કેન વિલિયમસન ફરી પ્રથમ સ્થાને, જાડેજા-પંતને થયું નુકસાન

આઈસીસીના તાજા ટેસ્ટ રેકિંગમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં તેણે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ૪૯ અને અણનમ ૫૨ રનની ઇનિંગ રમી હતી. તેનાથી કીવી ટીમને જીત મળી અને વિલિયમસને રેકિંગમાં પણ ફરી નંબર-૧નું સ્થાન હાસિલ કરી લીધું છે. કેનના ૯૦૧ રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાને રહેલા સ્મિથ કરતા ૧૦ પોઈન્ટ આગળ છે. સ્મિથના આ સમયે ૮૯૧ રેટિંગ પોઈન્ટ છે. તો આઈસીસીના બેટ્સમેનોના રેકિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચોથા સ્થાને છે અને તેના ૮૧૨ રેટિંગ પોઈન્ટ છે.

રેકિંગમાં અન્ય ભારતીય બોલરોની વાત કરીએ તો રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે, જ્યારે રિષભ પંત એક સ્થાનના નુકસાન સાથે સાતમાં સ્થાને પહોંચી ગયો છે. તો ભારતની વિરુદ્ધ અણનમ ૪૭ રન બનાવનાર રોસ ટેલર ત્રણ સ્થાનના ફાયદા સાથે ૧૪માં નંબરે પહોંચી ગયો છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવેને ૧૮ સ્થાનનો ફાયદો થયો અને તે ૪૨માં સ્થાને પહોંચી ગયો છે. કોનવેએ ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની પ્રથમ ઇનિંગમાં ૫૩ રન બનાવ્યા હતા. ફાઇનલ મેચમાં ૪૯ અને ૧૫ રનની ઇનિંગ રમનાર ભારતીય વાઇસ કેપ્ટન રહાણેને ત્રણ સ્થાનનો ફાયદો થયો અને તે ૧૩માં સ્થાને પહોંચી ગયો છે.

ટેસ્ટ બોલરોનના રેકિંગની વાત કરીએ તો પેટ કમિન્સ પ્રથમ અને આર અશ્ર્વિન બીજા સ્થાને યથાવત છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉદી અને નીલ વેગનર ત્રીજા અને ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કાઇલ જેમિસનને રેકિંગમાં ફાયદો થયો છે. જેમિસને કરિયરનું સર્વોચ્ચ રેકિંગ હાસિલ કર્યુ અને તે ૧૩માં સ્થાને પહોંચી ગયો છે.

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને નુકસાન થયું છે. જાડેજાએ ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેકિંગમાં પ્રથમ સ્થાન ગુમાવી દીધુ છે. જેસન હોલ્ડર ૩૮૪ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. ત્યારબાદ બેન સ્ટોક્સ અને રવિન્દ્ર જાડેજાનો નંબર આવે છે. બંનેન ૩૭૭ પોઈન્ટ છે. ચોથા સ્થાને આર અશ્ર્વિન અને પાંચમાં સ્થાને શાકિબ અલ હસન છે.