કેજરીવાલે તો પોતાની પ્રણાલિકા દ્વારા આગવી શિક્ષણ નીતિ બનાવી લીધી છે

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની અરવિંદ કેજરીવાલ સરકારે એક મોટો નિર્ણય લઈને દિલ્હીમાં શિક્ષણ માટે પોતાનું બોર્ડ બનાવવાનું એલાન કર્યું છે. અત્યારે દિલ્હીમાં લગભગ ૧૦૦૦ જેટલી સરકારી શાળા છે ને ૧૭૦૦ ખાનગી સ્કૂલો છે. દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ છે તેથી આ બધી સ્કૂલો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) સાથે જોડાયેલી છે. કેજરીવાલ સરકાર આ સ્કૂલોને ધીરે ધીરે સીબીએસઈથી દૂર કરીને દિલ્હી બોર્ડ સાથે જોડવામાં આવશે. દિલ્હીમાં શિક્ષણ એ સરકારનો વિષય છે તેથી ખાનગી સ્કૂલો દિલ્હી સરકારના બોર્ડ સાથે ના જોડાય તો પણ ૧૦૦૦ સરકારી સ્કૂલોને તો એકઝાટકે કેજરીવાલ સરકાર દિલ્હી બોર્ડ સાથે જોડી જ શકશે. અલબત્ત કેજરીવાલ સરકાર સાગમતે બધી સરકારી સ્કૂલોને દિલ્હી બોર્ડ સાથે જોડવાના બદલે પહેલા તબક્કામાં પચીસેક સ્કૂલોને જોડશે. ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં ૨૫ જેટલી સ્કૂલોને દિલ્હી બોર્ડ સાથે જોડીને તેનું શું પરિણામ આવે છે એ જોયા પછી કેજરીવાલ સરકાર આગળ વધશે.

કેજરીવાલ સરકારે એલાન કર્યું છે કે, દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (ડીબીએસઈ) દ્વારા દિલ્હીમાં શિક્ષણની તરાહ બદલી દેવાશે અને અત્યારે સ્કૂલમાં ભણતાં બાળકો ટોપર્સ બનવાની લ્હાયમાં પોપટની જેમ પટ્ટી પઢીને વધારેમાં વધારે માર્ક્સ લાવવા મથ્યા કરે છે તેના બદલે છોકરાંને કોઈ પણ વિષયમાં સમજણ પડે ને છોકરાં એ વિષયને પચાવીને આગળ વધે એ પ્રકારના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. અત્યારે બિબાંઢાળ રીતે છોકરાં આખું વરસ થોથાં ભણ્યા કરે ને વરસના અંતે પરીક્ષા લેવાય એવી પદ્ધતિથી શિક્ષણ અપાય છે. તેના બદલે આખા વરસ દરમિયાન છોકરાં શું શીખ્યાં તેનું મૂલ્યાંકન થાય એ પ્રકારની શિક્ષણ પદ્ધતિ લાવવાની કેજરીવાલ સરકારની નેમ છે. કેજરીવાલ સરકારે કઈ રીતે શિક્ષણ વ્યવસ્થા બદલાશે એ વિશે બહુ બધું કહ્યું છે. એ આખી પારાયણ માંડવાનો અર્થ નથી પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, કેજરીવાલ સરકાર બિબાંઢાળ શિક્ષણ પદ્ધતિના બદલે એવું કશુંક નવું કરવા માગે છે કે જેના કારણે છોકરાંમાં કોઈ પણ વિષયની સમજ કેળવાય ને શિક્ષણ કંટાળાજનક ના લાગે.

કેજરીવાલ સરકારે દિલ્હીનું પોતાનું બોર્ડ બનાવવાની જાહેરાત કરી એ પણ નવી નથી ને શિક્ષણ પધ્ધતિમાં પરિવર્તન લાવવાની વાત કરી એ પણ નવી નથી. આપણે ત્યાં મોટા ભાગનાં રાજ્યોમાં પોતાનું શિક્ષણ બોર્ડ છે જ. ગુજરાતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એ રીતે દરેક રાજ્યમાં પોતાનું શિક્ષણ બોર્ડ છે. આ શિક્ષણ બોર્ડ સાથે મોટી સંખ્યામાં સ્કૂલો જોડાયેલી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલો ઓછી છે પણ સરકાર દ્વારા ગ્રાન્ટ અપાતી હોય એવી ગ્રાન્ટેડ સ્કૂલો મોટી સંખ્યામાં છે. આ તમામ સ્કૂલો ગુજરાત બોર્ડ સાથે જ જોડાયેલી છે. ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા જ અપાય છે તેથી ગુજરાતમાં આજેય બહુમતી વિદ્યાર્થીઓ ગુજરાત સરકારના સ્થાનિક બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં જ શિક્ષણ લે છે.

કેજરીવાલ સરકારે શિક્ષણની પદ્ધતિમાં ફેરફાર કરીને બાળકોમાં સમજ કેળવવાનું ને એ બધું જ્ઞાન પિરસ્યું છે એ પણ નવું નથી. આપણે ત્યાં વરસોથી ભાર વિનાનું ભણતર સહિતનાં સૂત્રો રમ્યા જ કરે છે. બાળકો પર બોજ ના આવે ને બાળકો માર્ક્સ મેળવવાની હોડમાં ના લાગે એવું શિક્ષણ આપવાની વાતો બધા કરે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બોર્ડમાં ટોપર્સની પ્રથા નાબૂદ કરેલી કે જેથી બીજાં છોકરાંને લઘુતાગ્રંથિ ન લાગે. બોર્ડની પરીક્ષામાં પર્સન્ટેજ જાહેર કરવાના બદલે પર્સેન્ટાઈલ આપવાની પદ્ધતિ પણ તેમણે શરૂ કરાવેલી કે જેથી કોઈને ઓછા માર્ક્સ આવ્યા હોય તો તેની બહાર ખબર ના પડે ને તેણે શરમજનકત સ્થિતિમાં ના મુકાવું પડે.

અલબત્ત આ બધામાં પણ પરીક્ષા તો કેન્દ્રસ્થાને છે જ ને પરીક્ષામાં માર્ક્સ પણ અપાય જ છે. માર્ક્સ વિના મેરિટ શક્ય નથી ને મેરિટ વિના ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશની કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી તેથી મોદીએ દાખલ કરેલી પર્સેન્ટાઈલ પદ્ધતિમાં પણ માર્ક્સ તો છે જ. કેજરીવાલ માર્ક્સ વિનાની પદ્ધતિ લાવવા માગે છે કે નહીં એ વિશે ચોખવટ નથી પણ પોતાના બોર્ડ ને શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારની તેમની વાતો નવી નથી, બલકે ચવાઈ ગયેલી છે. જો કે એ પછી પણ આ વાતોમાં રસ પડે છે તેનું કારણ કેજરીવાલ સરકારે છેલ્લાં છ વર્ષમાં દિલ્હીમાં સરકારી સ્કૂલોની કાયાપલટ કરી નાખી એવો પ્રચાર છે. કેજરીવાલ સરકાર જોરશોરથી આ વાત કહ્યા જ કરે છે ને ધૂમ પ્રચાર કરે છે. સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ મોટા પ્રમાણમાં ફરે છે ને દેશભરમાં લોકોને આ વાત ગળે પણ ઊતરી રહી છે.

એક વરગ એવું માનવા માંડ્યો જ છે કે, કેજરીવાલ સરકારે દિલ્હીમાં શિક્ષણ બદલ્યું છે અને સામાન્ય માણસને પરવડે એવું પણ કરી દીધું છે. ખાસ કરીને સરકારી સ્કૂલોની તો શિકલ જ બદલાઈ ગઈ છે. ધનિક લોકો પણ પોતાનાં સંતાનોને સરકારી સ્કૂલોમાં મોકલતાં થાય એવી સ્થિતિ કેજરીવાલ સરકારે કરી દીધી હોવાની વાતોના કારણે આ પ્રયોગ રસપ્રદ તો છે જ. કેજરીવાલ સરકાર દિલ્હીમાં પોતાના બોર્ડ દ્વાર શું કરશે તે ખબર નથી પણ આપણે ત્યાં શિક્ષણની જે હાલત છે એ જોતાં આ પ્રકારના અભિગમની જરૂર છે જ. શિક્ષણમાં આમૂલ પરિવર્તન જરૂરી છે, શિક્ષણ ધંધો બની ગયો છે ને છોકરાંના ભણવા પાછળ ધૂમ ખર્ચા કર્યા પછી પણ એ સાચા અર્થમાં ભણતાં નથી એ સ્થિતિ બદલવાની જરૂર છે જ. એ માટે શિક્ષણ પર સંપૂર્ણપણે સરકારનો અંકુશ જોઈએ. બાકી અત્યારે જે સ્થિતિ છે તેમાં સરકારી સ્કૂલોમાં કશું કમાવાનું નથી ને તેમની હાલત એટલી ખરાબ છે કે લોકોએ જખ મારીને પોતાનાં છોકરાંને ખાનગી સ્કૂલોમાં ભણાવવાં પડે છે.

ખાનગી સ્કૂલો લોકોની આ મજબૂરીનો લાભ લે છે ને રીતસર લોકોને ચીરીને એટલી ફી વસૂલે છે કે, સામાન્ય માણસને એ પરવડે જ નહીં. મધ્યમ વર્ગે જખ મારીને છોકરાંને ભણાવવાં પડે એટલે તેમનો છૂટકો નથી. શહેરોમાં મધ્યમ વર્ગીય લોકોની મોટા ભાગની કમાણી છોકરાંને ભણાવવામાં જાય છે ત્યારે એ લેખે લાગે એ પ્રકારનું શિક્ષણ તેમને મળે એવું પરિવર્તન જરૂરી છે જ. કેજરીવાલ સરકારની પહેલ બીજી રીતે પણ મહત્ત્વની છે. મોદી સરકારે થોડા સમય પહેલાં જ નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે. મોદી સાહેબે કહેલું કે, આ નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓના મગજ પરથી માર્કશીટનું દબાણ દૂર કરવા માટે છે કેમ કે માર્કશીટ વિદ્યાર્થી માટે પ્રેશર શીટ અને પરિવાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગઈ છે. મોદી સાહેબે ક્લાકરૂમને દીવાલોની વચ્ચે કેદ નહીં કરવાની વાતો કરેલી ને માતૃભાષામાં શિક્ષણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મોદીસાહેબે શિક્ષણ માટે ‘ફાઈવ સી’નો મંત્ર પણ આપેલો.

મોદીસાહેબના કહેવા પ્રમાણે, એકવીસમી સદીમાં શિક્ષકોએ ક્રિટિકલ થિંકિંગ, ક્રિયેટિવિટી, કોલાબરેશન, ક્યુરિયોસિટી અને કોમ્યુનિકેશન એ પાંચ કૌશલ્ય કેળવવા પડશે ને વિદ્યાર્થીઓએ આ ગુણોને આત્મસાત કરીને તેના આધારે આગળ વધવું પડશે.કમનસીબી એ છે કે સરકારની નવી શિક્ષણ નીતિ અને આ બધી વાતોનો મેળ ખાતો નથી. તેનું સૌથી મોટું કારણ એ કે, નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણનું નવું ફોર્મેટ બાળકો પર શિક્ષણનો બોજ વધારનારું છે. આપણે ત્યાં વરસોથી ૧૦ + ૨ એટલે કે ધોરણ ૧થી ધોરણ ૧૦ સુધીનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ને પછી ધોરણ ૧૧ અને ધોરણ ૧૨નું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એ ફોર્મેટ પ્રમાણે શિક્ષણ અપાય છે. તેના બદલે નવી શિક્ષણ નીતિમાં શાળાના અભ્યાસક્રમમાં સુધારા સાથે ૫+૩+૩+૪ના નવા ફોર્મેટની ભલામણ કરવામાં આવી છે. મતલબ કે, મોદી સરકાર ૧૦ + ૨ ફોર્મેટને અભરાઈ પર ચડાવી દેશે. તેના બદલે શાળાકીય શિક્ષણ ૧૫ વર્ષનું થઈ જશે.

અત્યારે બાળકને ૫ વર્ષની વય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ છે તે પણ જતો રહેશે ને તેના બદલે ૩ વર્ષની વયથી બાળકને ભણવા મોકલવાની પદ્ધતિ અમલી બનશે. બાળકો પર નાની વયે શિક્ષણનો બોજ નાખીને તેમનું બાળપણ ના છિનવી લેવું જોઈએ એવી વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે મોદી સરકાર બાળકો પર ત્રણ વર્ષની ઉંમરથી જ શિક્ષણનો બોજ નાખી દેવાની છે. કેજરીવાલ સરકાર પોતાના બોર્ડમાં તેનાથી કશુંક અલગ લાવે છે કે નહીં એ જોવાનું રહે છે. કેજરીવાલ સરકાર કશુંક નવું કરશે એવી અપેક્ષા પણ છે કેમ કે આ સરકારે સરકારી સ્કૂલોને બદલવા માટે અભિયાનની પહેલ કરી છે, હિંમત બતાવી છે. આશા રાખીએ કે દિલ્હી માટેના બોર્ડમાંથી પણ કશુંક એવું નિપજે કે જેનો લાભ આખા દેશને મળે, નવી પેઢીને મળે.