કેન્દ્રના સખ્ત વલણ બાદ ટ્વિટરે ૯૭ ટકા એકાઉન્ટ્સ બ્લોક કર્યા

કેન્દ્ર સરકારના સતત દબાણ બાદ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે ૯૭ ટકા એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે. ઈલેક્ટ્રોનિક્સ, સૂચના અને ટેક્નોલોજી વિભાગે ઉશ્કેરણીજનક કન્ટેન્ટ પોસ્ટ કરનારા અનેક એકાઉન્ટ્સ બ્લોક કરવા માંગણી કરી હતી. આ એકાઉન્ટ્સ ’કિસાન જનસંહાર’ જેવા હેશટેગનો ઉપયોગ કરતા હતા.

જાણવા મળ્યા મુજબ કેન્દ્ર સરકારે બે વખત અપીલ કરીને ૧,૪૩૫ એકાઉન્ટ્સ ચિહ્નિત કર્યા હતા, જેમાંથી કંપનીએ ૧,૩૯૮ ખાતાઓ બ્લોક કરી દીધા છે. સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહની અને ટ્વીટર પબ્લિક પોલિસી ઉપાધ્યક્ષ મોનિક મેચે અને જિમ બેકર વચ્ચે બુધવારે મોડી સાંજે બેઠક યોજાઈ હતી.

આ બેઠક બાદ અમેરિકી સોશિયલ મીડિયા કંપનીએ સરકાર દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા ઉપયોગકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. સરકારી સૂત્ર દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ટ્વીટરે બ્લોક કરવામાં આવેલા ખાતાઓની યાદી બનાવીને મંત્રાલયને સોંપી દીધી છે બાકી વધેલા એકાઉન્ટ્સ માટે પ્રક્રિયા ચાલી રહી છે જેમાં યુઝર્સને નોટિસ મોકલવા સહિતના પગલાઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે જે ૧,૧૭૮ એકાઉન્ટ્સ પાકિસ્તાન અને ખાલિસ્તાન સાથે સંકળાયેલા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી તેમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. જે ૨૫૭ એકાઉન્ટમાંથી વિવાદિત હેશટેગ ચલાવવામાં આવ્યું હતું તેમાંથી ૨૨૦ને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સૂત્ર દ્વારા મળતા અહેવાલ પ્રમાણે તે પૈકીના કેટલાક એકાઉન્ટ્સ ડુપ્લીકેટ હોવાની પણ આશંકા છે.