્કલના મઠ્ઠા નેતાઓએ એક બીજી વાત પણ સમજવાની જરૂર છે. આ બધા લવારા કરીને એ લોકો ભાજપ સરકાર માટે જ મુશ્કેલી ખડી કરી રહ્યા છે. તેમના લવારાના કારણે એવી છાપ પડી રહી છે કે, સરકારને ખેડૂતો સાથે મંત્રણા કરી એ દેખાડવામાં જ રસ છે. ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવામાં તેમને રસ નથી પણ પોતે અક્કડ ના રહ્યા એવું બતાવવા મંત્રણાનાં નાટક થાય છે. બાકી અંદરખાને તો એ ખેડૂતોને દબાવી દેવા જ માગે છે. તેમના પર દેશદ્રોહી હોવાના ને એવાં લેબલ ચિપકાવીને લોકોની નજરમાં તેમને નીચા દેખાડવા માગે છે. ખેડૂતો પોતાની માગમાં વધારે ને વધારે અક્કડ થતા જાય છે તેનું કારણ આ લવારા છે. આ અકડાઈના કારણે કોકડું વધારે ગૂંચવાય એ દેશના હિતમાં નથી એ જોતાં ભાજપના નેતા ચૂપ રહે તો સારું છે.