કોંગ્રેસ વાજપેયીને અંગ્રેજોના બાતમીદાર  કહે છે…કોંગ્રેસમાં બુદ્ધિની કટોકટી લાગે છે 

કૉંગ્રેસના નેતાઓને ક્યારે શું બોલવું તેનું ભાન જ રહેતું નથી. કૉંગ્રેસ માટે લોકોમાં સતત અણગમો વધી રહ્યો છે તેનું એક કારણ એ છે કે, કૉંગ્રેસના મોટાભાગના નેતાઓ કસમયે ને કટાણે ગમે તે ભરડી નાંખે છે. મોટાભાગના કૉંગ્રેસી નેતાઓની સ્પીચ પાછી ચોક્કસ વિષયો પર અટકેલી છે. આ મુદ્દે બોલીશું તો લોકોને નહીં ગમે ને સરવાળે કૉંગ્રેસને જ નુકસાન થશે એટલી સાદી સમજ પણ તેમનામાં વિકસી નથી. તેના કારણે એ લોકો આઘાતજનક લાગે એવા લવારા કર્યા કરે છે. તેનું તાજું ઉદાહરણ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ એટલે કે એઆઈસીસીના કો-ઓર્ડિનેટર ગૌરવ પાંધીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી વિશે કરેલો લવારો છે. કોંગ્રેસ પક્ષના અનેક નેતાઓની જીભ વારંવાર લપસે છે. ખરેખર તો કોંગ્રેસે સરસ્વતી પૂજન કરાવવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસ અત્યારે નિષ્ફળતાની જે સજા ભોગવે છે એમાં એના નેતાઓના બકવાસનું ઘણું યોગદાન છે.

રવિવારે ૨૫ ડિસેમ્બર ને નાતાલના દિવસે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજ્યંતિ હતી. ભારત જોડો યાત્રા સાથે નિકળેલા રાહુલ ગાંધી અત્યારે દિલ્હીમાં છે. દિલ્હીમાં રાહુલ બધા ભૂતપૂર્વ વડા પ્રધાનોની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા ગયેલા ને તેના ભાગરૂપે સોમવારે સવારે દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સામાન્ય રીતે કૉંગ્રેસીઓ ભાજપ કે બીજા પક્ષના નેતાઓની સમાધિ પર જઈને માથું ટેકવતા નથી, પણ રાહુલે ખેલદિલી બતાવી હતી. એ બદલ રાહુલની પ્રસંશા કરવી જોઈએ કે તેમણે નવો ચિલો ચાતર્યો છે. પણ રાહુલના આ કર્યા કારવ્યા પર ગૌરવ પાંધીની વાહિયાત કોમેન્ટે પાણી ફેરવી દીધું છે.

વાસ્તવમાં પાંધીએ રાહુલ વાજપેયીની સમાધિ પર ગયા એ પહેલાં ટ્વીટ કરેલી પણ પાંધી મોટા નેતા નથી તેથી કોઈનું તેના તરફ ધ્યાન નહોતું ગયું. રાહુલ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા ગયા પછી ભાજપે લાગ જોઈને સોગઠી મારી તેમાં પાંધીની ટ્વીટ વાયરલ થઈ ગઈ ને બધાંને પાંધીએ કરેલા બકવાસની ખબર પડી. ગૌરવ પાંધીએ રવિવારે એટલે કે ૨૫ ડિસેમ્બરે અટલજીની જન્મજયંતીના અવસરે લખેલું કે, ૧૯૪૨માં અટલ બિહારી વાજપેયીએ આરએસએસના અન્ય સ્વયંસેવકોની જેમ ભારત છોડો આંદોલનનો બહિષ્કાર કર્યો હતો. વાજપેયીએ આઝાદીની લડતમાં ભાગ લેનારાંની માહિતી બ્રિટિશ અધિકારીઓને આપીને અંગ્રેજોના બાતમીદાર તરીકે કામ કર્યું હતું. નેલ્લી હત્યાકાંડ હોય કે બાબરી મસ્જિદ ધરાશયી થઈ એ ઘટના હોય, વાજપેયીએ ટોળાંને ઉશ્કેરવામાં હંમેશાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પાંધીનું ટ્વીટ કોઈને ધ્યાનમાં જ નહોતું આવ્યું પણ રાહુલ વાજપેયીજીની સમાધિ સ્થળે પહોંચ્યા બાદ ભાજપે કૉંગ્રેસનાં બેવડાં ધોરણો સામે સવાલ કરતાં આ મુદ્દો ચગ્યો છે. ભાજપે ટોણો માર્યો છે કે, રાહુલ ગાંધી અને કૉંગ્રેસ ખરેખર અટલજીનું સન્માન કરતાં હોય તો વાજપેયીજીને અંગ્રેજોના બાતમીદાર કહેનાર ગૌરવ પાંધીને કૉંગ્રેસમાંથી તગેડી મૂકવા જોઈએ અને તેમના વાહિયાત નિવેદન માટે માફી માંગવાની ફરજ પાડવી જોઈએ. ભાજપે મારેલા ટોણા પછી ગૌરવ પાંધીએ પોતાનું ટ્વીટ ડિલિટ કરી દીધું પણ એ પહેલાં પાંધી સૌની નજરે ચડી ગયા હતા. ભાજપે જે મુદ્દો ઉઠાવ્યો છે એ બિલકુલ સાચો છે કેમ કે આ રીતે બેવડાં ધોરણ ન ચાલે. રાહુલ વાજપેયીજીને સન્માનનીય ગણાવીને શ્રદ્ધાંજલિ આપે ને તેમના બીજા નેતા વાજપેયીજીને અંગ્રેજોના બાતમીદાર ગણાવીને અપમાનિત કરે એ યોગ્ય નથી જ. ગૌરવ પાંધી બહુ મોટા નેતા નથી પણ એ જે હોદ્દા પર છે એ કૉંગ્રેસ માટે મહત્ત્વનો છે.

કૉંગ્રેસ પ્રમુખ બન્યા પછી મલ્લિકાર્જુન ખડગેએ ચાર નેતાને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ એટલે કે એઆઈસીસીના કો-એર્ડિનેટર તરીકે રાજ્યસભાના સાંસદ સૈયદ નાસીર હુસૈન, પ્રણવ ઝા, ગુરદીપ સિંહ સપ્પલ અને ગૌરવ પાંધી આ ચાર નેતાની નિમણૂક કરી છે. ૩૯ વર્ષીય ગૌરવ પાંધી આ ચાર નેતામાં સૌથી નાના છે. આ તમામ નેતાઓ કૉંગ્રેસ પ્રમુખની ઓફિસમાં જ કામ કરે છે તેથી તેમના દ્વારા કરાયેલું નિવેદન કૉંગ્રેસ પ્રમુખે કરેલું નિવેદન જ કહેવાય એ જોતાં કૉંગ્રેસ બેવડાં ધોરણો અપનાવે છે એ વાત ખોટી નથી જ. પાંધીએ જે મુદ્દો ઉઠાવ્યો એ વરસોથી ચાલે છે ને કૉંગ્રેસના ઘણા નેતા આ વાહિયાત આક્ષેપ કરી ચૂક્યા છે પણ કોઈએ આજ સુધી તેના પુરાવા મૂક્યા નથી. ભારત છોડો આંદોલન ૧૯૪૨માં શરૂ થયું ત્યારે વાજપેયીએ ૧૮ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં. વાજપેયી પોતાના વતન બાતેશ્વરમાં ભારત છોડો આંદોલન દરમિયાન એકઠી થયેલી ભીડમાં હતા. પોલીસે જેમનાં નિવેદન લીધા તેમાં વાજપેયી પણ હતા.

આ નિવેદનમાં તેમણે પોતે આંદોલનમાં કોઈની વિરુદ્ધ નહોતા બોલ્યા એવું કહેલું. વાજપેયીએ પોતે સ્પષ્ટતા કરી છે કે, નિવેદન ઉર્દૂમાં હતું ને તેમને ઉર્દૂ વાંચતાં આવડતું નહોતું તેથી પોલીસે કહ્યું એ રીતે સહી કરેલી. અલબત્ત નિવેદનમાં ક્યાંય વાજપેયીએ માફી માંગી હોય કે અંગ્રેજો સામે ઝૂક્યા હોય એવું કશું લખેલું નથી. પોલીસે ભીડમાં હાજર બધાંને આરોપી નહોતા બનાવ્યા. વાજપેયીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી તેથી તેમને આરોપી ન બનાવાયા ને તેનું એવું અર્થઘટન કરાયું કે, અંગ્રેજોના બાતમીદાર હોવાથી વાજપેયીને જવા દેવાયેલા. આ વાત સાબિત કરે એવા કોઈ પૂરાવા જ નથી.

આ સંજોગોમાં પાંધીનું નિવેદન વાહિયાત છે. ઈતિહાસને સમજ્યા વિના કે જાણ્યા વિના કૉંગ્રેસના નેતાઓનો એક વર્ગ વરસોથી સંઘ અને વાજપેયી સહિતના નેતાઓ વિશે ઝીંકાઝીંક કર્યા કરે છે. પાંધીએ પણ એ જ કર્યું છે. પાંધીએ વાજપેયી પર ટોળાંને ઉશ્કેરવાનો પણ આરોપ મૂક્યો છે. આ વાત અજ્ઞાનતાની ચરમસીમા જેવી છે. પાંધીએ બાબરી મસ્જિદ ધ્વંસની વાત કરી છે પણ વાસ્તવમાં વાજપેયી રામમંદિરની ચળવળથી જ અલિપ્ત રહેલા. રામમંદિરની ચળવળનો અંત ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસમાં આવ્યો. એ દિવસે ભાજપના બધા ટોચના નેતાઓ અયોધ્યામાં હતા, માત્ર વાજપેયી જ નહોતા તો વાજપેયીએ ક્યાંથી ઉશ્કેરણી કરી? બાબરી ધ્વંસ પછી ભાજપના નેતાઓ જવાબદારી લેવા જ તૈયાર નહોતા ત્યારે વાજપેયી લોકસભામાં ભાજપનો બચાવ કરવા ઊભા થયેલા. વાજપેયી એ કરી શક્યા કેમ કે તેમનામાં એ નૈતિક હિંમત હતી કે, પોતે કશું ખોટું કર્યું નથી કે મસ્જિદ તોડવા કોઈને ઉશ્કેર્યા નથી તેવું છાતી ઠોકીને કહી શકે. પાંધી જેવા નેતાઓએ આ ઈતિહાસ વાંચવો જોઈએ ને પછી બોલવું જોઈએ.