કોંગ્રેસના ‘ચાણક્ય‘ અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન

એક મહિના પહેલાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા
અહેમદ પટેલને તેમની ઈચ્છા અનુસાર આજે સવારે ૯-૦૦ કલાકે તેમના વતનમાં દફનાવાશે, પીરામણ ગામમાં તૈયારી શરુ
અહેમદ પટેલ આઠ વખત સાંસદ રહી ચૂક્યા છે જેમાં ત્રણ વખત લોકસભા અને પાંચ વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે હાલ તેઓ ગુજરાત બેઠક  પરથી રાજ્યસભાના સાંસદ હતા
રાષ્ટ્રપતિ,વડાપ્રધાન, સોનિયા-રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓએ કોંગ્રેસ ચાણક્યના નિધન પર દૃુ:ખ વ્યક્ત કર્યુ

ન્યુ દિલ્હી,

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. ૭૧ વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા બુધવારે સવારે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

અહેમદ પટેલના અવસાનથી તેમના વતન ભરૂચ સ્થિત પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહૃાો છે. મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલની ઈચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જેથી પીરામણ ગામમાં દફનવિધિઓ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મળતા સમાચાર મુજબ આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે ૯-૦૦ કલાકે અહેમદ પટેલની દફનવિધિ કરવામાં આવશે.

અહેમદ પટેલ મૃત્યુ પામ્યા પછી પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના વતન પિરામણ ખાતે માબાપની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમનો મૃતદેહ વિમાન માર્ગે ભરૂચ આવશે અને ત્યાંથી તેમના વતન પિરામણ ખાતે લઈ જવાશે.

એક ટ્વીટમાં તેમના દીકરા ફૈઝલ શેખે અહેમદ પટેલ બુધવારે સવારે ૩.૩૦ કલાકે અવસાન પામ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દિગવંત નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કોવિડ પ્રોટોકોલ અનુસાર લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા માટે પણ અપીલ કરી હતી. અહેમદ પટેલ મૂળ ભરુચના છે, અને તેઓ ભરુચ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. ૧ ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ૧૫ નવેમ્બરે તેમને મેદૃાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

વડાપ્રધાન મોદીએ સ્વર્ગીય નેતાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે હું તેમના અવસાનથી દુ:ખી છું. તેમણે જાહેરજીવનમાં વર્ષો વિતાવ્યા, અને સમાજની સેવા કરી. તેઓ પોતાની વિચક્ષણ બુદ્ધિ માટે જાણીતા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમણે નીભાવેલી ભૂમિકા માટે તેમને યાદ રખાશે.

અહેમદ પટેલે તેમની રાજકીય કારકિર્દૃીની શરૂઆત કટોકટીના દિવસોથી થઈ હતી. ૨૮ વર્ષીય પટેલે ૧૯૭૭માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલને તેમણે પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ સાઇડલાઇન થયા હતા. તેઓ ફક્ત કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનીને રહી ગયા હતા. જે બાદમાં ૯૦ના દૃાયકામાં સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે તેઓએ અહેમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા હતા.

અહેમદ પટેલ આઠ વખત સાંસદ રહી ચુક્યા છે. જેમાં ત્રણ વખત લોકસભા અને પાંચ વખત રાજ્ય સભાના સાંસદ રહી ચુક્યા છે. હાલ તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્ય સભાના સાંસદ હતા.