કોંગ્રેસના નેતૃત્વમાં ફરીથી ફેરફાર કરવા માટે બૌદ્ધિક વ્યાયામ શરૂ

ખેડૂત આંદોલનની ધમાલ અને બંગાળમાં જે.પી. નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની ધમાધમી વચ્ચે મીડિયામાં ગયા અઠવાડિયે એક બીજા રસપ્રદ સમાચાર વહેતા થયા છે. કૉંગ્રેસમાં અત્યારે સોનિયા ગાંધી પ્રમુખ છે પણ આવતા મહિને સોનિયા ગાંધીના બદલે રાહુલ ગાંધી પાછા પ્રમુખ બની જશે એવી વાતો ચાલે છે. સોનિયા કૉંગ્રેસની સાથે સાથે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ પ્રોગેસિવ એલાયન્સ (યુપીએ)નાં પણ ચેરપર્સન છે. રાહુલ ગાંધી કૉંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે પણ સોનિયા યુપીએના ચેરપર્સન તરીકે ચાલુ જ હતાં. હવે સોનિયા કોંગ્રેસ પ્રમુખપદેથી ફરી વિદાય થશે ત્યારે સંપૂર્ણ રાજકીય સંન્યાસ લઈ લેશે ને યુપીએના ચેરપર્સનપદેથી પણ રાજીનામું આપી દેશે એવી વાતો ચાલે છે.

યુપીએની રચના 2004માં થઈ ત્યારે સોનિયા તેના ચેરપર્સન બનેલાં કેમ કે કૉંગ્રેસ એ વખતે સત્તાધારી પક્ષ હતો. અત્યારે પણ સોનિયા જ ચેરપર્સન છે કેમ કે હજુ યુપીએમાં કૉંગ્રેસ જ સૌથી મોટો પક્ષ છે. કોઈ પણ રાજકીય ગઠબંધનમાં મોભી તરીકે સૌથી મોટા પક્ષના નેતા જ હોય તેથી આ પદ કૉંગ્રેસને જ ફાળે જાય પણ રસપ્રદ સમાચાર એ વહેતા થયા છે કે, રાહુલ કૉંગ્રેસ પ્રમુખ બને પછી એ યુપીએના ચેરપર્સન નહીં બને. તેના બદલે એનસીપીના મુખિયા શરદ પવાર સોનિયાની જગાએ ચેરપર્સન બનશે. છેલ્લા એકદ અઠવાડિયાથી આ વાતો ચાલી રહી છે તેના કારણે પવાર યુપીએના નેતા બને તો શું થાય તેની વાતો પણ પૂરજોશમાં ચાલી રહી છે.

શરદ પવારે આ વાતોને મોં-માથા વિનાની ગણાવી છે. પવારનું કહેવું છે કે, સોનિયા સાથે કે કૉંગ્રેસ સહિતના સાથી પક્ષો સાથે આવી કોઈ ચર્ચા જ થઈ નથી. મીડિયાને બીજો ધંધો નથી એટલે આવા પતંગ ચગાવ્યા કરે છે. પવારની વાત સાચી છે કે નહીં એ ખબર નથી કેમ કે મીડિયા સાચું નથી તો રાજકારણીઓ પણ રાજા હરિશ્ચંદ્રના અવતાર નથી. બલ્કે જૂઠું બોલવામાં તેમનો રેકોર્ડ મીડિયા કરતાં પણ ખરાબ છે. પવાર તો રીઢા રાજકારણી છે તેથી એ કોઈ પણ વાતે મગનું નામ મરી જલદી ના જ પાડે તેથી એ સાચું જ બોલતા હોય એ જરૂરી નથી. પવારના ઈન્કાર વચ્ચે મહારાષ્ટ્રમાં પવારના સાથી પક્ષ શિવસેનાએ પવાર યુપીએ ચેરપર્સન બને એ વાતને ટેકો આપ્યો છે એ જોતાં પવાર કહે છે એમ સાવ મોંમાથા વિનાની વાત હોવાની શક્યતા ઓછી છે.

જો કે સત્ય જે હોય તે સામે આવશે જ પણ યુપીએને નવા ચેરપર્સનની જરૂર છે તેમાં બેમત નથી. 2004માં યુપીએની રચના કરાઈ ત્યારે કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષોની જે સ્થિતિ હતી તેના કરતાં અત્યારે તેમની ખરાબ હાલત છે. બલ્કે તેમના રાજકીય અસ્તિત્વ સામે જ સવાલ આવીને ઊભો રહી ગયો છે. ભાજપનો પ્રભાવ સમગ્ર દેશમાં છે અને આ પ્રભાવ વધતો જ જાય છે. આ પ્રભાવને રોકવામાં ઘણા પ્રાદેશિક પક્ષો સફળ થયા છે પણ ઘણાં રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપ વિરોધી પક્ષો પણ વિભાજિત છે.

સોનિયા ગાંધી 16 વર્ષ સુધી યુપીએનાં ચેરપર્સન રહ્યાં ને તેમણે આ નેતૃત્વ પૂરું પાડ્યું હતું એ કબૂલવું પડે. આ 16 વર્ષમાંથી દસ વર્ષ યુપીએ સત્તામાં હતી તેથી કોઈ સમસ્યા નહોતી એવું ઘણાંને લાગે. જે પક્ષ સત્તામાં હોય તેની તરફ પ્રાદેશિક પક્ષો ને નાના નાના પક્ષો ખેંચાઈ આવતા હોય છે એવી માન્યતા છે તેથી ઘણાંને લાગે છે કે સોનિયાએ બહુ મોટી ધાડ નથી મારી પણ સોનિયાએ બહુ મહેનત કરવી પડી છે.

સૌથી પહેલાં તો 2004માં તમામ પક્ષોને એક કરીને યુપીએના નેજા હેઠળ લાવવા માટે કૉંગ્રેસને સૌથી મોટો પક્ષ બનાવતાં જ તેમને માથું ચડી ગયેલું. સોનિયા ગાંધી રાજકારણમાં આવ્યાં ત્યારે કૉંગ્રેસની હાલત ખરાબ હતી. નરસિંહરાવે દેશમાં આર્થિક સુધારા કરીને બહુ મોટી ક્રાંતિ કરી નાંખી હતી પણ બેફામ ભ્રષ્ટાચાર કરીને કૉંગ્રેસની ઘોર પણ ખોદી નાખી હતી. નરસિંહરાવને ખસેડીને પ્રમુખ બનેલા સીતારામ કેસરીએ બાકી હતું એ પૂરૂં કરી નાંખેલું. કંટાળેલા કૉંગ્રેસીઓએ સોનિયા મેડમના પગ પકડ્યા ત્યારે ભાજપ સામે લડવાનું હતું ને કૉંગ્રેસની અંદર પણ લડવાનું હતું. રાજેશ પાયલોટ ને જીતેન્દ્ર પ્રસાદ જેવા ધુરંધરોએ તેમની સામે સીધો મોરચો માંડેલો. સોનિયાએ તેમને પછાડીને પ્રમુખપદ કબજે કર્યું તો શરદ પવાર, પૂર્ણો સંગમા ને તારીક અનવરની ત્રિપુટીએ સોનિયાના વિદેશી કુળના મામલે કૉંગ્રેસથી છેડો ફાડી નાંખ્યો હતો. આ ઓછું હોય તેમ 1999ની ચૂંટણીમાં કૉંગ્રેસને કારમી હાર મળતાં કૉંગ્રેસનો સંકેલો કરી લેવાની મહાત્મા ગાંધીની ઈચ્છા સોનિયા મેડમ પૂરી કરી નાંખશે એવું લાગતું હતું.

આ અસફળતાઓના કારણે સોનિયા મેડમે ભારતમાંથી ભાગવું પડશે તેવી વાતો પણ થતી હતી. આ ઘોર અસફળતાઓ છતાં સોનિયા મેડમ ના ડગ્યાં ને 2004માં બહુ ચગેલા ભાજપને પછાડીને કૉંગ્રેસને સત્તા અપાવી. સોનિયાએ પોતાની તાકાત બતાવી તેના કારણે પ્રાદેશિક પક્ષો તેમના પડખામાં ભરાયા ને યુપીએ બન્યો હતો. એ વખતે ડાબેરીઓ અને કૉંગ્રેસને ઊભા રહે બનતું નહોતું પણ સોનિયા 2004 માં ડાબેરીઓને કૉંગ્રેસને ટેકો આપવા સમજાવી શક્યાં હતાં. ચંદ્રશેખર રાવની ટીઆરએસ, માયાવતીની બસપા અને મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને યુપીએમાં લાવીને તેમણે મજબૂત જોડાણ ઊભું કર્યું હતું એ કબૂલવું પડે. આમ બધા પક્ષો પછીથી પોતાના પ્રાદેશિક હિતોના કારણે અલગ થયા પણ તેમને સાથે રાખીને સોનિયાએ સાવ પતી ગયેલી કૉંગ્રેસને બે ટર્મ માટે સત્તા અપાવી હતી.

સોનિયા પાસે એ વખતે અહમદ પટેલ, પ્રણવ મુખરજી સહિતના બીજા પક્ષોને સમજાવી શકે તેવા માણસો પણ હતા તેથી યુપીએ સોનિયાના સમયમાં મજબૂત બન્યું. અત્યારે સ્થિતિ અલગ છે. સોનિયા છ વર્ષમાં યુપીએને ફરી બેઠો ના કરી શક્યાં ને હવે ફરી બેઠો કરી શકે એવી તેમની સ્થિતિ નથી. સોનિયા બીમારી અને વધતી વયના કારણે કૉંગ્રેસનો જ બોજ વેંઢારી શકે તેમ નથી ત્યારે યુપીએની વધારાની જફા લેવાનો તો સવાલ જ નથી. તેમની પાસે રાજકીય રીતે હોંશિયાર કહેવાય એવા સલાહકારો પણ નથી તેથી યુપીએનાં ચેરપર્સન બનીને એ કશું ઉકાળી શકે તેમ નથી.

આમ તો 2014 ની ચૂંટણીમાં કૉંગ્રેસના ધોવાણની સાથે યુપીએનું પણ ધોવાણ થઈ ગયું હતું ને 2019ની ચૂંટણીમાં હાલત વધારે ખરાબ થઈ. એક સમયે યુપીએમાં ૧૯ પક્ષો હતા. આજે દસ પક્ષ છે ને તેમાં લોકસભામાં જેમની બેઠક બે આંકડે હોય એવા તો કૉંગ્રેસ ને ડીમકે બે જ પક્ષ છે. બાકીના પક્ષો સાવ ફાસફૂસિયા છે ને નવા પક્ષો સોનિયાના કારણે આવે તેમ નથી એ જોતાં એ ચેરપર્સન રહે કે ના રહે બહુ ફરક પડતો નથી.

કૉંગ્રેસમાં સોનિયા પછી સ્થિતી સાવ ખરાબ છે. કૉંગ્રેસ પાસે એવા નેતા નથી કે જે યુપીએને સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકે. કૉંગ્રેસ વળી વળીને નહેરુ-ગાંધી ખાનદાન તરફ જ વળે છે. આ કારણે સોનિયા પછી રાહુલ ગાંધી પાછા પ્રમુખ બનશે એ નક્કી છે પણ રાહુલમાં કૉંગ્રેસને સાચવવાની ત્રેવડ નથી ત્યારે એ યુપીએને સાચવી શકે એ વાતમાં માલ જ નથી. રાહુલને કોઈ ગંભીરતાથી લેતું જ નથી તેથી નવા રાજકીય પક્ષો રાહુલના કારણે યુપીએમાં જોડાય એવી આશા ન રખાય. એ સંજોગોમાં રાહુલ યુપીએના ચેરપર્સન બને તો શોભાના ગાંઠિયા જેવા બની રહે.

આ સંજોગોમાં યુપીએને ફરી બેઠો કરવો હોય તો નવા ચેરપર્સન જરૂરી છે ને તેમાં પણ પવાર સિવાય વિકલ્પ નથી. અત્યારે યુપીએમાં કૉંગ્રેસ અને એનસીપી સિવાય તમિલનાડુની ડીએમકે અને બિહારની આરજેડી એ બે મોટી પાર્ટી છે. ઝારખંડમાં સત્તાધારી જેએમએમ પણ યુપીએમાં છે પણ એ બધા પાસે કોઈ એવા નેતા જ નથી કે જેની વાત બહાર કોઈ સાંભળે. લાલુપ્રસાદ યાદવ કડેધડે હોત તો એ વિકલ્પ બની શકે પણ સોનિયાની જેમ એ પણ તબિયતથી નંખાઈ ગયેલા છે એ જોતાં એ કશું કરી શકે એમ નથી. આ સંજોગોમાં પવાર સિવાય કોઈ આરો નથી. પવાર જૂના ખેલાડી છે ને તેમની વાત લોકો સાંભળે છે એ જોતાં એ કમ સે કમ દેશના ભાજપ વિરોધી તમામ પક્ષો સાથે વાત તો કરી જ શકે.

અલબત પવાર પોતાની સોનાની જાળ પાણીમાં નાંખવા તૈયાર થાય કે કેમ એ સવાલ છે. અત્યારે એ શાંતિથી રહે છે ને નવી ઉપાધિ શું કરવા ઊભી કરે. યુપીએ અત્યારે સાવ મડદું છે ને પવારે આ મદડામાં પ્રાણ ફૂંકવાના છે. ટીઆરએસ, બીજેડી, તૃણમૂલ કોંગ્રેસ, વાયએસઆર કોંગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષો ભાજપને હંફાવી રહ્યા છે પણ એ બધા એટલા મજબૂત છે કે તેમને કૉંગ્રેસ કે બીજા કોઈના ટેકાની જરૂર નથી. કૉંગ્રેસ પોતે મજબૂત થાય તો જ બીજા પક્ષો તેની તરફ આકર્ષાય એ જોતાં પવાર ચેરપર્સન બને કે બીજું કોઈ, બહુ ફરક ન પડે.