કોડીનારના કડોદરા ગામમાંથી બિમાર કોયલ મળી

મેંદરડા તાલુકાના ખડપીપળીમાં તેતરનું બર્ડ લુથી મોત થતા ખળભળાટ

 

મેંદરડાના ખડપીપળી ખાતેથી એક મૃત તેતર મળી આવ્યું હતું. તેના લોહીના નમુના ભોપાલ મોકલાતાં તેમાં બર્ડ લુ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન કોડીનાર તાલુકાના કડોદરા ગામે એક કોયલ બિમાર હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે વનવિભાગે જામવાળા ખસેડી છે.

મેંદરડા તાલુકાના ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સેમ્પલ ભોપાલ ખાતે મોકલાયા હતા. જેમાં તેનું મોત બર્ડલુના સંક્રમણથી થયાનું સામે આવ્યું હતું. આથી જિલ્લા કલેક્ટર દ્વારા ખડપીપળીમાં મૃત તેતરના સ્થળથી ૧ કિલોમીટરના ચેપગ્રસ્ત વિસ્તારમાં અવરજવર સહિત અન્ય કાર્યવાહી પર ૬૦ દિવસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. કોડીનાર તાલુકાના કડોદરા ગામની સીમમાંથી એક કોયલ બિમાર હાલતમાં મળી આવી છે.

વનવિભાગે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગ દ્વારા કોયલને જામવાળા રેન્જમાં દવાખાને ખસેડાઇ છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. વનવિભાગ દ્વારા પ્રાથમિક રીતે એવું જણાવાયું છે કે, વધુ પડતી ઠંડીના કારણે તેના પગ જકડાઈ ગયા છે. અને હાલ તે જીવિત છે.