ગયા શનિવારે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને ચાર અલગ અલગ રાજ્યોની ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનાં પરિણામ આવ્યાં. અત્યારે રાજકીય રીતે કોઈ ચહલપહલ નથી ને આ પાંચ છૂટક બેઠકોનાં પરિણામોથી દેશના રાજકારણનાં કે જે તે રાજ્યનાં પણ રાજકીય સમીકરણો બદલાવાનાં નથી. એક બેઠકના કારણે કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થવાની નથી તેથી આ પરિણામોની બહુ ચર્ચા નથી પણ આ પરિણામો રસપ્રદ છે. ખાસ કરીને બિહાર તથા બંગાળમાં પોલિટિકલ અંડર કરંટ કેવો છે એ તરફ ઈશારો કરનારો છે તેથી તેની ચર્ચા કરવી જરૂરી છે.આ ચર્ચા કરતાં પહેલાં પરિણામો પર એક નજર નાંખવી જરૂરી છે. બંગાળની આસનસોલ લોકસભા બેઠક ઉપરથી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અભિનેતામાંથી રાજકારણી બનેલા પણ ભાજપે હાથ છોડી દેતાં સાવ પતી ગયેલા શત્રુઘ્ન સિંહા જીત્યા છે.
બાલીગંજ વિધાનસભા બેઠક પરથી આસનસોલ લોકસભા બેઠક ઉપરથી ભાજપની ટિકિટ પર સળંગ બે વાર જીત્યા પછી ભાજપ છોડીને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા ગાયક બાબુલ સુપ્રિયોની જીત થઈ છે.બિહારની બોચહાં વિધાનસભા બેઠક પર તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અમર પાસવાન ભાજપનાં બેબી કુમારીને હરાવીને વિજયી થયા છે જ્યારે મહારાષ્ટ્રની કોલ્હાપુર નોર્થ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને હાર આપી છે. છત્તીસગઢના ખૈરાગઢ વિધાનસભા બેઠક પરથી પણ કોંગ્રેસનાં યશોદા વર્મા જીતી ગયાં છે. કોંગ્રેસે પેટાચૂંટણીમાં બે બેઠકો જીતતાં કોંગ્રેસ માટે આ પરિણામો એકંદરે રાહત આપનારાં છે પણ હરખાવા જેવાં નથી કેમ કે બેમાંથી એક બેઠક તેની પાસે હતી જ્યારે બીજી બેઠક તેણે પોતાનું શાસન છે એવા રાજ્યમાંથી જીતી છે.
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને 19 હજાર મતે હરાવીને કોંગ્રેસનું નાક બચાવી લીધું છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવ 2019માં આ બેઠક પરથી જીતેલા. ડિસેમ્બર 2021માં જાધવ કોવિડથી ગુજરી જતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે કોઈ જોખમ લેવાના બદલે જાધવનાં વિધવા જયશ્રીને ટિકિટ આપી દીધેલી કે જેથી સહાનુભૂતિનો લાભ મળે. કોંગ્રેસની આ ગણતરી ફળી છે ને જયશ્રી જાધવ જીતી ગયાં છે. કોંગ્રેસનાં નસીબ અત્યારે ઊંટ પર બેઠા હોઈએ ને કૂતરું કરડી જાય એટલાં ખરાબ છે એ જોતાં જયશ્રી જાધવ જીતી જતાં કોંગ્રેસને હાશકારો ચોક્કસ થયો છે. છત્તીસગઢની ખૈરાગઢ બેઠક પણ કોંગ્રેસે જીતી છે.
નક્સલવાદથી પ્રભાવિત રાજનાંદગાંવ જિલ્લાની ખૈરાગઢ વિધાનસભા બેઠક પર 2018માં કોંગ્રેસ છોડીને ગયેલા અજીત જોગીની જનતા કોંગ્રેસના દેવવ્રત સિંહ જીતેલા ને તેમના નિધનથી બેઠક ખાલી પડી હતી. કોંગ્રેસે યશોદા વર્માને ઉતારેલાં ને તેમણે 20 હજારથી વધુ મતે જીત હાંસલ કરીને કોંગ્રેસને આ બેઠક જીતાડી છે. આ બેઠક પર અગાઉ પણ કોંગ્રેસનો ગઢ હતી પણ જોગીએ એ ગઢ ખેરવી નાંખેલો. યશોદા વર્માએ આ ગઢ પાછો અપાવ્યો છે. સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષ જીતતો હોય છે તેથી કોંગ્રેસને આ જીત બહુ મોટી નથી. અલબત્ત સળંગ હાર્યા જ કરતી કોંગ્રેસને વધારાની એક બેઠક મળી એ મોટી રાહત છે.
આ પેટાચૂંટણીમાં પાંચ બેઠકોમાંથી ભાજપને ફાળે એક પણ બેઠક ગઈ નથી. આસનસોલ લોકસભા બેઠક 2019માં ભાજપે જીતેલી પણ આ વખતે મમતા આ બેઠક છિનવી ગયાં છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે આજ લગી કદી આસનસોલ બેઠક જીતી નહોતી. પહેલા ડાબેરીઓનો દબદબો હતો ને 2011માં મમતાનો દબદબો શરૂ થયો પછી આવેલી પહેલી ચૂંટણીમાં ભાજપે બાબુલ સુપ્રિયોને ઉતારતાં ભાજપનો બે વાર દબદબો રહ્યો.
મમતાએ આ વર્ચસ્વ તોડીને પહેલી વાર તૃણમૂલને જીતાડી છે એ તો મહત્ત્વનું છે જ પણ વધારે મહત્ત્વનું એ છે કે શત્રુઘ્ન સિંહા જેવા ખોટા સિક્કાને ચલાવી દીધો છે. ભાજપના જોરે બિહારમાંથી લોકસભાની ચૂંટણી જીતનારા શત્રુઘ્ને તોરમાં ને તોરમાં ભાજપ છોડ્યો પછી પતી ગયેલો.
ભાજપના કારણે સળંગ બે વાર પટણા સાહિબ બેઠક પરથી જીતેલો શત્રુઘ્ન લોકસભાની 2019ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ઉભો રહેલો. રવિશંકર પ્રસાદ જેવા બહારના ઉમેદવાર સામે ત્રણ લાખ મતે હારી ગયેલા શત્રુઘ્નની રાજકીય કારકિર્દી પતી જવાના આરે હતી ત્યાં મમતાના કારણે એ તરી ગયો છે. શત્રુઘ્ન સિંહાએ ભાજપના અગ્નિમિત્રા પોલને 3 લાખથી વધુ મતે હાર આપી છે. બાલીગંજ વિધાનસભા બેઠક પર બાબુલ સુપ્રિયો 20 હજારથી વધુ મતે જીત્યા છે. સુપ્રિયો મમતાના દબદબા વખતે 2014માં પણ જીતેલા તેથી તેમની જીત આશ્ર્ચર્યજનક નથી પણ રસપ્રદ વાત એ છે કે બીજા નંબરે સીપીએમનાં સાયરા શાહ છે. ભાજપનાં કેયા ઘોષ ક્યાંય ચિત્રમાં જ નથી.
બંગાળનાં પરિણામોનો અંડર કરંટ એ વાતનો સંકેત આપે છે કે, બંગાળમાં ફરી મમતાનું એકચક્રી શાસન છે ને ભાજપ હવે હામ ગુમાવી બેઠો છે. ભાજપે 2021માં મમતાને હરાવવા પૂરી તાકાત લગાવી દીધેલી પણ મમતા જોરાવર સાબિત થયાં પછી ભાજપ સાવ ઢીલો પડી ગયો છે. ભાજપ ફરી બેઠો થવા મથ્યા કરે છે પણ મેળ પડતો નથી તેનો આ પરિણામો પુરાવો છે. લોકસભાની 2024ની ચૂંટણીમાં આ વાત ભાજપને ભારે પડી શકે છે.
ભાજપ માટે બિહારની મુઝફ્ફરપુર જિલ્લાની બોચહાં વિધાનસભા બેઠકનું પરિણામ પણ નિરાશાજનક છે.
ભાજપે હમણાં જેમને નવરા કરી દીધા એ મુકેશ સાહનીની વીઆઈપી પાર્ટીના ધારાસભ્ય મુસાફિર પાસવાનના નિધનથી ખાલી પડેલી બેઠક પર મુસાફિરના પુત્ર અને આરજેડીના અમર પાસવાને ભાજપના બેબી કુમારીને કારમી હાર આપી છે. આ પરિણામ એ વાતનો સંકેત છે કે, તેજસ્વી યાદવમાં સામા પ્રવાહે તરીને ટકવાની તાકાત છે અને લોકો પણ તેની સાથે છે. બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર હોવા છતાં તેજસ્વી પોતાના ઉમેદવારને જીતાડી લાવે એ ભાજપ માટે સારા સંકેત નથી. નિતિશકુમાર સામે લોકોની નારાજગીની કિંમત ભાજપ ચૂકવી રહ્યો હોય એવું બને પણ સરવાળે નુકસાન ભાજપને જ છે.