કોંગ્રેસ જો હવે પક્ષમાં આંતરિક ચૂંટણી નહિ કરાવે તો ખરેખર એ ખોવાઈ જશે

એક તરફથી વરસાદ રોકાવાનું નામ લેતો નથી. થોડીક વરાપ નીકળે ને ફરી એના એ જ ઘટાટોપ વાદળો છવાઈ જાય છે. હવામાન વિભાગે હજુ બે ત્રણ દિવસના ભારે વરસાદની આગાહી તો કરી જ છે. દેશમાં એક તરફ નીટ અને જેઈઈ-મેઈન પરીક્ષા યોજવાના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ વિરોધી વિવિધ પક્ષોની સરકારો વચ્ચે જંગ જામ્યો છે ત્યારે બીજી તરફ કૉંગ્રેસની આંતરિક લડાઈ પણ બે દિવસના યુદ્ધવિરામ પછી પાછી શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં જોરદાર પટ્ટાપાજી ને વાકયુદ્ધ પછી અંતે સોનિયા ગાંધીને જ છ મહિના માટે વચગાળાનાં પ્રમુખ બનાવવાનું નક્કી થયું ત્યારે લાગેલું કે ઘીના ઠામમાં ઘી પડી ગયું ને થોડી હોહા પછી સોનિયા સામે બગાવતનો ઝંડો ઊંચો કરનારા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા છે. સીડબલ્યુસીની બેઠક પછી ગુલામ નબી આઝાદ ને કપિલ સિબ્બલ સહિતના નેતા ડાહી ડાહી વાતો કરવા લાગેલા તેના પરથી લાગવા માંડેલું કે, બળવાખોરો હામ હારી બેઠા છે ને સોનિયા સામે ફરી બોલવાની કે માથું ઊંચકવાની હિંમત નહીં કરે.

સોનિયાભક્તો પણ આ ઘરનો મામલો છે ને એવી બધી સુફિયાણી વાતો કરવા માંડેલા તેના પરથી લાગતું હતું કે, હવે બધું ટાઢું પડી જશે પણ આ માન્યતા ઠગારી નિવડી છે. બે દિનની શાંતિ પછી પાછું કૉંગ્રેસનું કમઠાણ શરૂ થયું છે ને ગુલામ નબી આઝાદ તથા કપિલ સિબ્બલ બંને મેદાનમાં આવ્યા છે. સિબ્બલે જાહેર કર્યું છે કે, કૉંગ્રેસની હાલત અત્યારે સાવ કથળી ગઈ છે ને તેને વરસના ત્રણસો પાંસઠ દિન ને ચોવીસે કલાક હાજર રહીને કામ કરે એવા પ્રમુખની જરૂર છે. સિબ્બલે સીધાં સોનિયાને જ નિશાન બનાવ્યાં છે એ કહેવાની જરૂર નથી. સોનિયા ગાંધી ઉંમરના કારણે નંખાઈ ગયેલાં છે ને તેમની તબિયત પણ નરમગરમ રહ્યા કરે છે. આ કારણે એ પોતે ત્રણસો ને પાંસઠ દિન ને ચોવીસે કલાક કામ કરી શકે એવી હાલત જ નથી. એ પોતે દિવસમાં બે-ચાર કલાક માંડ ફાળવી શકે એવી હાલતમાં છે ત્યારે ચોવીસે કલાક કામ કરવાનો તો સવાલ જ પેદા થતો નથી. આ વાત નાના છોકરાને પણ સમજાય એવી છે.

એ સ્થિતિ જોતાં સિબ્બલે સીધો સોનિયા સામે જ મોરચો માંડ્યો છે ને શબ્દો ચોર્યા વિના કહી દીધું છે કે, સોનિયાએ ધકેલ પંચા દોઢસો કરીને પોતાના ભાયાતોની મદદથી કૉંગ્રેસનો કારભાર બહુ ચલાવી લીધો પણ હવે એ નહીં ચાલે. કૉંગ્રેસે આગળ વધવાની વાત તો છોડો પણ ટકી રહેવું હશે તો પણ સોનિયાને તડકે મૂકવાં પડશે. ગુલામ નબી આઝાદે સોનિયાને સીધા નિશાન નથી બનાવ્યાં પણ સોનિયા ને તેમની ટોળકી પ્રમુખપદની ચૂંટણીની વાતને ટલ્લે ચડાવે છે તેની સામે નિશાન તાક્યું છે. આઝાદનું કહેવું છે કે, કૉંગ્રેસમાં હવે પ્રમુખપદ માટે ચૂંટણી નહીં થાય તો પચાસ વરસ સુધી વિરોધ પક્ષમાં બેસવું પડશે. આઝાદે સ્પષ્ટ કહ્યું છે કે, અમારો ઈરાદો કૉંગ્રેસને મજબૂત કરવાનો છે ને એ ઈરાદાથી જ અમે સોનિયા ગાંધીને પત્ર લખેલો. આ પત્ર લીક થઈ ગયો તો એમાં આટલી કાગારોળ મચાવવાની જરૂર નથી કેમ કે પક્ષને મજબૂત કરવાની અપીલ કરવી કે ચૂંટણી કરાવવાની માગ કરવી તેમાં કશું અયોગ્ય નથી.

આઝાદે તો એમ પણ કહ્યું છે કે, કૉંગ્રેસમાં બે દાયકાથી ચૂંટણી જ થઈ નથી એ જોતાં કદાચ દસ-પંદર વર્ષ પહેલાં જ પક્ષમાં આંતરિક ચૂંટણી કરાવવાની જરૂર હતી. અત્યારે કૉંગ્રેસ એક પછી એક ચૂંટણી હારી રહી છે ત્યારે કૉંગ્રેસે ફરી બેઠા થવું હોય તો ચૂંટણી કરાવીને પક્ષને મજબૂત કરવો જોઈએ. આઝાદે તો સોનિયા અને રાહુલ ગાંધીના પીઠ્ઠુઓને પણ આડે હાથ લેતાં કહ્યું છે કે જે લોકો પક્ષમાં ચૂંટણી કરાવવાનો વિરોધ કરે છે એ લોકોને પોતાના હોદ્દા જતા રહેશે એ વાતનો ડર લાગે છે. આઝાદે બહુ લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો છે ને તેમાં તેમણે ઘણા મુદ્દે માંડીને વાત કરી છે. એ બધી વાતો કરી ન શકાય પણ તેમની વાતનો સાર એ જ છે કે, કૉંગ્રેસે આંતરિક લોકશાહીને ફરી સ્થાપિત કરવી જ પડે, બાકી એ પતી જશે. સોનિયાભક્તોએ તેની સામે પણ ઊહાપોહ આદર્યો છે પણ આઝાદની અને સિબ્બલની બંનેની વાત સાવ સાચી છે.

આઝાદ અને સિબ્બલ બંનેની ગણના પણ નહેરૂ-ગાંધી ખાનદાનના પાલતુઓમાં જ થતી હતી પણ અચાનક તેમના સૂર કેમ બદલાયા તેની આપણને ખબર નથી. તેમને અચાનક શૂરાતન કેમ ચડી આવ્યું કે પછી ડહાપણની દાઢ કેમ ફૂટી એ આપણે જાણતા નથી પણ તેમણે જે વાત કરી છે એ સાવ સાચી છે. કૉંગ્રેસની હાલત સાવ ખરાબ છે તેમાં બેમત નથી ને સિબ્બલ સાવ સાચા છે. એક સમયે જેના નામના સિક્કા પડતા એ કૉંગ્રેસ અત્યારે પ્રાદેશિક પક્ષોની કક્ષાએ આવીને ઊભી રહી ગઈ છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કૉંગ્રેસને પચાસેક બેઠકો મળી છે. લોકસભામાં વિપક્ષના નેતાનું સભ્યપદ મેળવવા પણ કુલ બેઠકોના દસ ટકા બેઠકો મળવી જોઈએ પણ કૉંગ્રેસ એ લેવલે પણ પહોંચી નથી. કૉંગ્રેસ આઝાદી પછીની પહેલી ચૂંટણીથી લડે છે પણ આવી હાલત કદી થઈ નથી. તૃણમૂલ કૉંગ્રેસ ને એઆઈએડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ઈ. સ. 2014ની ચૂંટણીમાં તો લગભગ કૉંગ્રેસની જેટલી બેઠકો લઈ ગયેલા.

ઈ. સ. 2014ની ચૂંટણી વખતે મોદી લહેર હતી એમ માનીને તેને અપવાદ ગણીએ તો ઈ. સ. 2019માં પણ એ જ સ્થિતિ રહી. કૉંગ્રેસ માંડ માંડ પચાસ બેઠકોનો આંકડો પાર કરી શકી. કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પોતાના ગઢ ગણાતા અમેઠી મતવિસ્તારમાંથી હારી ગયા. આ સ્થિતિ ખરેખર ખરાબ જ કહેવાય એ જોતાં સિબ્બલની વાત સાચી જ છે. કૉંગ્રેસે તેની હાલત સુધારવી હોય તો જબરદસ્ત ઝનૂન સાથે મચી જવું પડે ને એ માટે ચોવીસ કલાક કામ કરી શકે, કાર્યકરોને દોડતા રાખી શકે એવું નેતૃત્વ જોઈએ જ. સોનિયાભક્તોની દલીલ છે કે, સોનિયા 1997માં પ્રમુખ બન્યાં ત્યારે કૉંગ્રેસની હાલત ખરાબ જ હતી ને છતાં કૉંગ્રેસને તેમણે ફરી બેઠી કરીને સત્તા અપાવી જ એ જોતાં અત્યારે પણ એ નેતૃત્વ આપવા સક્ષમ છે જ. એ લોકો એક વાત ભૂલી જાય છે કે, સોનિયા ગાંધી નવાંસવાં રાજકારણમાં આવેલાં ત્યારે આખા દેશની પદયાત્રા કરીને કાર્યકરોને મળવા નિકળી પડેલાં. અત્યારે સોનિયાથી એવું થવાનું છે ?

બિલકુલ ન થાય. બે કલાક બહાર ફરે તો એમ્બ્યુલન્સ બોલાવવી પડે એવી સોનિયાની હાલત છે. ખરેખર તો કૉંગ્રેસીઓએ તેમની દયા ખાઈને તેમને નિવૃત્ત કરી દેવાં જોઈએ પણ પોતાના સ્વાર્થ ખાતર સોનિયા પણ કશું છોડતાં નથી ને તેમના ભક્તો પોતાના સ્વાર્થ ખાતર તેમને કશું છોડવા દેતા નથી. નહેરૂ-ગાંધી ખાનદાન સોનિયા ન હોય તો રાહુલ કે પ્રિયંકાને લાવવા માગે છે. રાહુલ નિષ્ફળ છે ને તેમનામાં ચોવીસ કલાક કામ કરવાની તાકાત જ નથી. એ વચ્ચે વચ્ચે વેકેશન માણવાના બહાને રામ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે ને એવું તો જાહેર જીવનમાં પડ્યા પછી ન ચાલે. પક્ષ ચલાવવો હોય તો ચોટલી બાંધીને બેસવું પડે ને સતત હાજર રહેવું પડે. પ્રિયંકા કદાચ એ કરી શકે કેમ કે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં એ રીતે વર્તી રહ્યાં છે પણ પ્રિયંકા પોતે તૈયાર નથી. આ સંજોગોમાં કૉંગ્રેસે આ બધાંને બાજુએ મૂકીને દોડી શકે ને પક્ષને દોડાવી શકે એવો નેતા શોધવાની જરૂર છે જ.

આઝાદે પક્ષમાં ચૂંટણી યોજવા પર ભાર મૂક્યો છે ને તેમની વાત પણ સાવ સાચી છે. અત્યારે કૉંગ્રેસ બાપીકી પેઢી બની ગઈ છે ને વાણોતરોના ભરોસે ચાલે છે. એ વાણોતરો સોનિયાને જેમ ભણાવે એ પ્રમાણે સોનિયા કરે ને એ લોકો જેનું નામ આપે તેને ટિકિટો ને હોદ્દા મળે. આ સ્થિતિ કોઈ પણ પક્ષ માટે શરમજનક કહેવાય. આ હાલત હોય ત્યાં જેમનામાં તાકાત હોય તેમને પણ તક ક્યાંથી મળવાની ? ને તાકતવરોને તક ના મળે તો પક્ષ ક્યાંથી ઊંચો આવવાનો ? આ સંજોગોમાં પચાસ શું સો વર્ષ સુધી પણ મેળ ન પડે ને વિપક્ષમાં જ બેસવું પડે. ઘણા માને છે કે, આ કૉંગ્રેસની આંતરિક બાબત છે તેથી તેની આટલી બધી ચર્ચા કરવાની જરૂર નથી. આ સમજણ સાવ ખોટી છે. આ મુદ્દો કૉંગ્રેસનો આંતરિક મામલો નથી પણ દેશને લગતો છે તેથી તેની ચર્ચા જરૂરી છે.

લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ આંતરિક લોકશાહીમાં માનતો હોય એ જરૂરી છે. જે પક્ષના નેતા પોતે જ આંતરિક લોકશાહીમાં ન માનતા હોય ને મુઠ્ઠીભર લોકો પક્ષ પર કબજો કરીને બેસી જાય એવી માનસિકતા ધરાવતા હોય એ પક્ષ દેશમાં લોકશાહીનું જતન કઈ રીતે કરી શકે ? બિલકુલ ન કરી શકે. કૉંગ્રેસે પોતે લોકશાહીમાં માને છે એ વાતનો અહેસાસ લોકોને કરાવવા માટે આંતરિક ચૂંટણીઓ કરાવવી જરૂરી છે. કૉંગ્રેસ ફેંકાઈ ગઈ તેનું એક કારણ એ બાપીકી પેઢી બની ગઈ એ પણ છે ને એ છાપ ભૂંસવા ચૂંટણીઓ જરૂરી છે. સિબ્બલ-આઝાદે સાવ સાચી વાત કહી છે પણ તેમનું સાંભળે કોણ? સોનિયા સામે પત્ર લખ્યો તેમાં તો તેઓ ગદ્દાર હોય એવું વર્તન કરાઈ રહ્યું છે ત્યારે તેમની વાતને ખેલદિલીપૂર્વક લેવાય એવી આશા રાખવા જેવી નથી.