કોઈ વાર લાયક આશ્રિત મળી જાય ત્યારે બુદ્ધ પુરુષ તેને પૂરેપૂરા સમર્પિત થઈ જાય છે : પુ.શ્રી મોરારી બાપુ

  • તુલસી શ્યામ ધામમાં રૂક્ષ્મણીજીના સાનિધ્યે કથા રસપાન કરાવતા મોરારીબાપુ

રાજુલા,
આજની કથાના પ્રારંભમાં બાપુએ સાબરમતીના સંત મહાત્મા ગાંધીજી તેમ જ કદમાં વામન છતાં વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ નિમિત્તે એ બંને ચેતનાઓનું પૂણ્ય સ્મરણ કર્યું. રામકથા, રામનામ અને વિનય-પત્રિકાનાં કેટલાંક પદ જેમની જીવનયાત્રામાં સંબલ રહ્યા છે, એવા ગાંધીબાપુને મોરારીબાપુએ વ્યાસપીઠના વિશ્વભરના શ્રોતાઓ વતી પ્રણામ કર્યા.કથાના ચિંતનમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ કહ્યું કે – “જેનાથી કોઈને પણ ઉદ્વેગ ન થાય અને જેનેકોઈનાથી ઉદ્વેગ ન થાય,એવા સાધકને પછી પોતાના જીવનમાં બીજું કશું કરવું પડતું નથી. મુક્ત પુરુષ કદી, કશા ય કારણે ઉદ્વિગ્ન થતા નથી.જ્યારે કોઈ આપણાથી આગળ નીકળી જાય, ત્યારે પ્રગટ રૂપે તે હર્ષિત જણાઇએ પણ ભીતરથી ઉદ્વેગ જન્મે એ “અમર્ષ્ય” છે. ધર્મક્ષેત્ર અને અધ્યાત્મ ક્ષેત્ર પણ આવા અમર્ષ્યથી મુક્ત નથી! આપણામાં અમર્ષ્ય એટલે જન્મે છે કે બીજો કોઈ આપણાથી આગળ નીકળી જશે, એ વાતનો આપણને ભય લાગે છે. અન્યનો ઉત્કર્ષ સહન ન થાય, ત્યારે અમર્ષ્ય પ્રગટે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે જે વ્યાખ્યા આપી છે તે જ્ઞાની ભક્તની વ્યાખ્યા છે. ભક્ત તો પૂર્ણાશ્રિત છે. બધું જ હરિ પર છોડી દે છે. પણ જ્ઞાની ભક્ત મુક્તિ ઈચ્છે છે. ભક્તિ જોડે છે, જ્ઞાન મુકત કરે છે. ’મુક્તિ’ એ જ્ઞાની ભક્તનું લક્ષણ છે. જ્ઞાની ભક્ત સહુમાં ઈશ્વરનાં દર્શન કરે છે.માનસમાં અઢાર પ્રકારની ભક્તિ છે જે પરમ તૃપ્તિ પરમ સાધવી હોય છે એનામાં આ અઢારે પ્રકારની ભક્તિ સંદર્ભ દેશકાળ પ્રસંગ અને પાત્ર અનુસાર દેખાય છે.ભક્તિના અઢારે પ્રકાર પાછળ માનસની ચોપાઈઓનો આધાર છે. પૂજ્ય બાપુએ કહ્યું કે માનસનો આધાર તો છે જ, પણ સાધુની આત્મ પ્રતિતિ પણ આધાર બની શકે! સાધુનો અનુભવ સહુનું અવલંબન બની જાય છે.કાગભુષંડી રામાયણમાં સમસ્ત રામકથા કહીને પછી તેઓ ગરુડજીને કહે છે કે – નીજ અનુભવ અબ કહહૂં ખગેસાગ બીનું હરિ ભજન ન જાહિ કલેસાગગ જ્યારે સાધક ગુરુના અનુભવનો અધિકારી બની જાય, ત્યારે સાધકના જીવનમાં દિપાવલી પ્રગટે છે! ગુરુ પોતાની નિજતા આશ્રિતમાં આરોપે છે. લોકો કહે છે કે આશ્રિત બુદ્ધ પુરુષને સમર્પિત થાય છે. પણ કોઈ વાર લાયક આશ્રિત મળી જાય, ત્યારે બુદ્ધ પુરુષ તેને પૂરેપૂરા સમર્પિત થઈ જાય છે!! તેમ મોરારીબાપુએ જણાવ્યું હતુ.