કોંગ્રેસ હવે પોંડિચેરી જેવું નાનકડું રાજ્ય પણ સાચવી શકે એમ નથી

કોંગ્રેસ માટે હમણાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે ને રોજ સવાર પડે ને ક્યાંકથી ને ક્યાંકથી આપત્તિના સમાચાર આવે છે. મંગળવારે આ સમાચાર પોંડિચેરીથી આવ્યા. પોંડિચેરીમાં છેલ્લે 2016માં ચૂંટણી થયેલી ને કોંગ્રેસના નારાયણસામી મુખ્યમંત્રી બનેલા. આ વરસે એપ્રિલ-મે મહિનામાં પાંચ રાજ્યોની ચૂંટણી છે તેમાં એક રાજ્ય પોંડિચેરી પણ છે. એ રીતે પોંડિચેરી વિધાનસભાની મુદત પૂરી થવા આડે ગણીને બે મહિના બચ્યા છે. નારાયણસામી મુખ્યમંત્રીપદે પાચં વર્ષ પૂરા કરે એ આડે પણ ગણીને બે મહિના બચ્યા છે પણ કોંગ્રેસના ધારાસભ્યોના બળવાને કારણે નારાયણસામી પાંચ વર્ષ પૂરાં કરે એ પહેલાં જ ઘરભેગા થઈ જાય એવી હાલત છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં મુખ્યમંત્રીપદની મુદત પૂરી થયાના બે મહિના પહેલાં નારાયણસામીએ બિસ્તરાં-પોટલાં બાંધવાં પડે એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.પોંડિચેરી વિધાનસભામાં કુલ 33 બેઠકો છે ને વરસોથી કોંગ્રેસનો ગઢ છે. 2016માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને બહુમતી નહોતી મળી ને 15 બેઠકો મળેલી. કોંગ્રેસે મુખ્યમંત્રીપદના ઉમેદવાર ન બનાવતાં ભંગાણ પાડીને નોખો ચોકો રચનારા રંગાસ્વામીની ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસને 7 બેઠકો મળેલી. એઆઈએડીએમકે અને ભાજપ તેની સાથે હતાં પણ તેમને પણ બહુમતી નહોતી મળી. આ ત્રણેયની બેઠકોનો આંકડો 14 થતો હતો તેથી તેમનો મેળ પડે એમ નહોતો. ડીએમકેને ત્રણ બેઠકો મળેલી ને ડીએમકે કોંગ્રેસની પડખે રહી તેમાં કોંગ્રેસ પાસે બહુમતી માટે જરૂરી 17 બેઠકો થઈ જતાં નારાયણસામી ગાદી પર બેસી ગયેલા. નારાયણસામી ગાદી પર બેઠા એટલે એક માત્ર અપક્ષ ધારાસભ્ય પણ તેમની પંગતમાં બેસી ગયેલા તેથી નારાયણસામીને પડખે 19 ધારાસભ્યો થઈ ગયેલા જ્યારે વિરોધમાં 14 ધારાસભ્યો હતા.નારાયણસામીની સરકાર ધાર પર હતી તેથી તેને ગબડાવવા માટે પાંચ વર્ષમાં બહુ ઉધામા ભાજપ-એઆઈએએડીએમકેએ કરેલા પણ નારાયણસામી કાબા સાબિત થયા તેમાં હરીફો ફાવ્યા નહોતા. હવે બે મહિના બચ્યા છે ત્યારે અચાનક જ કોંગ્રેસના ગઢમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ. શનિવારે બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં એ સાથે કોંગ્રેસ માટે આપત્તિ મંડાઈ ને સોમવારે બીજા બે ધારાસભ્યોનાં રાજીનામાં સાથે નારાયણસામી સરકાર બહુમતી ગુમાવીને લઘુમતીમાં આવી ગઈ. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 11 ઉપર આવી ગયેલી ને ડીએમકેના બે ધારાસભ્યોના ટેકા સાથે પણ આંકડો 13 ઉપર હતો તેથી નારાયણસામી હવે ઘરભેગા થશે એવી વાતો ચાલતી હતી ત્યાં મંગળવારે વધુ એક ધારાસભ્ય ખર્યો તેમાં કોંગ્રેસ હવે 10 બેઠકો પર આવી ગઈ છે.હજુ ડીએમકેના ત્રણ ને એક અપક્ષ ધારાસભ્ય નારાયણસામીને પડખે હોવાના દાવા થાય છે તેથી કોંગ્રેસ ને વિપક્ષ બંને 14-14 ધારાસભ્યોનો ટેકો ધરાવે છે પણ પાંચ ધારાસભ્યો ખર્યા છે તો બીજો એક ખરી પણ શકે. કોંગ્રેસનો ધારાસભ્ય ન ખરે તો અપક્ષ ધારાસભ્યને ખેરવવો તો રમત વાત છે એ જોતાં નારાયણસામીની સરકારને વીમો તો છે જ. રાહુલ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે તેમાંથી બંગાળને બાદ કરતાં બધે ફરી રહ્યા છે ને સભાઓ કરી રહ્યા છે. તેના ભાગરૂપે એ પોંડિચેરી પહોંચ્યા છે ને એ પહેલાં જ કોંગ્રેસમાં ખેલ થઈ ગયો. આ બધું કાગનું બેસવું ને ડાળનું પડવું જેવું છે કે પછી ભાજપ સહિતના પક્ષોએ રાહુલ ગાંધીના આગમનની વધામણીમાં આ તાયફો કરાવડાવ્યો છે એ તપાસનો વિષય છે. કોંગ્રેસને રામ રામ કરનારા ધારાસભ્યો કઈ ભણી ઢળે છે તેના આધારે તેની એકાદ-બે દિવસમાં ખબર પડી જશે પણ એ મુદ્દો મહત્ત્વનો નથી. મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસ પાસે અત્યારે ગણીને ચાર રાજ્ય બચ્યા છે ને તેમાંથી પણ એક તેના હાથમાંથી જવા બેઠું છે.પોંડિચેરી ટચૂકડું રાજ્ય છે. પોંડિચેરીમાંથી લોકસભાનો એક સભ્ય ચૂંટાઈને જાય છે એ જોતાં આ રાજ્યમાં બનનારી ઘટનાની રાષ્ટ્રીય રાજકારણ પર કોઈ અસર ન પડે એ કબૂલ પણ વિચારવાની વાત આ અસરો નહીં પણ તેના સૂચિતાર્થ છે. પોંડિચેરીમાં કોંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં તેની પાછળનું પ્રેરણાબળ શું છે એ કહેવાની જરૂર નથી પણ રાજકારણમાં એવું તો રહેવાનું જ. વિપક્ષ સત્તાધારી પક્ષને ઊથલાવીને સત્તા કબજે કરવા માટે મથામણ કરતો જ હોય છે તેથી ભાજપ કે એઆઈએડીએમકે એવું કરે તેમાં નવાઈ નથી. મુદ્દો ભાજપ કે એઆઈએડીએમકેએ શું કર્યું તેનો નથી પણ કોંગ્રેસના પોતાના ધારાસભ્યોને જ કોંગ્રેસમા વિશ્વાસ નથી તેનો છે.કોંગ્રેસે પાંચ વર્ષ લગી પોંડિચેરીમાં રાજ કર્યું છે ને હજુય કમ સે કમ પોંડિચેરીમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે પણ કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસમાં જ ભરોસો નથી. કોંગ્રેસના નામે ફરી ચૂંટાઈશું તેનો તેમને વિશ્વાસ નથી તેથી પક્ષ છોડીને જઈ રહ્યા છે એ વાત મહત્વની છે. આ ધારાસભ્યો ક્યાં જશે એ ખબર નથી પણ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા પછી ભાજપમાં જોડાય તો એ કોંગ્રેસ માટે ડૂબી મરવા જેવું કહેવાય કેમ કે પોંડિચેરીમાં ભાજપના ચણાય નથી આવતા ને કોંગ્રેસ સાવ ડૂબી ગયેલી નથી.પોંડિચેરી તમિલનાડુને અડીને આવેલું છે તેથી દ્રવિડ સંસ્કૃતિનો પ્રભાવ છે પણ છતાં કોંગ્રેસ મજબૂત છે. તમિલનાડુના રાજકારણમાં પ્રભાવ ધરાવતા બે મુખ્ય પક્ષો એઆઈએડીએમકે અને ડીએમકેનો પ્રભાવ પોંડિચેરીમાં વરસોથી હતો. એક સમય એવો હતો કે તમિલનાડુની જેમ પોંડિચેરીમાં પણ ડીએમકે ને એઆઈએડીએમકે વારાફરતી સત્તા ભોગવ્યા કરતાં ને કોંગ્રેસ પતી જવાના આરે હતી પણ વૈથિલિંગમે કોંગ્રેસને ફરી બેઠી કરીને તાકાતવર બનાવીને સત્તા અપાવી પછી બંને દ્રવિડીયન પક્ષોનો પ્રભાવ ઘટ્યો છે. કોંગ્રેસની આંતરિક ટાંટિયાખેંચના કારણ વૈથિલિંગમનો ભોગ લેવાયો પણ કોંગ્રેસ ટકી છે.વૈથિલિંગમના સ્થાને આવેલા રંગાસ્વામી પણ ટાંટિયાખેંચમાં ગયા ને નારાયણસામી આવ્યા પણ કોંગ્રેસ અડીખમ છે. વૈથિલિંગમ તો કોંગ્રેસમાંથી લોકસભાના સભ્ય બનીને સમજદારી બતાવીને બાજુ પર બેસી ગયા પણ રંગાસ્વામીએ તો નવો પક્ષ સ્થાપીને કોંગ્રેસને પડકારીને ચૂંટણી લડી છતાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી. આ પરિણામો જ એ વાતનો પુરાવો છે કે, કોંગ્રેસ હજુ પુડુચેરીમાં ટકેલી છે. સામે ભાજપના તો માત્ર ત્રણ જ ધારાસભ્યો છે ને તેનો કોઈ પ્રભાવ જ નથી છતાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના પડખામાં ભરાય તેના કરતાં વધારે શરમજનક સ્થિતી બીજી કોઈ ના કહેવાય ને કોંગ્રેસે આ સ્થિતી કેમ સર્જાઈ છે એ વિશે વિચારવું જોઈએ. બલકે કેમ વારંવાર સર્જાય છે એ વિચારવું જોઈએ કેમ કે આ પહેલાં આ રીતે જ કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સાવ નવરી થયેલી છે.આ સ્થિતિ એટલા માટે છે કે કોંગ્રેસ સાવ ધણીધોરી વિનાની છે ને કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કાર્યકરો હોય, કોઈને પોતાનું ભાવિ સલામત લાગતું નથી. કોંગ્રેસમાં અત્યારે તબિયતથી નંખાઈ ગયેલાં સોનિયા કાર્યકારી પ્રમુખ છે ને તેમનામાં કોંગ્રેસની ફરી બેઠી કરવાની તાકાત નથી. નહેરૂ-ગાંધી ખાનદાનના ચમચાઓ અને ચમચીઓ રાહુલ ગાંધીને ફરી પ્રમુખ બનાવવા થનગની રહ્યા છે પણ રાહુલ નિષ્ફળ છે ને કોંગ્રેસનું વહાણ તેમના કારણે જ ડૂબેલું છે. તેમનામાં ચોવીસ કલાક કામ કરવાની તાકાત જ નથી. એ વચ્ચે વચ્ચે વેકેશન માણવાના બહાને રામ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે એ જ ખબર પડતી નથી. એ લોકો વચ્ચે જવા તૈયાર નથી ને ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવવા માગે છે. આવા માણસને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને કોંગ્રેસ દેશનું ભલું કરવાનાં સપનાં જુએ છે તેથી કોંગ્રેસીઓમાં ફફડાટ છે ને કોંગ્રેસીઓ ભાગી રહ્યા છે.બીજું એ કે, કોંગ્રેસમાં યુવાનો માટે કોઈ તક જ નથી ને ખાઈ બદેલા લોકો કોઈને આગળ જ આવવા દેતા નથી. કર્ણાટકમાં સિદ્ધરામૈયાની દાદાગીરીના કારણે કોંગ્રેસ તૂટી ને મધ્ય પ્રદેશમાં યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના બદલે પતી ગયેલા કમલનાથને આગળ કરાયા તેમાં કોંગ્રેસ ડૂબી ગઈ. રાજસ્થાનમાં ગેહલોતે ચાલાકી વાપરી તેમાં બચી ગયા પણ ત્યાંય આ સમસ્યા છે જ. આ કારણે કાર્યકરોને રસ નથી પડતો ને પોતાનું ભાવિ સલામત નથી લાગતું.સામાન્ય પ્રજાને પણ કોંગ્રેસમાં રસ નથી ને સ્થિતિ એ છે કે, જે કોંગ્રેસની સાથે જાય એ પણ ડૂબે છે. લાંબા સાથે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય એવી હાલત કોંગ્રેસ સાથે જવામાં છે. બિહારમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડી-કોંગ્રેસનું મહાગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવશે એવો વરતારો કરાયેલો. આ વરતારાના કારણે તેજસ્વી યાદવે તો પોતે બિહારની ગાદી પર બેસી જ ગયો હોય એ રીતે વર્તવા માંડેલું ને તેમણે ચૂંટણીમાં પચાસ ટકા કરતાં વધારે બેઠકો જીતીને પોતાની તાકાત પુરવાર કરી જ પણ કોંગ્રેસ 60 માંથી 19 બેઠકો જીતી તેમાં તેજસ્વી ડૂબી ગયા. કોંગ્રેસની આ હાલત છે પછી કોંગ્રેસમાં કોઈ કઈ રીતે ટકે ?