કેવડિયામાં ખાનગી એજન્સીની બસોના ડ્રાઇવરોની હડતાળ: પ્રવાસીઓ અટવાયા

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ લઈ જતી ખાનગી એજન્સીના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે. નાતાલની રજાઓના સમયે જ ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે. ખાનગી એજન્સી દ્વારા ડ્રાઈવરોને છેલ્લા ૨ મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી અને પગાર માંગતા ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવે છે, જેથી ડ્રાઈવરોમાં રોષ જોવા મળી રહૃાો છે.

કેવડિયા ખાતે પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો જોવા માટે ખાનગી લકઝરી બસમાં લઈ જવાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી ખાનગી એજન્સીમાં કામ કરતા બસના ડ્રાઈવરને કોરોના કાળમાં નિયમિત પગાર મળતો નથી અને છેલ્લા બે મહિનાથી તો તેઓને પગાર ચુકવવામાં આવ્યો જ નથી. જેથી ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે અને લોકડાઉનમાં પણ ડ્રાઈવરોને પગાર ચુકવવામાં આવ્યો નહોતો. આ દરમિયાન આજે ડ્રાઈવરો અચાનક જ હડતાળ પર ઉતરી ગયા છે અને સમયસર પગાર આપવાની માંગ કરી રહૃાા છે. આ ઉપરાંત છેલ્લા ૨ મહિનાનો પગાર પણ તાત્કાલિક ચુકવી દેવાની તેઓની માંગ છે.

નાતાલ તહેવાર નજીક છે, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ પણ જામી છે. આ સમયે જ ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો જોવા માટે પહોંચેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જેને પગલે તંત્ર દ્વારા સમાધાન કરવાનો પ્રયાસ ચાલી રહૃાા છે.