કોઇ ઘરે આવે તો ફફડાટ અને બજારમાં ઉડતા સોશ્યલ ડીસ્ટન્સનાં ધજાગરા !

અમરેલી,કોરોનાની મહામારીને કારણે કાઠીયાવાડમાં વિચિત્ર સામાજિક સ્થતિ ઉદભવી રહી છે જો કોઇ પોતાના ઘરે આવે તો ફફડાટ થાય છે અને તે જ લોકો બજારમાં જાય છે ત્યારે સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા કરે છે.
લોકડાઉન બાદ બહારગામથી આવવા જવાની છુટ મળ્યા બાદ વ્યવહારીક કામે સગા વ્હાલાઓ લોકોના ઘેર આવે ત્યારે લોકો અંદરખાને ફફડાટ અનુભવે છે કે આમને કોરોના તો નહી હોય ને ? અને તેમાય ખાસ કરીને મુંબઇ સુરત અમદાવાદ રાજકોટ ભાવનગર જેવા વિસ્તારમાંથી મહેમાનો આવતા હોય ત્યારે યજમાનો અંદર ખાને ફફડતા હોય છે વિચિત્રતા એ છે કે આજ લોકો જ્યારે બજારમાં જાય છે ત્યારે સામાજિક અંતરનો ઉલાળીયો કરે છે.
આમ છતા અમરેલી જિલ્લાની કાઠીયાવાડી પરંપરા હોવાથી મહેમાનોને રૂડો આવકાર અપાય છે તાણ પણ કરાય છે અને ઘણા લોકો અત્યાર સુધી કોરોનાના કેસ ઓછા હોવાને કારણે ગંભીરતા ન હતા દાખવતા તેને હવે કોરોનાની ગંભીરતા દેખાણી છે.