કોરોનાએ હવે ફરી માથું ઊંચક્યુ એ માટે ખરા જવાબદાર તો આપણા નેતાઓ છે

દેશમાં કોરોનાએ વિદાય લઈ લીધી છે એવું સૌએ માની લીધેલું ત્યાં જ કોરોનાએ પાછો ઉથલો માર્યો હોય એવા અણસાર મળી રહ્યા છે. કોરોનાના કેસોની સંખ્યા ઘટીને દસ હજારની અંદર ઉતરી ગયેલી ને છેલ્લા દસેક દિવસથી તો તેમાં કૂદકે ને ભૂસકે વધારો થવા માંડ્યો છે. અત્યારે રોજના પંદરેક હજાર નવા કેસ નોંધાવા માંડ્યા છે ને ચિંતાની વાત એ છે કે, આ કેસોમાંથી 85 ટકા કેસ દેશનાં છ રાજ્યોમાં જ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એ બે ગુજરાતીઓની વસતી વધારે છે એવાં બે રાજ્યો સિવાય કેરળ, પંજાબ, કર્ણાટક અને તમિલનાડુ એ ચાર રાજ્યો મળીને કુલ છ રાજ્યોમાં જ કોરોનાના કેસોમાં બેફામ વધારો થઈ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, નવા કેસોમાં પચાસ ટકા જેટલા કેસો એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય દેશમાં કોરોનાના નવા કેટલા કેસો નોંધાય છે તેના પર નજર રાખે છે ને દર અઠવાડિયે કયા રાજ્યમાં સ્થિતિ સુધરી ને કયા રાજ્યમાં બગડી તેની સરખામણી સાથેનો ડેટા બહાર પાડે છે.
આ ડેટા પ્રમાણે મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક એ સાત રાજ્યોમાં વીક-ઓન-વીક બેઝિસ એટલે કે દર અઠવાડિયે નોંધાતા કોરોનાના કેસોમાં છેલ્લાં ચાર અઠવાડિયાં એટલે કે એક મહિનાથી સળંગ વધારો થઈ રહ્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત એ ત્રણ રાજ્ય સૌથી વધારે કેસ ધરાવતા છ રાજ્યોમાં છે જ જ્યારે બાકીનાં ચાર રાજ્યો નવાં છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને જમ્મુ તથા કાશ્મીરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી આ બધાં રાજ્યોમાં કેન્દ્ર સરકારે તાબડતોબ ત્રણ-ત્રણ એક્સપર્ટ્સની ટીમો મોકલી છે. આ કવાયત મોદી સરકારે પહેલાં પણ કરી છે ને હવે કોરોનાના કેસો વધતાં ફરી એ જ રસ્તો અપનાવ્યો છે. વાસ્તવમાં તો ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા જેવી આ વાત છે. મજાની વાત એ છે કે આ ઘોડા પણ મોદી સરકારે જ છોડ્યા છે. હવે મોદી સરકાર શાણી બનીને કોરોના નાથવા માટે નિષ્ણાતોની ટીમ મોકલે છે તે જો કે સારું છે.
આ ટીમ રાજ્યોમાં જઈને શું ઉકાળશે એ ખબર નથી પણ આ કવાયત અર્થહીન છે. આ ટીમ રાજ્યોમાં જઈને બેઠકો કરશે ને સલાહોનો મારો ચલાવશે. આ સલાહો શું હશે એ પણ આપણને સૌને ખબર છે કેમ કે આરોગ્ય મંત્રાલયે પાણી પહેલાં જ પાળ બાંધીને કોરોનાના કેસ કેમ વધવા માંડ્યા એ વિશે જ્ઞાન પિરસવા માંડ્યું છે ને રાજ્યોને કોરોનાને રોકવા શું કરવું તેની સલાહ આપવા માંડી છે. આ સલાહોમાં કોરોનાનો ચેપ ન ફેલાય એ માટે લોકોનાં ટોળાં ભેગાં ન થવા દેવાં એ સલાહ મુખ્ય છે. આ સિવાય કોરોના માટે અસરકારક ટેસ્ટિંગ કરવું, કોરોનાના કેસોનું ટ્રેકિંગ કરવું, કોરોના થયો હોય તેમને તાત્કાલિક આઈસોલેશનમાં મોકલી દેવા, ચેપ લાગ્યો હોય એ બીજાના સંપર્કમાં ના આવે એટલે ઝડપી ક્વોરેન્ટાઈન કરવું વગેરે સલાહો પણ અપાઈ છે. કોરોનાનો પહેલો કેસ નોંધાયો તે પછીના એક વરસમાં પાંચસો ને પચાસ વાર આ સલાહો અપાઈ છે તેથી લોકોને મુખપાઠ જેવી પાકી થઈ ગઈ છે.
મોદી સરકારના બીજા પ્રધાનો ને રાજ્યોના મુખ્યમંત્રીઓથી માંડીને નીચલા લેવલના નેતાઓ સુધીના બધા પણ રોજ સવાર પડે ને આ જ્ઞાન પિરસે છે ને એ છતાં કોરોનાના કેસો વધવા માંડ્યા છે. તેનું કારણ શું? કારણ કે આપણે ત્યાં નેતાઓના ચાવવાના ને બતાવવાના દાંત જુદા જુદા છે. એ લોકો પોતાના સ્વાર્થ ખાતર ભીડ એકઠી થાય એવા ધંધા કરે છે ને પછી લોકોને સૂફિયાણી સલાહો આપવા બેસી જાય છે. કોરોનાના કેસોમાં અચાનક આવેલા ઉછાળા માટે આપણી પ્રજા જવાબદાર છે જ પણ તેના કરતાં વધુ જવાબદાર રાજકારણીઓ છે. કોરોનાનો ચેપ રોકવા માટે લોકડાઉન લદાયું ત્યારે ત્રણ મહિના લોકોએ ઘરોમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. લોકડાઉન હટ્યું ને જેવી છૂટ મળી કે લોકો કોરોના હોય જ નહીં એ રીતે વર્તવા માંડ્યાં ને ઘંટ વાગે ને છોકરાં સ્કૂલમાંથી ભાગે એ રીતે બહાર ભાગ્યાં. કોરોનાના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ હતી તેથી જેમને ખાવાનાં પણ ફાંફા થઈ ગયેલાં એવાં લોકો બહાર નિકળે એ સમજી શકાય પણ આપણે ત્યાં તો જેમને બહાર કંઈ કામ ધંધો નહોતો એવા લોકો પણ મહાલવા નિકળી પડ્યાં તેમાં કોરોનાનો ચેપ લાગવાનો સિલસિલો શરૂ થઈ ગયો.
આપણે ત્યાં લોકોને તહેવારો ઉજવવાના બહુ અભરખા છે તેથી દિવાળીના તહેવારોમાં તો લોકો ઝાલ્યાં જ નહોતાં રહેતાં. દિવાળીના તહેવારોમાં તો લોકોને બહાર નિકળેલાં જોઈને હૃદય બેસી જાય એવી હાલત હતી. કોરોનાનો ચેપ ન લાગે એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ડાહી ડાહી વાતોને લોકો રીતસર ઘોળીને પી ગયેલાં. તહેવારો ટાણે બજારોમાં હૈયે હૈયું દળાય એટલી ભીડ હતી. કોરોના સ્પર્શથી ફેલાય છે એ વાતની ખબર હોવા છતાં લોકો એકબીજાને બિંદાસ ઘસાઈને નિકળતાં ને જાણે કોઈ ડર જ ના હોય એ રીતે વર્તતાં હતાં તેમાં કોરોના વકરવાની શરૂઆત થઈ જ ગયેલી પણ સરકારમાં બેઠેલા લોકોને પોતાના સ્વાર્થ હતા તેથી તેમણે કેસો વધી રહ્યા છે એ વાત દબાવી રાખી. અત્યારે જે પણ રાજ્યોમાં કોરોનાનો ખતરો વધ્યો છે એ રાજ્યોમાં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવી જ છે. બિહારથી તેની શરૂઆત થઈ ને હમણાં ગુજરાતમાં ચૂંટણીઓ પતી ત્યાં હવે પાંચ રાજ્યોમાં એ જ ધમાધમી ચાલુ છે.
મહારાષ્ટ્રમાં પણ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ ને ગુજરાતમાં તો છેલ્લા ચાર મહિનાથી રાજકીય ઉત્સવનો માહોલ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ તેના થોડા દિવસો પહેલાં સી. આર. પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાયેલા. તેમને પોંખવા ને તેમની નજરમાં વસવા માટે ભાજપીઓમાં પણ હોડ જામેલી તેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં ને ઠેર ઠેર રેલીઓ થઈ. તાનમાં આવી ગયેલા લોકોએ ગરબા પણ ગાયા. સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરી દેવાઈ ને સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કશું કરતી નહોતી . એ પછી આઠ બેઠકોની પેટાચૂંટણી આવી ને હમણાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમાશા ચાલ્યા. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગને કોરાણે મૂકીને રાજકીય કાર્યકરો બેફામ બનીને વર્ત્યા પછી કોરોનાના કેસો ન વધે તો જ નવાઈ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ ને આસામ એ ચારેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ છેલ્લાં છ મહિનાથી ચાલે છે ને જંગી રેલીઓ થાય છે.
લાખોની ભીડ ઉમટે છે ને રાજકારણીઓ શક્તિપ્રદર્શન કરવા હોડ બકી રહ્યા છે. હજુ બે મહિના લગી તો આ ખેલ ચાલશે જ એ જોતાં આ રાજ્યોમાં કોરોના વકરે નહીં તો જ નવાઈ લાગે. જે દસ રાજ્યોમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે તેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ એ ત્રણ રાજ્યો છે જ એ જોતાં બે મહિના પછી આ રાજ્યોમાં કોરોના વિસ્ફોટ થશે એ નક્કી જ છે. પહેલાં સભા કે રેલીમાં સો કરતાં વધુ માણસોને હાજર રાખવા સામે મનાઈ હતી પણ બિહાર વિધાનસભા તથા બીજા રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણી આવી એટલે બધું બદલાઈ ગયું. મોદી સરકારે રેલી કે સભામાં જેટલાં માણસોને બોલાવવાં હોય એટલાં માણસોને બોલાવાની છૂટ આપી દીધી ને બધું ખોલી નાખ્યું. કોંગ્રેસ ને બીજા પક્ષના નેતા પણ આ જ ધંધો કરે છે એ જોતાં કોરોના હજુ વકરશે, લખી રાખો.