કોંગ્રેસ હવે એક ખાનગી પેઢી જ છે કારણ કે આંતરિક ચૂંટણી થતી નથી

કૉંગ્રેસમાં થોડા દિવસની શાંતિ પછી પાછી પટ્ટાબાજી શરૂ થઈ છે. શુક્રવારે મળેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં પાછી ધમાચકડી થતાં કૉંગ્રેસમાં પાછું કમઠાણ ઊભું થશે એવું લાગી રહ્યું છે. છ મહિના પહેલાં કૉંગ્રેસના બળવાખોર 23 નેતાઓએ સાવ ધણીધોરી વિના ચાલતા કૉંગ્રેસના કારભાર સામે સવાલો ઉઠાવ્યા ત્યારથી કંઈક ને કંઈક ડખો તો ચાલ્યા જ કરે છે પણ વચ્ચે સોનિયા ગાંધીએ કૉંગ્રેસ સંગઠનની ચૂંટણી કરવાનું ગાજર લટકાવીને સોનિયાએ સૌને ટાઢા પાડી દીધેલા. ઓગસ્ટ મહિનામાં જોરદાર પટ્ટાપાજી ને વાક્યુદ્ધ પછી અંતે સોનિયા ગાંધીને જ છ મહિના માટે વચગાળાનાં પ્રમુખ બનાવવાનું નક્કી થયું ત્યારે છ મહિનામાં કૉંગ્રેસ માટે નવા પ્રમુખ શોધવાની વાત પણ થયેલી.

આ મુદત આ મહિને પૂરી થવામાં છે ને હજુ સંગઠનની ચૂંટણીનાં કંઈ ઠેકાણાં નથી તેથી બળવાખોર નેતા પાછા ઊંચાનીચા થવા માંડેલા. તેમને ટાઢા પાડવા માટે સોનિયાએ શુક્રવારે પાછી કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક બોલાવી દીધેલી. આ બેઠકનો એજન્ડા સંગઠનની ચૂંટણીનો જ હતો કેમ કે છેલ્લી કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં ફેબ્રુઆરી સુધીમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પતાવવાનો વિધિવત્ ઠરાવ કરાયેલો. આ કારણે સોનિયા પર ભરોસો મૂકીને એકાદ મહિનામાં ચૂંટણી કરાવવા મુદ્દે કશુંક નક્કી થશે એવું બળાવખોર નેતાઓ માનીને બેઠેલા. તેના બદલે નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારોએ એપ્રિલ-મે મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પતે પછી સંગઠનની ચૂંટણી યોજવાનો મમરો મૂક્યો તેમાં રમખાણ થઈ ગયું.

આનંદ શર્મા, મુકુલ વાસનિક સહિતના બાગીઓએ તેનો વિરોધ કર્યો. અશોક ગેહલોત ને કેપ્ટન અમરિન્દર સહિતના સોનિયા માઈના ભક્તોએ પાંચ રાજ્યોની ચૂંટણી વધારે મહત્ત્વની છે ને કૉંગ્રેસ પ્રમુખ બે મહિના મોડા નક્કી થશે તો કશું ખાટુંમોળું થઈ જવાનું નથી એવું કહીને તેમને દબાવી દીધા. આ બધું પહેલેથી નક્કી થયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે થતું હોય છે તેથી છેવટે સંગઠનની ચૂંટણીનો વીંટો વાળી દેવાયો. હમણાં સંગઠનની ચૂંટણીની વાતોને અભરાઈ પર ચડાવીને પાંચ રાજ્યોની ચૂંટણી પછી મે મહિનાના અંત સુધી વાત ઠેલી દેવાઈ. આ ચૂંટણીમાં પણ કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ના સભ્યોની ચૂંટણીની તો વાત જ નથી. માત્ર ને માત્ર રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની વાત છે ને તેની તારીખનો પણ ફોડ પડાયો નથી એ જોતાં એ પણ ક્યારે થશે એ નક્કી નથી.

રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી અંગે નિર્ણય લેવાની સત્તા પણ સોનિયાને અપાઈ છે એ જોતાં મેડમને મન થશે ત્યારે ચૂંટણી થશે. શુક્રવારે થયો એવો દાવ કરી દેવાય તો એ ચૂંટણી પણ બીજા છ મહિના ઠેલાઈ જાય એવું બને. બાગી નેતા કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની ચૂંટણીની વાતો કર્યા કરે છે પણ એ તો થશે કે નહીં એ પણ નક્કી નથી. સોનિયા ગાંધીએ બે મહિના પહેલાં જ કૉંગ્રેસમાં નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થા કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)માં ધરખમ ફેરફારો કરીને પોતાની સામે પડેલા બળવાખોર નેતાઓને વેતરી નાખેલા ને પોતાના ભક્તજનોને ગોઠવી દીધેલા. સોનિયાના આ ભક્તજનો સોનિયાની મહેરબાનીથી ગોઠવાયા છે ને તેમનામાં ચૂંટણી જીતવાની તાકાત નથી તેથી સોનિયા એ બધા ઘરભેગા થાય એવું ના જ ઈચ્છે. આ કારણે સીડબલ્યુસીની ચૂંટણી થવાની શક્યતા છે જ નહીં એમ કહીએ તો ચાલે.

કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)માં જે ખેલ પડાયો એ રાહુલ ગાંધીના ફાયદા માટે પડાયો છે એ કહેવાની જરૂર નથી. નહેરૂ-ગાંધી ખાનદાનના ભક્તો માટે સોનિયા માઈબાપ છે ને સોનિયા ના હોય રાહુલ ગાંધી માઈબાપ છે. એ લોકો ગમે તે રીતે રાહુલને પ્રમુખપદે લાવવા માગે છે પણ રાહુલ વધારે પડતો ભાવ ખાય છે. એ ના જ પાડ્યા કરે છે ને ભક્તજનો રાહુલને લાવવાનું કોરસ જ ગાયા કરે છે. રાહુલના મનમાં શું ચાલે છે એ ખબર નથી પણ અત્યારે રાહુલ કોંગ્રેસ પ્રમુખ બને તો એમને ફરી અપજશના પોટલા જ મળે એમ છે.

આ વરસે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ ને પુડુચેરી એ પાંચ રાજ્યોમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થશે. આ ચૂંટણીમાં કૉંગ્રેસની આબરૂ દાવ પર છે કેમ કે આસામ, કેરળમાં કૉંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે ને સત્તામાં આવવાનો દાવેદાર મનાય છે. તમિલનાડુમાં ડીએમકે સાથે તેની ભાગીદારી છે ને ડીએમકે જોરમાં છે તેથી વાંધો નથી પણ બિહારમાં તેજસ્વીનું વહાણ કૉંગ્રેસે ડૂબાડી દીધું એવું બિહારમાં ન થાય એવો અંદેશો સૌને છે જ. બંગાળમાં ભાજપ વર્સીસ મમતા બેનરજીનો જંગ છે પણ કૉંગ્રેસ ડાબેરીઓના સહારે ફરી બેઠી થવા મથે છે તેથી બંગાળ પણ તેના માટે મહત્ત્વનું છે જ. પુડુચેરીમાં તો તેની સરકાર છે જ તેથી ત્યાં તો જીતવું જ પડે. બાકી વધુ એક સરકાર સ્વાહા થઈ જાય. ટૂંકમાં કૉંગ્રેસ માટે પાંચેય રાજ્યો મહત્ત્વનાં છે.

હવે રાહુલ ગાંધી અત્યારે પ્રમુખ બને તો કૉંગ્રેસને જીતાડવાની જવાદારી તેમના માથે જ આવી જાય. અત્યારે જે સંજોગો છે એ જોતાં તમિલનાડુમાં ડીએમકે જીતી શકે તેથી કૉંગ્રેસને સાથી પક્ષ સાથે એક સરકાર વધે તો પણ તેનો જશ કૉંગ્રેસ નેતાગીરીને ન મળે. બાકીનાં ચાર રાજ્યોમાં કૉંગ્રેસનો ગજ વાગે એવી સ્થિતિ નથી એ જોતાં દોષનો ટોપલો નેતાગીરી પર આવે. રાહુલ ગાંધી પર નિષ્ફળતાનું લેબલ પહેલા જ લાગી ચૂક્યું છે ને આ ચૂંટણીમાં કૉંગ્રેસ હારે તો રાહુલ પર અપશુકનિયાળ હોવાનો ઠપ્પો લાગી જાય. રાહુલની ઈજ્જતનો સાવ કચરો ના થાય એટલે હાલ પૂરતી ચૂંટણી પાછી ઠેલી દીધી. હવે પાંચ રાજ્યો પછી ચૂંટણી થાય તો હારનો દોષ રાહુલ પર ના આવે. રાહુલને એ રીતે સલામત કરી દેવાયા છે.

કૉંગ્રેસ સંગઠનની ચૂંટણી કૉંગ્રેસનો આંતરિક મામલો છે પણ લોકશાહીમાં કોઈ પણ પક્ષ કઈ રીતે વર્તે છે એ લોકો માટે મહત્ત્વનું હોય છે. કૉંગ્રેસ તો સત્તાધારી ભાજપનો વિકલ્પ બનવા માગે છે તેથી આ ભવાઈ દેશ માટે વધારે મહત્ત્વની છે. આ ભવાઈનો સ્પષ્ટ અર્થ એ છે કે, કૉંગ્રેસ આંતરિક લોકશાહીમાં માનતો નથી ને એક પરિવારના એકહથ્થુ શાસનની ગુલામીમાંથી બહાર આવવા તૈયાર નથી. કૉંગ્રેસમાં બે દાયકાથી ચૂંટણી જ થઈ નથી પણ એ વખતે કૉંગ્રેસ સત્તામાં હતી તેથી તેનાં પાપ ઢંકાઈ ગયાં પણ હવે કૉંગ્રેસ પતી જવાના આરે છે છતાં કૉંગ્રેસીઓ એક ખાનદાનની ગુલામી છોડવા તૈયાર નથી એ આઘાતજનક છે.

રાહુલ નિષ્ફળ છે ને તેમનામાં ચોવીસ કલાક કામ કરવાની તાકાત જ નથી. એ વચ્ચે વચ્ચે વેકેશન માળવાના બહાને રામ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે એ જ ખબર પડતી નથી. એ લોકો વચ્ચે જવા તૈયાર નથી ને ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવવા માગે છે. આવા માણસને કૉંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને કૉંગ્રેસ દેશનું ભલું કરવાનાં સપનાં જુએ છે.

અત્યારે કૉંગ્રેસ બાપીકી પેઢી બની ગઈ છે ને વાણોતરોના ભરોસે ચાલે છે. એ વાણોતરો સોનિયાને ગપ્પાબાજી ભણાવે એ પ્રમાણે સોનિયા કરે ને એ લોકો જેની સામે આંગળી ચીંધે તેને ટિકિટો ને હોદ્દા મળે. આ સ્થિતિ કોઈ પણ પક્ષ માટે શરમજનક કહેવાય. આ હાલત હોય ત્યાં જેમનામાં તાકાત હોય તેમને પણ તક ક્યાંથી મળવાની? ને તાકતવરોને તક ન મળે એ પક્ષ દેશને કઈ રીતે તાકતવર બનાવવાનો? લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ આંતરિક લોકશાહીમાં માનતો હોય એ જરૂરી છે. જે પક્ષના નેતા પોતે જ આંતરિક લોકશાહીમાં ના માનતા હોય ને મુઠ્ઠીભર લોકો પક્ષ પર કબજો કરીને બેસી જાય એવી માનસિકતા ધરાવતા હોય એ પક્ષ દેશમાં લોકશાહીનું જતન ના કરી શકે એ કહેવાની જરૂર નથી.

કૉંગ્રેસ બાપીકી પેઢી બની ગઈ છે એ છાપ ભૂંસવા ચૂંટણીઓ જરૂરી હતી પણ કૉંગ્રેસીઓ તેના માટે પણ તૈયાર નથી એ જોતાં આ પક્ષ દેશના હિતમાં નથી. કૉંગ્રેસીઓ માનસિકતા અને વિચારધારાની રીતે સાવ કરોડરજજુ વિનાના થઈ ગયા છે તેનો આ પુરાવો છે. આ પ્રકારનો પક્ષ લોકશાહીમાં ના ચાલે. વ્યક્તિલક્ષી રાજકારણ લોકશાહીના હિતમાં નથી જ એ જોતાં કૉંગ્રેસ દેશના હિતમાં નથી. લોકોએ બીજી વાત પણ વિચારવી જોઈએ. કૉંગ્રેસ દેશમાં સત્તા હાંસલ કરવાનાં સપનાં જુએ છે, ભાજપનો વિકલ્પ બનીને ફરી દેશનો કારભાર ચલાવવા માગે છે પણ પોતાના પક્ષનો કારભાર સરખી રીતે ચાલે તેમાં તેને રસ નથી. પોતાના પક્ષમાં સિસ્ટમ ગોઠવાય, નિયમો અને બંધારણનું પાલન થાય એવું કરવાની તેની તૈયારી નથી એ જોતાં એ દેશનો વહીવટ શું કરી શકવાનો? જે પક્ષ પોતાનું મેનેજમેન્ટ સરખી રીતે કરી શકતો નથી એ પણ દેશનું મેનેજમેન્ટ બિલકુલ ન કરી શકે.