કૉંગ્રેસમાં થોડા દાડાની શાંતિ પછી પાછો પ્રમુખપદનો મુદ્દો પાછો ઉઠ્યો છે. કૉંગ્રેસમાં લાંબા સમયથી કાયમી પ્રમુખપદનો મામલો લટકેલો છે ને તેનો નિવેડો આવતો નથી. સમયાંતરે આ મુદ્દો ઉઠે છે ને પછી શમી જાય છે. અત્યારે આ મુદ્દો પાછો ઉઠ્યો છે કેમ કે કૉંગ્રેસે પ્રમુખપદની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવા માટે ૨૧ ઓગસ્ટની તારીખ જાહેર કરેલી. ૨૧ ઓગસ્ટ આવીને જતી પણ રહી પણ હજુ કૉંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણીનો સળવળાટ નથી એ જોતાં કૉંગ્રેસ ખરેખર નવા પ્રમુખ બનાવવા માગે છે કે પછી કામચલાઉ પ્રમુખના જોરે કારભાર ચલાવવા માગે છે એ સવાલ ઊભો થયો છે.
રાહુલ ગાંધીએ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં કારમી હારના પગલે પ્રમુખપદ છોડ્યું પછી સોનિયા ગાંધીને વચગાળાનાં પ્રમુખ બનાવીને કૉંગ્રેસ કામ ચલાવ્યા કરે છે.
સોનિયા વચગાળાનાં પ્રમુખ બન્યાં એ પહેલાં તો કૉંગ્રેસ પ્રમુખ વિનાની જ હતી. ૨૦૨૦ના જુલાઈમાં કૉંગ્રેસના ૨૩ નેતાઓએ બગાવત કરીને સાવ ધણીધોરી વિના ચાલતા કોંગ્રેસના કારભાર સામે સવાલો ઉઠાવ્યા પછી પહેલાં તો આ અવાજને દબાવી દેવા પ્રયાસ કરાયેલો પણ કપિલ સિબ્બલ, આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ સહિતના નેતા ના ગાંઠ્યા એટલે છેવટે સોનિયા ગાંધીને જ છ મહિના માટે વચગાળાનાં પ્રમુખ બનાવવાનું નક્કી કરીને છ મહિનામાં કોંગ્રેસ માટે નવા પ્રમુખ શોધવાનું નક્કી કરાયેલું.
આ મુદત પણ બહુ પહેલાં પૂરી થઈ ગઈ ને મુદતો પર મુદતો પડ્યા કરે છે પણ હજુ પ્રમુખની ચૂંટણીનાં કંઈ ઠેકાણાં નથી. સોનિયાએ વારંવાર કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક બોલાવી ને તેમાં સંગઠનની ચૂંટણી કરવાની વાતો થઈ પણ મેળ પડતો નથી.
આ મુદત પણ બહુ પહેલાં પૂરી થઈ ગઈ ને મુદતો પર મુદતો પડ્યા કરે છે પણ હજુ પ્રમુખની ચૂંટણીનાં કંઈ ઠેકાણાં નથી. સોનિયાએ વારંવાર કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક બોલાવી ને તેમાં સંગઠનની ચૂંટણી કરવાની વાતો થઈ પણ મેળ પડતો નથી.
એક વાર તો કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં ૨૦૨૧ના ફેબ્રુઆરી લગીમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પતાવવાનો વિધિવત ઠરાવ પણ કરાયેલો પણ પછી જુદા જુદા બહાને સંગઠનની ચૂંટણીની વાતનો વીંટો વાળી દેવાયો છે ને કોંગ્રેસને નવા પ્રમુખ મળતા જ નથી. પ્રમુખપદની ચૂંટણીની વાત છોડો પણ કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ના સભ્યોની ચૂંટણીનો પણ હજુ મેળ પડ્યો નથી. સોનિયાએ ગાંધીએ કૉંગ્રેસમાં નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થા કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)માં ધરખમ ફેરફારો કરીને પોતાની સામે પડેલા બળવાખોર નેતાઓને વેતરી નાખેલા ને પોતાના ભક્તજનોને ગોઠવી દીધેલા. સોનિયાના આ નિર્ણય સામે બળવાખોર નેતાઓએ કકળાટ કર્યો પછી સીડબલ્યુસીની ચૂંટણી કરવાનો સધિયારો અપાયેલો પણ એ ચૂંટણી પણ થઈ નથી.
જો કે સીડબલ્યુસીમાં સોનિયાની મહેરબાનીથી ગોઠવાયેલા નેતાઓમાં ચૂંટણી જીતવાની તાકાત નથી તેથી સોનિયા એ બધા ઘરભેગા થાય એવું ના જ ઈચ્છે. આ કારણે સીડબલ્યુસીની ચૂંટણી થવાની શક્યતા પણ નથી જ. અલબત્ત, સીડબલ્યુસીમાં ગમે તે બેસે તેનાથી બહુ ફરક ના પડે પણ રાષ્ટ્રીય પક્ષ માટે પ્રમુખ તો જોઈએ જ પણ એ પણ કૉંગ્રેસ કરી શકતી નથી. તારીખો પર તારીખો પડ્યા કરે છે ને દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી પ્રમુખ વિના અઢી વર્ષથી ચલાવ્યા કરે છે.
કૉંગ્રેસની આ સ્થિતી દયનિય કહેવાય ને તેનું કારણ કૉંગ્રેસીઓની ગુલામીની માનસિકતા છે. કૉંગ્રેસીઓ નહેરૂ-ગાંધી ખાનદાનની માનસિક ગુલામીમાંથી બહાર આવવા તૈયાર નથી તેની આ બધી મોંકાણ છે. નહેરૂ-ગાંધી ખાનદાનના ભક્તો માટે સોનિયા, રાહુલ, પ્રિયંકા વગેરે માઈબાપ છે. એ લોકો ગમે તે રીતે રાહુલને પ્રમુખપદે લાવવા માગે છે પણ રાહુલ વધારે પડતો ભાવ ખાય છે. એ ના જ પાડ્યા કરે છે ને ભક્તજનો રાહુલને લાવવાનું કોરસ જ ગાયાં કરે છે. રાહુલના મનમાં શું ચાલે છે એ ખબર નથી પણ એ હા પાડતા નથી તેમાં કૉંગ્રેસીઓ હલતા નથી ને પ્રમુખપદનું કોકડું ઉકેલાતું નથી.
કૉંગ્રેસના ઘણા નેતા પ્રમુખપદ ને સંગઠનની ચૂંટણીને કૉંગ્રેસનો આંતરિક મામલો છે પણ લોકશાહીમાં રાજકીય પક્ષું કશું આંતરિક મામલો ના હોય. લોકશાહીમાં સંગઠનની ચૂંટણી કોઈ પણ પક્ષનું કેરેક્ટર બતાવે છે. આ કારણે આંતરિક ચૂંટણીના મામલે કોઈ પણ પક્ષ કઈ રીતે વર્તે છે એ લોકો માટે મહત્ત્વનું હોય છે. કૉંગ્રેસ તો સત્તાધારી ભાજપનો વિકલ્પ બનવા માગે છે અને દેશમાં ફરી સત્તા પર આવવા માગે છે તેથી કૉંગ્રેસનું વર્તન વધારે મહત્ત્વનું છે. કૉંગ્રેસીઓ ચૂંટણી કરતા નથી તેનો અર્થ એ થાય કે કૉંગ્રેસ આંતરિક લોકશાહીમાં માનતો નથી, કૉંગ્રેસ એક પરિવારના એકહથ્થુ શાસનની ગુલામીમાંથી બહાર આવવા તૈયાર નથી. કૉંગ્રેસ બાપીકી પેઢી બની ગઈ છે એ છાપ ભૂંસવા ચૂંટણીઓ જરૂરી હતી પણ અઢી વર્ષ થવા છતાં કૉંગ્રેસીઓ પ્રમુખપદની ચૂંટણી કરાવી શકતા નથી કે સર્વસંમતિથી કોઈને બેસાડી પણ નથી શકતા એ જોતાં આ પક્ષ દેશના હિતમાં નથી.
કૉંગ્રેસીઓ માનસિકતા અને વિચારધારાની રીતે સાવ કરોડરજ્જુ વિનાના થઈ ગયા છે તેનો આ પુરાવો છે. આ પ્રકારનો પક્ષ લોકશાહીમાં ના ચાલે. વ્યક્તિલક્ષી રાજકારણ લોકશાહીના હિતમાં નથી જ એ જોતાં કૉંગ્રેસદેશના હિતમાં નથી. ભાજપમાં પણ એકહથ્થુ શાસન છે પણ એક સિસ્ટમ તો છે જ જ્યારે કૉંગ્રેસ તો સાવ રામભરોસે ચાલે છે એ જોતાં કૉંગ્રેસ આ દેશમાં સત્તા પર આવવાને લાયક જ નથી. જે પાર્ટી
અઢી વર્ષ લગી પોતાની આંતરિક ચૂંટણી ના કરાવી શકે કે એક પ્રમુખ ના શોધી શકે એ દેશ માટે શું કરી શકે? કંઈ ના કરી શકે.
અઢી વર્ષ લગી પોતાની આંતરિક ચૂંટણી ના કરાવી શકે કે એક પ્રમુખ ના શોધી શકે એ દેશ માટે શું કરી શકે? કંઈ ના કરી શકે.
આપણે બીજી વાત પણ વિચારવી જોઈએ. કૉંગ્રેસ દેશમાં સત્તા હાંસલ કરવાનાં સપનાં જુએ છે, ભાજપનો વિકલ્પ બનીને ફરી દેશમાં સત્તા હાંસલ માગે છે પણ આંતરિક વહીવટ સરખી રીતે ચાલે એવી વ્યવસ્થા ગોઠવી શકતી નથી. કૉંગ્રેસમાં એક સિસ્ટમ નથી, નિયમો અને બંધારણનું પાલન થાય એવી વ્યવસ્થા નથી એ જોતાં આવા પક્ષને દેશમાં ફરી સત્તા સોંપાય ખરી એ પણ મોટો સવાલ છે. જે પક્ષ પોતાની સિસ્ટમ સરખી નથી કરી શકતો, આંતરિક લોકશાહીનું જતન નથી કરી શકતો એ પક્ષ કઈ રીતે દેશની સિસ્ટમને સરખી કરી શકે? કઈ રીતે દેશનો વહીવટ સારી રીતે કરી શકે?