કોંગ્રેસે તો બધા પર લાંબી આક્ષેપબાજી કર્યા વગર અરીસામાં જોવાની જરૂર છે

કોંગ્રેસ માટે હમણાં બરાબરની માઠી દશા ચાલે છે ને ઠેર ઠેરથી હોળી સળગ્યાના જ સમાચાર આવે છે. કોંગ્રેસની નેતાગીરી એક ઠેકાણે હોળી ઠારે ત્યાં બીજે ભડકો થાય છે ને ત્યાં ઠારે ત્યાં ત્રીજે ઠેકાણે સળગે છે. પંજાબ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તો બારે મહિના જ્વાળા સળગેલી જ હોય છે. કોંગ્રેસ માટે તાજો ભડકો મેઘાલયમાં થયો છે. ઉત્તર-પૂર્વનાં ટચૂકડા રાજ્ય મેઘાલય વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. 2018માં વિધાનસભાની ચૂંટણ થઈ ત્યારે સૌથી વધારે બેઠકો એનપીપીને 23 મળેલી ને તેણે ભાજપ સહિતના પક્ષોના ટેકાથી સરકાર રચેલી. બીજા નંબરે કોંગ્રેસ આવેલી ને તેને 17 બેઠકો મળેલી. એનપીપી ભાજપના પડખામાં ગઈ હોવાથી કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ હતો.
બુધવારે અચાચક જ ચિત્ર બદલાયું. કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાની આગેવાનીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા એ સાથે જ કોંગ્રેસના બદલે તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ બની ગયો. પક્ષપલટા વિરોધી ધારા હેઠળ ત્રીજા ભાગના ધારાસભ્યો પક્ષ છોડીને જાય તો ગેરલાયક ના ઠરે. મતલબ કે, સંગમા સાથે છ ધારાસભ્યો ગયા હોત તો પણ પક્ષપલટા વિરોધી કાયદો લાગુ ના પડ્યો હોત. તેના બદલે સંગમા પોતાની સાથે એકસામટા 11 ધારાસભ્યોને લઈ ગયા તેમાં કોંગ્રેસ પાસે ગણીને પાંચ ધારાસભ્યો રહી ગયા છે. મોટા ભાગના ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કરીને તૃણમૂલના પડખામાં ભરાઈ ગયા છે એ જોતાં આ પાંચ ધારાસભ્યો પણ ક્યાં લગી ટકશે એ ખબર નથી.
મુકુલ સંગમા કોંગ્રેસના જૂના જોગી છે ને બે વાર મુખ્યમંત્રી બનેલા. સંગમા પહેલી વાર 2010માં મુખ્યમંત્રી બનેલા ને ત્રણ વર્ષ ટકેલા. 2013ની ચૂંટણીમાં સંગમાએ કોંગ્રેસને ફરી વાર જીતાડીને સત્તા અપાવી હતી ને પાંચ વર્ષ પૂરાં કરેલાં. 1993માં પહેલી વાર અપક્ષ તરીકે ધારાસભ્યપદે ચૂંટાયેલા સંગમા એ પછી સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે ને કદી હાર્યા નથી. સળંગ છ વાર વિધાનસભાની ચૂંટણી જીતનારા સંગમાની ગણના મેઘાલય કોંગ્રેસના ધુરંધરોમાં થતી હતી પણ કોંગ્રેસે તેમને કોરાણે મૂકીને વિન્સેટ પાલાને આગળ કરવા માંડ્યા તેમાં સંગમા બગડેલા. પાલાએ સંગમાના માણસોને કાપીને સંગઠનમાં પોતાના મળતિયાઓને મૂકવા માંડ્યા તેની સામે સંગમાએ વારંવાર રજૂઆત કરી પણ હાઈકમાન્ડે તેમને ભાવ જ નહોતો આપ્યો. સંગમા કોલકાત્તા જઈને મમતા બેનરજીને મળેલા પણ કોંગ્રેસ એવા ભ્રમમાં જ હતા કે સંગમા હાઈકમાન્ડને હૂલ આપવા ને બિવડાવવા આ બધા દાવ કરે છે. હાઈકમાન્ડે સંગમાને ગણકાર્યા જ નહીં એટલે એ વધારે બગડ્યા ને બુધવારે સાચે જ કોંગ્રેસનો દાવ કરી નાંખ્યો. એકસાથે 11 ધારાસભ્યોને લઈને તૃણમૂલમાં ઉપડી ગયા ને કોંગ્રેસને ખાલી કરી નાંખી.મેઘાલયની ઘટના કોંગ્રેસ માટે આંખ ઉઘાડનારી હતી ને આ ઘટના પછી કોંગ્રેસીઓએ આત્મમંથન કરવું જોઈએ પણ તેના બદલે કોંગ્રેસીઓ જે વાતો કરે છે તે સાંભળીને આઘાત લાગે છે. કોંગ્રેસમાં સોનિયા ગાંધી તો આવા નાની નાની વાતો વિશે બોલવામાં પહેલેથી માનતાં નથી પણ રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી પણ આવી ઘટનાઓને ગણકારતાં ન હોય એ રીતે વર્તે છે તેથી સત્તાવાર રીતે કશું કહેતાં નથી પણ તેમના વાઉચરો રીએક્શન્સ આપે છે. રીએક્શન આપવા માટે દરેક વાર અલગ અલગ ધુરંધર હાજર થાય છે ને આ વખતે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો વારો હતો. ચૌધરી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ છે કે જ્યાં આ વરસની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સાવ ધોળકું ધોળીને ખાતું પણ નહોતું ખોલાવ્યું.
ચૌધરીના કહેવા પ્રમાણે મેઘાલય જ નહીં પણ આખા ઉત્તર-પૂર્વમાં કોંગ્રેસને તોડવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. ચૌધરીએ આ ષડયંત્રના સૂત્રધાર તરીકે મમતા બેનરજીના ખાસ મનાતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને હમણાં જ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા ગોઆના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લુઈઝિયાનો ફલેરોને ગણાવ્યા છે. મમતા બેનરજી થોડા દિવસ પહેલાં જ દિલ્હી ગયેલાં. મમતા છેલ્લે જુલાઈમાં દિલ્હી ગયાં એ ટાણે સોનિયા ગાંધીને ખાસ મળવા ગયેલાં. ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષોનો મોરચો રચવાની વાતો પણ તેમણે કરેલી પણ આ વખતે મમતા સોનિયાને ન મળ્યાં.
ચૌધરીએ ટોણો માર્યો છે કે, સોનિયાને મળવા જાય તો મોદી ગુસ્સે થઈ જાય એટલે મમતા સોનિયા ગાંધીને ન મળ્યાં. ચૌધરીના કહેવા પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મમતાના ભત્રીજા ને સાંસદ અભિષેક બેનરજીને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારથી મમતાના રંગઢંગ બદલાઈ ગયા છે. મમતાએ એ પહેલાં ભાજપ સામે લડવા માટે એક થવા સોનિયાને કાગળ લખેલો ને હવે મળવા પણ માગતાં નથી. ચૌધરીએ તો પડકાર પણ ફેંક્યો છે કે, મમતામાં તાકાત હોય તો તેમણે મુકુલ સંગમા સહિતના ધારાસભ્યોને પહેલાં તૃણમૂલ કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડાવીને જીતાડી બતાવવા જોઈએ ને પછી પોતાની પાર્ટીમાં લેવા જોઈએ.
ચૌધરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેથી તેમણે જે કંઈ કહ્યું એ ઉપરવાળાંની મરજીથી જ કહ્યું હશે એ કહેવાની જરૂર નથી. ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે તેથી એ જે કંઈ કહે એ કોંગ્રેસનું સત્તાવાર વલણ જ કહેવાય ને આ વલણ સાવ વાહિયાત કહેવાય એવું છે. મેઘાલયની ઘટના તાજી છે તેથી તેની વાત કરી પણ કોંગ્રેસના નેતા પક્ષ છોડીને જાય એ નવી વાત નથી. લાંબ સમયથી આ ક્રમ ચાલ્યા કરે છે. આ માહોલમાં કોંગ્રેસે વિચારવું જોઈએ કે પોતાના નેતા કેમ પક્ષ છોડીને જઈ રહ્યા છે પણ તેના બદલે ચૌધરી કાવતરાની વાતો કરે છે એ સાંભળીને હસવું આવે છે. રાજકારણમાં તોડફોડ સામાન્ય વાત છે ને એક પક્ષ બીજા પક્ષના નેતાઓને તોડી જાય તેમાં કોઈને નવાઈ લાગતી નથી. તેને કાવતરું કઈ રીતે ગણાવી શકાય ? ને માનો કે આ કાવતરું હોય તો પણ કોંગ્રેસ પોતાના માણસોને બીજા પક્ષમાં જતા રોકવા કેમ કશું કરતી નથી?
કોંગ્રેસે ખરેખર આત્મમંથન કરીને પોતાના માણસોને જતા રોકવા માટે મથવું જોઈએ. તેના બદલે કોંગ્રેસ દોષારોપણ કરીને પોતાની નબળાઈને ઢાંકવા મથી રહી છે એ આઘાતજનક છે. કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે તેનું કારણ કોંગ્રેસ હાઈકમાન્ડની નિષ્ક્રિયતા અને અનિર્ણાયકતા છે. વાસ્તવમાં કોંગ્રેસમાં કોઈ નેતાગીરી જ રહી નથી ને જે કહેવાતી નેતાગીરી છે એ કોઈ નિર્ણય જ લેતી નથી તેથી કોંગ્રેસીઓને પોતાના રાજકીય ભાવિ વિશે અસાલમતી લાગી રહી છે. કોંગ્રેસમાં બધું સ્થગિત થઈ ગયું છે ને નાના નાના નિર્ણયો લેવામાં પણ એટલો ટાઈમ પાસ કરાય છે કે કોઈ પણ માણસ અકળાઈ જાય. કોઈ પણ વાતનો ત્વરિત નિવેડો લાવવાના બદલે વાતને લટકાવી રાખવી એ જ કોંગ્રેસનું કેરેક્ટર બની ગયું છે ને તેના કારણે બધી મોંકાણ છે.
કોંગ્રેસમાં સંવાદ પણ મરી પરવાર્યો છે. કાર્યકરો તો ઠીક પણ મોટા ગજાના નેતાઓની વાત પણ કોઈ સાંભળતું નથી ને લોલેલોલ ચાલે છે. આ સ્થિતિ સામે અવાજ ઉઠાવે તેના પર હાઈકમાન્ડના ચમચા તૂટી પડે છે ને તેને પક્ષવિરોધી ચિતરી નાંખે છે તેથી હવે લોકો બોલવાના બદલે પક્ષ છોડીને પોતાનો રસ્તો કરી લેવાની નીતિ અપનાવે છે. કોંગ્રેસે આ સ્થિતિ બદલવી જોઈએ ને પક્ષમાં કાર્યકરો-નેતાઓનો વિશ્ર્વાસ વધે એવા પગલાં ભરવાં જોઈએ. કોંગ્રેસીઓને વિશ્ર્વાસ અપાવવો જોઈએ કે, કોંગ્રેસમાં ફરી બેઠા થવાની તાકાત છે ને કોંગ્રેસમાં તમારું ભાવિ સલામત છે. કાવતરાની ને એવી બધી બકવાસ વાતો કરવાના બદલે વિશ્ર્વાસ પેદા કરીને પક્ષને બચાવવો જોઈએ.