કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કરસેતુ જેવા જીએસટીનું પુનર્ગઠન જરૂરી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યો વચ્ચે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના વળતરના મુદ્દે લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી. મોદી સરકારે જીએસટીની જે પણ આવક થઈ હોય તેમાંથી રાજ્યોને હિસ્સો આપવો પડે ને રાજ્યોને જીએસટીના અમલના કારણે થયેલા નુકસાન પેટે વળતરની રકમ પણ આપવી પડે. સરકારની આવક સાવ ઠપ્પ છે તેથી મોદી સરકારે  હાથ અધ્ધર કરી દીધેલા ને રાજ્યોને કારભાર ચલાવવા માટે જરૂરી નાણાંનો બંદોબસ્ત જાતે કરવા કહી દીધેલું. એ માટે જરૂર પડે તો દેવું કરવાની વણમાગી સલાહ પણ નિર્મલા સીતારામને આપેલી.

ભાજપ શાસિત રાજ્યો તો કહ્યાગરા છે તેથી માની ગયેલાં પણ કોંગ્રેસ ને બીજા વિપક્ષોની સરકારો છે એ રાજ્યો નામક્કર ગયેલાં. રાજ્યોને નાણાં આપવાની જવાબદારી કેન્દ્રની છે તેથી દેવું કરવું હોય તો દેવું કરો ને કંઈ વેચવું હોય તો વેચો પણ તમે જ બધો બંદોબસ્ત કરો એવું વલણ તેમણે અપનાવેલું. સામે કેન્દ્ર સરકાર પણ વિવાદ પર ઉતરેલી તેથી શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવો ઘાટ હતો. આ ખેંચતાણમાં છેવટે મોદી સરકારે નાકલીટી રાજ્યોને વળતર આપવા પોતે બજારમાંથી ઉધારી કરશે એવું જાહેર કરવું પડ્યું છે. મોદી સરકારે પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા પોતે રાજ્યો વતી બજારમાંથી 1.10 લાખ કરોડ લેશે ને લોન પેટે રાજ્યોને રકમ આપશે એવું કહ્યું છે પણ રાજ્યો એ વાત માને એ વાતમાં માલ નથી તેથી અંતે મોદી સરકારે જ વ્યાજનો બોજ સહન કરવાનો આવવાનો છે.

મોદી સરકારે રાજ્યો તરફ ઉદારતા દાખવી તેમાં અત્યારે તો ડખો ઉકેલાઈ ગયો છે પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણા કરવેરા માળખા વિશે નવેસરથી વિચારવાની જરૂર છે. જીએસટીને કારણે રાજ્યો તો સાવ ઓશિયાળાં થઈ ગયાં છે ને કેન્દ્રની દયા પર જીવતાં થઈ ગયાં છે પણ કેન્દ્ર સરકારને પણ બરાબરના સંકટનો અણસાર આવી ગયો છે. કેન્દ્ર સરકારે ધારેલી આવક થતી નથી ને જેમ દિવસો જાય છે તેમ તેમ આવક ઘટતી જાય છે એ જોતાં આ જીએસટી વિશે નવેસરથી વિચારવાની જરૂર છે જ.

જીએસટીને કારણે સૌથી વધારે પરેશાન તો રાજયો છે કેમ કે તેમની મોટા ભાગની આવક જીએસટીમાંથી જ છે. જીએસટી સિવાય સ્ટેમ્પ ડ્યુટી, પ્રોફેશનલ ટેક્સ, એન્ટ્રી ટેક્સ ને જે રાજ્યોમાં દારૂબંધી નથી એ રાજ્યોમાં દારૂ પરની એક્સાઈઝ જેવા નાના-નાના આવકના સ્રોત છે પણ મુખ્ય સ્રોત જીએસટી જ છે. અત્યારે જે સિસ્ટમ છે તેમાં જીએસટી તરીકે જે પણ આવક થાય છે એ બધી આવક કેન્દ્ર સરકાર પાસે જાય છે. કેન્દ્ર તેમાંથી દરેક રાજ્યમાંથી મળેલી જીએસટીની આવક પ્રમાણે રાજ્યોને રકમ આપી દે છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરાની આવકમાં થયેલા ઘટાડાના વળતર તરીકે જીએસટીના ફાળા સિવાયની બીજી રકમ પણ આપવી પડે છે. જીએસટી પહેલી જુલાઈ, 2017 થી લાગુ કરવાનું નક્કી કરાયું ત્યારે રાજ્યો તથા કેન્દ્ર દ્વારા લેવાતા બીજા ઘણા કરવેરા નાબૂદ કરવાનું પણ નક્કી કરાયેલું. તેના કારણે રાજ્યોને કરવેરાની જે ઘટ પડે તે પૂરવા માટે વળતર આપવાનું નક્કી થયેલું ને તેની ફોર્મ્યુલા નક્કી થયેલી. આ ફોર્મ્યુલા પ્રમાણે જીએસટીમાં જે કરવેરાને સમાવી લેવાયા તે કરવેરા પેટે દરેક રાજ્યને 2015-16 માં જે આવક થયેલી તેને આધાર માનવામાં આવ્યો. દર વર્ષે તેમાં 14 ટકાનો વધારો કરીને જે રકમ આવે એ રકમમાંથી જીએસટીની આવક પેટે થયેલી રકમ બાદ કરવી. જે તફાવત આવે એ રકમ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને જીએસટીના અમલથી પાંચ વર્ષ સુધી ચૂકવવી એવું નક્કી થયેલું.

જીએસટીના કારણે રાજ્યોને આવકમાં નુકસાન ના જાય એટલે મોદી સરકારે જ આ ફોર્મ્યુલા નક્કી કરી હતી. 2017-18 ના નાણાકીય વર્ષથી જીએસટીનો અમલ શરૂ થયો એટલે મોદી સરકારે 2022ના જુલાઈ સુધી કેન્દ્ર સરકારે રાજ્યોને વળતર ચૂકવવું પડે. આ ફોર્મ્યુલા નક્કી થયેલી ત્યારે કોરોના આવશે ને લોકડાઉન લાદવું પડશે એવી કોઈને ખબર નહોતી તેથી આકસ્મિક સંજોગોમાં શું કરવું એ કોઈએ વિચારેલું જ નહીં. ત્રણ મહિના લગી તમામ આર્થિક પ્રવૃત્તિ બંધ રહી તેથી સરકારની આવક લગભગ શૂન્ય થઈ ગઈ. આ કારણે રાજ્યોને તો કશો ફરક ના પડે કેમ કે તેમને જીએસટીમાંથી હિસ્સો ના મળે તો એ રકમ વળતર તરીકે મળી જાય પણ મોદી સરકાર બરાબરની ભેરવાઈ ગઈ છે.

આમ તો કોરોના આવ્યો તેના પહેલાં જ સરકાર થાકી ગઈ હતી કેમ કે જીએસટીની આવક ધારી થતી નહોતી ને રાજ્યો તો ત્રણ મહિના થાય એટલે વળતર માટે પઠાણી ઉઘરાણી કરવા ઊભા જ રહી જતા. મોદી સરકાર તેમને ગમે તે રીતે વળતર આપીને ગાડું ગબડાવતી પણ હવે સરકાર પાસે જ આવક નથી તેથી પહેલાં તો મોદી સરકારે ગલ્લાંતલ્લાં કર્યાં. પછી રાજ્યોને બજારમાંથી ઉધારી કરીને ગાડું ગબડાવવાની સલાહ આપી. ભાજપ શાસિત રાજ્યોએ તો સાહેબનું ફરમાન આવે એટલે માનવું જ પડે પણ બિન ભાજપ રાજ્યો અડી ગયેલાં. મોદી સરકારે તેમને દબાવવા કોશિશ કરી પણ આ રાજ્યોએ મચક ના આપી તેમાં દેવું કરવાના દિવસો આવી ગયા છે.

જીએસટીના અમલને હજુ માંડ સવા ત્રણ વરસ થયાં છે ને મોદી સરકારે રાજ્યોને હજુ બીજાં પોણા બે વરસ સુધી વળતર આપવાનું થવાનું છે. કોરોનાના કારણે ત્રણ મહિના બધું બંધ રહ્યું તેમાં તો કેન્દ્રે રાજ્યોને વળતર આપવા માટે સવા લાખ કરોડ રૂપિયાનું દેવું કરવું પડે છે ને હજુ કપરો કાળ સાવ પત્યો નથી એ જોતાં મોદી સરકારે હજુ કેટલું દેવું કરવું પડશે એ રામ જાણે. તેનું કારણ એ કે, આર્થિક મોરચે બધું સરખું થતાં કેટલો સમય લાગશે એ નક્કી નથી તેથી જીએસટીની આવક બે-ત્રણ વર્ષ વગી તો વધવાની નથી જ. બલકે વધવાની વાત તો છોડો પણ લોકડાઉન લદાયું એ પહેલાં જેટલી અવક થતી હતી એટલી આવકે પાછા આવવાનાં પણ ફાંફાં થઈ ગયાં છે. બીજી તરફ રાજ્યોને બીજાં પોણા બે વરસ તો વળતર આપવું જ પડશે. તેના માટે સરકારે દેવા પર દેવાં કરવા પડે.

કેન્દ્ર સરકારની મોટા ભાગની આવક પગારોમાં ને પેટ્રોલિયમ માટે ક્રૂડની ખરીદીમાં જાય છે. જે થોડું ઘણું બચે છે એ બધું રાજ્યોને જીએસટીનું વળતર આપવામાં વપરાઈ જાય તો વિકાસનાં કામો માટે સરકાર પાસે કશું બચે નહીં. કોઈ પણ સરકાર માટે આ સ્થિતિ સારી ન જ કહેવાય એ જોતાં સરકારે આવક વધે એવા રસ્તા વિચારવા પડે ને તેમાં સૌથી સરળ રસ્તો જીએસટી અંગે નવેસરથી વિચારવાનો છે. નિકાસમાં વધારે કરીને વિદેશથી આવક ખેંચી લાવવાનો વિકલ્પ પણ છે પણ એ આપણું ગજું નથી એ જોતાં આપણે સરળ રસ્તો જ વિચારવો પડે.

આખા દેશમાં એકસરખો ટેક્સ હોય ને સરખું ટેક્સ માળખું હોય એ વિચાર સારો છે પણ અત્યારે જે સ્થિતિ છે એ જોતાં આ વિચાર નહીં ચાલે. પ્રાદેશિક અર્થતંત્રને ધ્યાનમાં રાખીને નવું કરવેરા માળખું ઘડવું પડે. મોદી સરકાર ભવિષ્યમાં બધું પડી ના ભાંગે એવું ઈચ્છતી હોય તો તેણે શાણપણ વાપરીને તેની ક્વાયત અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. આ ક્વાયતમાં જીએસટીનો વિકલ્પ શું એ વિચારવાની જરૂર નથી પણ રાજ્યોને આવકના નવા સ્રોત જેવા કરવેરા લાદવાની છૂટ આપીને જીએસટી વળતરની રકમ કઈ રીતે ઘટાડી શકાય એ વિચારવું જોઈએ. દરેક રાજ્ય પાસે એવો વિકલ્પ હોય જ ને જીએસટી નહોતો એ પહેલાં દરેક રાજ્ય એ વિકલ્પ અજમાવીને તેમાંથી કમાણી કરતું જ હતું.

અત્યારે પણ ઘણાં રાજ્યોએ શરાબ પરની એક્સાઈઝ ડ્યૂટી વધારીને આવક વધારી જ છે. આ પ્રકારનાં બીજાં ઉત્પાદનો દરેક રાજ્યો પાસે છે જ. મોદી સરકાર તેમને એ ઉત્પાદનો પર અલગથી કરવેરા લાદવાની છૂટ આપે તો તેની આર્થિક જવાબદારી ઘટે ને તેનો માથાનો દુ:ખાવો ઓછો થાય. મોદી સરકાર પોતે પણ એવા નવા સ્રોત ઊભા કરી શકે. બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ કે લકઝ્યુરિયસ ટેક્સ જેવા સામાન્ય માણસને અસર ના કરે એવા ટેક્સ લગાવીને મોદી સરકાર પોતાની આવક વધારી જ શકે..મોદી સરકાર મૌલિકતા વાપરીને બીજું કશુંક પણ કરી શકે. વાત એટલી જ છે કે, હવે ખાલી જીએસટીની આવકના ભરોસે બેસી રહેવામાં મજા નથી. જીએસટીની મર્યાદાઓ છતી થઈ ગઈ છે ને એ આપણા અર્થતંત્રને ડૂબાડી દે એ પહેલાં જાગવું જરૂરી છે. મોદી સરકારે ત્રણ વર્ષ પહેલાં મોટા ઉપાડે જીએસટી લાદેલો. એ વખતે મોટી ક્રાંતિ કરી નાખી હોય એવી હોહા કરેલી તેથી અત્યારે મોદી સરકારને જીએસટીની નિષ્ફળતા સ્વીકારવામાં ખચકાટ થાય પણ દેશના હિતમાં એ ખચકાટ, અહમ બધું બાજુ પર મૂકીને વિચારવું જોઈએ.