કેન્દ્ર સરકારની ટીમ જિલ્લાના પ્રવાસે : સમીક્ષા બેઠક

  • કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ બે દિવસ અમરેલી જિલ્લામાં
  • કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વાવાઝોડાની અસરો અંગે કરેલું સર્વગ્રાહી વિશ્લેષણ : આજે રાજુલા, કોવાયા, જાફરાબાદની મુલાકાત લેશે

અમરેલી,
સમગ્ર રાજ્યમાં તાઉ’તે વાવાઝોડાની સૌથી વધુ અસર અમરેલી જિલ્લામાં થઇ છે. જેના અનુસંધાને નવી દિલ્હીથી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ટીમ અમરેલી જિલ્લાની મુલાકાતે છે. આજે કલેક્ટર કચેરી ખાતે ભારત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકની શરૂઆતમાં સૌ અધિકારીઓએ કેન્દ્રીય ટીમને પરિચય આપ્યો હતો. રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલએ વાવાઝોડા અંગેનો સ્લાઈડ શો દ્વારા સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ સમગ્ર જિલ્લામાં તાઉતે વાવાઝોડા અંતર્ગત થયેલા નુકસાન તેમજ અન્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી.
આ બેઠકમાં ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક શ્રી સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી શ્રી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક શ્રી મહેશ કુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક શ્રી જીતેશ શ્રીવાસ, ગ્રામ વિકાસ વિભાગના અધિકારીશ્રી, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી શ્રી રાજીવ પ્રતાપ દુબે ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ચેર પર્સન શ્રી શાહમીના હુસેન, કૃષિ ખેડૂત કલ્યાણના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, પશુપાલન મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ શ્રી નલિન ઉપાધ્યાય, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ સુશ્રી અવંતિકા સિંઘ, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, મેનેજીંગ ડિરેક્ટર સુશ્રી શ્વેતા તીવેટીયા, ડીજીવીસીએલના એમડી શ્રી યોગેશ ચૌધરી, મુખ્ય વન સંરક્ષક શ્રી દિનેશકુમાર શર્મા, ફિશરીઝ કમિશનર શ્રી ડી. પી. દેસાઈ, રિજીઓનલ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.