કેજરીવાલને ટેવ પડી ગઈ છે કે વારંવાર વડાપ્રધાન થવાના સપનાઓ જોતા રહેવા

દેશ એક જુદા જ પ્રકારના ત્રિભેટે આવીને ઊભો છે. કિસાન આંદોલનના અહેવાલોમાં હમણાથી કોરોના ભૂલાઈ ગયો છે, અને હવે પ.બંગાળમાં સખળડખળ શરૂ થઈ છે. દેશમાં અનિશ્ચિતતા, અનિર્ણયકતા અને અંધાધૂંધીનો ત્રિવેણીસંગમ રચાઈ રહ્યો છે, તેમાં હવે ચૂંટણીઓની તૈયારીઓના કારણે નવો રંગ ઉમેરાશે. પ.બંગાળમાં ચૂંટણી જીતવા ભાજપ નેવાના પાણી મોભે ચડાવવા હોય તેવી તનતોડ મહેનત કરી રહ્યો છે, તો ખેડૂતોના તાજા તાજા હિમાયતી બનેલા કેજરીવાલે હવે ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણી લડવા અને જીતવાનો હુંકાર કર્યો છે. કેટલાક ચતુર વિશ્લેષકો કેજરીવાલની કરામતી ચાલ સમજી ગયા હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ એ ચાલ કઈ હોઈ શકે, તેની વિવિધ અટકળો થઈ રહી છે.

કોઈ કહે છે કે કેજરીવાલે કિસાનોના આંદોલનને ટેકો આપીને પંજાબ-હરિયાણા અને ચંદીગઢમાં પણ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધારવા આવું કર્યું છે, તો કોઈ યોગેન્દ્ર યાદવને કારણભૂત ગણે છે. કોઈ કહે છે કે કેજરીવાલે પહેલેથી જ ખેડૂતોની તરફેણ કરી છે, તો કોઈ કહે છે કે કેજરીવાલ ચાલબાજ છે અને પવન પ્રમાણે સઢ ફેરવે છે, દિલ્હી કોંગ્રેસના નેતાઓ પણ કેજરીવાલની બેવડી નીતિરીતિ તથા તકવાદી કાર્યપદ્ધતિની અવારનવાર આકરી ટીકા કરતા રહે છે, જ્યારે અકાલીદળ અને ભાજપ પણ કેજરીવાલને ઘેરવાની કોઈ તક છોડતા નથી.
કેજરીવાલ પહેલેથી જ કોઈ કારણ વિના પોતાને મોદીના હરીફ માને છે. તેમના મનમાં એવો ભ્રમ છે કે તેઓ પોતે પણ કદીક વડાપ્રધાન થઈ શકે છે. વળી આ વાત કંઈ ખાનગી નથી. આખો દેશ જાણે છે કે કેજરીવાલની મહત્ત્વાકાંક્ષા વડાપ્રધાન થવાની છે. આમ આદમી પાર્ટી પાસે બહુ નાનું સંગઠન છે. પરંતુ દરેક ચકલીને બાજ થવાનું સપનું જોતાં કોણ રોકી શકે ?

આજકાલ દેશમાં કિસાન આંદોલન ચાલે છે એનો લાભ લઈને અનેક રાજનેતાઓ અરીસામાં પોતાને મોદીના વિકલ્પ તરીકે જુએ છે. તેઓ જાણતા નથી કે મોદી એક કરિશ્માઈ નેતા છે. લોકો એમને જુએ છે ને મત ભાજપને આપી દે છે. હકીકતે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન હોતું નથી. એવું પણ બની શકે છે. ભાજપને હટાવવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મજબૂત ગઠબંધન થઈ જાય. ભૂતકાળમાં પણ આવા પ્રયાસો થયા હતા પરતું મેળ પડ્યો નહોતો. કદાચ કેજરીવાલની મહત્વાકાંક્ષાઓ કે પછી દિલ્હી પ્રદેશના તે સમયના કોંગી નેતાઓની જીદ આડે આવી ગઈ હતી, હવે દિલ્હી, પંજાબ, કેન્દ્રશાસિત ચંદીગઢ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં જો આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ જાય, તો કદાચ પંજાબમાં કોંગ્રેસ અને હરિયાણામાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસની સંયુક્ત સરકારો પણ આગામી વર્ષોમાં રચાઈ શકે. આ માટે તેઓ અત્યારથી જ પ્રયાસો કરે છે, પરંતુ કોંગ્રેસે રાષ્ટ્રીય પાર્ટી હોવાથી આવું કદમ ઉઠાવે કે કેમ તે પ્રશ્ન છે.

બીજી તરફ એક મોટો વર્ગ એવો છે જે વર્ષ-૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અને વર્ષ-૨૦૨૦ની દિલ્હીની ચૂંટણીઓમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગુપ્ત સમજૂતિ થઈ હોવાનું માનતો રહ્યો છે. આ જ વર્ગ હવે એવું માની રહ્યો છે કે દિલ્હી ઉપરાંત એકાદ વધુ રાજ્યોમાં આમ આદમી પાર્ટની સરકાર બની શકે છે, પરંતુ આ માટે આમ આદમી પાર્ટીએ અન્ય રાજ્યોમાં વર્ષ-૨૦૨૨ સુધીમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં મેદાનમાં ઉતરવું પડશે, અને ભાજપ વિરોધી મતો એકત્ર કરવા પડશે. આમ થશે તો ‘આપ’ વોટકટરનું કામ કરશે.

આ બધા અનુમાનો અને અટકળોને સાચી ન માનીએ તો પણ છેલ્લા એકાદ વર્ષથી દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પહેલા હતી, તેવી તંગદિલી જોવા મળી રહી નથી. આ પહેલા કેજરીવાલ દરરોજ એકાદ ટ્વીટ મોદી વિરોધી સંદેશ વહેતો કરતા હતા, હવે તેવું થતું નથી જો કે, આ કામ હવે રાહુલ ગાંધી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના છેલ્લા એકાદ વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ બદલી રહેલા વલણને ઘણા લોકો કેજરીવાલની રાજકીય પરિપક્વતા પણ ગણાવે છે, લોકહિતમાં કેન્દ્ર સાથે સંઘર્ષ ઓછો કર્યો હોય તો તેને આવકારવા જ જોઈએ, પરંતુ વાસ્તવિકતા શું છે તે એકલા કેજરીવાલ જ જાણે છે, કારણકે ડિક્ટેટરશીપના કેટલાક ગુણો તેમણે પણ કદાચ દિલ્હીમાં રહીને શીખી લીધા છે. કેજરીવાલ ‘કહીં પે નિગાહે… કહીં પે નિશાના’ માટે જાણીતા છે.

આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, પંજાબમાં તો વિધાનસભાની ચૂંટણીઓ લડી જ છે, પરંતુ દિલ્હી સિવાય ક્યાંય સત્તા મળી નથી. જો કે, પંજાબમાં મતોની ટકાવારી સારી રહેતા આ પાર્ટીની નજર પંજાબ પર વધુ છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશ કે પ.બંગાળની ભવિષ્યની ચૂંટણીઓમાં જો આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે કે પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, તો તેનો ફાયદો કોને થશે? આમ આદમી પાર્ટી ક્યાંક કોઈ રાષ્ટ્રીય પક્ષની ‘બી’ ટીમ તો બની રહી નથી ને? તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં આગની જેમ ફેલાઈ રહી છે તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના રાજીનામાએ પણ ચર્ચા જગાવી છે.