કેન્દ્ર સરકારનો અમરનાથા યાત્રા રદ્દ કરવાનો નિર્ણય સમયસરનો

જમ્મુ-કાશ્મીરમાં જે રીતે છેલ્લાં કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વૃદ્ધિ આવી હતી તે જોતા એમ લાગી જ રહ્યું હતું કે આ વખતે પવિત્ર અમરનાથ યાત્રા રદ કરવામાં આવશે. તેમ છતાં અમરનાથ શ્રાઈન બોર્ડ અને સરકારે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યા હતા તેમ છતાં તેમને સફળતા મળી ન હતી. ત્યાર બાદ સરકારે એક હિંમતપૂર્વક નિર્ણય લીધો અને અમરનાથ યાત્રા રદ કરવાની જાહેરાત કરી દીધી. જમ્મુ અને કાશ્મીરમાં અગાઉ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હતી, પરંતુ અચાનક જ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો અને આજે કોરોનાના દરદીઓની કુલ સંખ્યા 15000ની ઉપર પહોંચી ગઈ અને આને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો હતો. અમરનાથ ધામ એ હિંદુઓ માટે સૌથી પવિત્ર ધામ છે અને દર વર્ષે હજારો યાત્રાળુઓ આ યાત્રા પોતાના જીવના જોખમે પણ કરતા હોય છે, કેમ કે અમરનાથ યાત્રા ખૂબ જ વિકટ છે.
તેમ છતાં દરેક હિંદુઓના મનમાં એક વખત આ યાત્રા કરવાની ઈચ્છા હોય જ છે. આ યાત્રા એટલી બધી ભવ્ય હોય છે કે છ મહિના અગાઉ જ અમરનાથમાં પંડાલથી માંડીને બીજી બધી સેવાઓ માટેની તૈયારીઓ થઈ જતી હોય છે. હિંદુઓ માટે શીરમોર સમી આ યાત્રા રદ કરવાના નિર્ણય બાદ હવે દેશનાં બીજાં રાજ્યોએ પણ ધડો લેવાની જરૂર છે. જુલાઈ મહિનામાં જ બકરી ઈદનો તહેવાર આવે છે અને આને માટે અનેક રાજ્યોમાં ઉજવણીની પરવાનગી માગતી અરજીઓ કરવામાં આવી છે. કોરોના કાળમાં કોઈ પણ તહેવારની ઉજવણી માટે ભેગા થવું એ કાળને સામેથી નોતરવા જેવું છે. જો અમરનાથ યાત્રા કરવા દેવાઈ હોત અને બકરી ઈદની ઉજવણી પર રોક લગાવવામાં આવી હોત તો ધર્મનિરપેક્ષતાનો ઝંડો ફરકાવનારાઓ સરકાર પર માછલાં ધોવામાં કંઈ બાકી ન રાખત, પરંતુ સરકારના એક જ નિર્ણયે આ લોકોના મોઢાં સીવી લીધાં છે.
વળી એક પણ હિંદુ સંગઠને આ નિર્ણયનો વિરોધ નથી કર્યો, પરંતુ આ નિર્ણયને વધાવ્યો છે. રામજન્મભૂમિ ખાતે ભૂમિપૂજનની જાહેરાત સાથે જે લોકો સરકારને ખખડાવતા હતા એ તમામના મોં બંધ થઈ ગયા છે. રામજન્મભૂમિ ખાતે આયોજાયેલા કાર્યક્રમ અને અમરનાથ યાત્રા વચ્ચે કોઈ સામ્ય નથી. વળી રામજન્મભૂમી ખાતે સીમિત સંખ્યામાં જ લોકોને હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી છે. આથી બંનેની સરખામણી વાજબી નથી. આ બાજુ આવનારા સમયમાં શ્રાવણ માસ દરમિયાન અનેક હિંદુ તહેવારો તેમ જ ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને બંગાળ તેમ જ ગુજરાતમાં નવરાત્રીના તહેવારો પર પણ રોક લગાવાશે તે નક્કી થઈ ગયું છે.
જે રીતે અમરનાથ યાત્રા રદ કરવાના સરકારના નિર્ણય સાથે લોકો ઊભા રહ્યા છે તે રીતે જ આવનારા સમયમાં દેશના તમામ રાજ્યોમાં થનારા તહેવારો માટે પણ લોકોએ સરકારી નિર્ણય પ્રત્યે વિશ્ર્વાસ રાખવો જરૂરી છે. 2આ વખતે જો એકાદ તહેવાર ઓછો ઉજવાશે તો કંઈ વાંધો નહીં, આવતા વર્ષે વધુ જોમથી આપણે તહેવાર ઉજવીશું, પણ એક વાત ખાસ એ પણ છે કે જે રીતે હિંદુઓએ આવા નિર્ણયને સ્વીકાર્યો છે તે રીતે બીજા ધર્મ (અહીં ખાસ ઈસ્મલામ એમ વાંચવું)ના લોકોએ પણ કોરોના કાળમાં સરકારના કેટલાક આકરાં નિર્ણયોની સાથે ઊભા રહેવું જરૂરી છે. નહીં તો આવા બોલ્ડ નિર્ણયનો ફાયદો કોઈને જ નહીં થાય. સરકારે પણ આ ધ્યાનમાં રાખવું જરૂરી છે.