કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ ૯૮ કિલો વજન ઉતાર્યું

મેદસ્વીપણાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન છે. બોલીવૂડની હસ્તીઓ પણ એમાંથી બાકાત નથી. વજન ઉતારવા તે લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે, આહારમાં આકરી પરેજી પાળીને કે ખાવા-પીવા ઉપર સંયમ રાખીને શરીરનું પાંચ-દસ-પંદર કિલો વજન ઉતારનાર તો કદાચ ઘણા મળશે, પણ બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર, અભિનેતા અને દિગ્દર્શક ગણેશ આચાર્યએ તો ચમત્કાર જ સર્જી દીધો છે. એમણે એમના શરીરનું ૯૮ કિલો વજન ઉતારી બતાવ્યું છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ‘માસ્ટરજી તરીકે જાણીતા ગણેશ આચાર્યએ એમના એક સમયે ૨૦૦ કિલો વજનવાળા શરીરમાંથી ચરબી ઉતારવા છેલ્લા અનેક મહિનાઓમાં અત્યંત આકરી કસરતો કરી હતી અને ‘ફેટમાંથી ફિટ થઈ ગયા છે.

ગણેશ આચાર્યએ એમના પાતળા થઈ ગયેલા શરીરની ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીરો અને વિડિયો ક્લિપ્સ જોઈને કોઈને પણ આશ્ર્ચર્ય થાય. ઉલ્લેખનીય છે કે, બોલીવૂડ અભિનેતા ફરદીન ખાને ૬ મહિનામાં ૧૮ કિલો વજન ઉતાર્યું હતું. ‘ટોઈલેટ: એક પ્રેમકથા ફિલ્મના ‘ગોરી તૂ લઠ માર ગીત માટે ૨૦૧૮ ગણેશ આચાર્યને શ્રેષ્ઠ કોરિયોગ્રાફર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.