કોરોનાકાળમાં બદલાતી દુનિયામાં પાકીસ્તાન પણ બાકાત નથી જ

પરિવર્તન એ સમયની સાથે ચાલનારી ઘટના છે એ કોઇના કર્યુ નહી પણ આપમેળે થતા હોય છે કોરોના દુનિયાને એનક પાઠ શિખવી રહયો છે ત્યારે દુનિયાના સૌથી રૂઢીચુસ્ત દેશમાં આવતા પાકીસ્તાનમાં થયેલી એક સામાજીક શરૂઆતની નોંધ લેવા જેવી છે.
પાકિસ્તાનના રૂઢિવાદી સમાજમાં ટ્રાન્સજેન્ડર્સ સમુદાયને સામાજિક બહિષ્કાર, ઉપહાસ અને અપમાનનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ટ્રાન્સજેન્ડર્સ સમુદાય સમાજથી દૂર જ રહે છે, કારણ કે લોકો તેમનો સ્વીકાર કરતા નથી અને તેમના પ્રત્યે હીન ભાવનાથી જુએ છે. જોકે, અનેક ટ્રાન્સજેન્ડર્સ એવા છે જેમણે જીવનમાં સંઘર્ષ કરીને સફળતા મેળવી છે, જે આજે અન્ય ટ્રાન્સજેન્ડર્સ માટે એક મિસાલ સમાન છે. તાજેતરમાં જ વધુ એક ટ્રાન્સજેન્ડર્સ મહિલાનું ઉદાહરણ સામે આવ્યું છે, જેણે રૂઢિવાદી સમાજને પડકાર આપીને મહિલા ટ્રાન્સજેન્ડર્સ માટે સિલાઇની દુકાન ખોલી છે.
આ કિસ્સો આપણા ભારતના પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનનો છે. આમ તો આપણને હંમેશાં પાકિસ્તાન વિશેની ખરાબ અને નકારાત્મક ખબરો જ સાંભળવા મળે છે, પણ આ વખતે એક સકારાત્મક સમાચાર સાંભળવા મળ્યા છે. પાકિસ્તાનની ટ્રાન્સજેન્ડર્સ મહિલા જિયા ન્યુ કરાચી માર્કેટમાં પહેલી સિલાઇની દુકાન ખોલીને ત્યાં રહેતી અન્ય ટ્રાન્સજેન્ડર્સ મહિલાઓ માટે આશાનું નવું કિરણ બની છે.
આમ તો ટ્રાન્સજેન્ડર્સ સમુદાયની એવી અનેક મહિલાઓ છે જેમને કોઇ ને કોઇ ધંધો ખોલવાની ઇચ્છા છે, પણ તેમને ડર છે કે રૂઢિવાદી સમાજ તેમનો બહિષ્કાર કરી શકે છે. પાકિસ્તાનમાં અનેક એવા લોકો છે જે તેમને ઘર અથવા દુકાન ભાડે આપવાનું ટાળે છે. આવા પડકારો વચ્ચે પણ જિયાએ હિંમત કરીને તેનો ટેલરિંગનો ધંધો શરૂ કર્યો છે. ટેલરિંગનો ધંધો શરૂ કરવા માટે અનેક શોધખોળ કર્યા બાદ તેને ન્યુ માર્કેટમાં એક દુકાન ભાડા પર મળી છે. આ દુકાન તેણે અન્ય બે ટ્રાન્સજેન્ડર્સ મહિલા સાથે મળીને એપ્રિલ મહિનામાં જ ખોલી છે.
ઇસ્લામમાં રમઝાન મહિનાને પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં લોકો નવાં કપડાંની ખરીદી કરે છે. રમઝાન મહિનાને ધ્યાનમાં લઇને જ જિયાએ તેની ટેલરિંગની દુકાન શરૂ કરી છે. જિયાએ લ-બોય્ઝ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને તેની સાથી ટ્રાન્સજેન્ડર્સ મહિલાઓની મદદથી સિલાઇનું કામ શીખી છે.
જિયાના ગ્રાહકોમાં અનેક મહિલાઓ સામેલ છે, જે તેમનાં કપડાં સિવડાવવા માટે આ ટ્રાન્સજેન્ડર્સ મહિલાઓ પાસે આવે છે. જિયા ભવિષ્યમાં તેની સિલાઇની દુકાનનો વિસ્તાર વધારવા માગે છે અને ટ્રેડિશન અને વેસ્ટર્ન ડિઝાઇનનાં કપડાંઓની એક બુટિક ખોલવા ઇચ્છે છે. મોટા ભાગે પુરુષો દ્વારા ચલાવવામાં આવી રહેલી ટેલરિંગની દુકાન વચ્ચે ટ્રાન્સજેન્ડર્સ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી દુકાન પરિવર્તનની શરૂઆત છે.
અહીં વધુ એક ઘટનાનો ઉલ્લેખ કરવો છે જે ટ્રાન્સજેન્ડર્સ સમુદાય સાથે જોડાયેલી છે અને આ અંગેની ખબર હજુ થોડા દિવસો પહેલાં જ મીડિયામાં ચમકી હતી. પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર્સ માટે પહેલી મદરેસા શરૂ કરવામાં આવી છે અને તે શરૂ કરવાની પહેલ 31 વર્ષીય રાની ખાને કરી છે. રાનીએ તેની જીવનભરની કમાણી મદરેસામાં લગાવી દીધી છે. પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર્સ પર કોઇ પ્રતિબંધ નથી, પણ તેમ છતાં તેમને મસ્જિદમાં જવા કે પછી ધાર્મિક સ્કૂલો (મદરેસા)માં પ્રાર્થનામાં સહભાગી થવાની મંજૂરી નથી. રાનીએ ટ્રાન્સજેન્ડર્સ માટે મદરેસા શરૂ કરીને પરિવર્તનની શરૂઆત કરી છે.રાનીનું કહેવું છે કે અનેક પરિવારો ટ્રાન્સજેન્ડર્સનો સ્વીકાર કરતા નથી. આવા લોકોને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે, પરિણામે ગુજરાન ચલાવવા માટે તેઓ ખોટા કામમાં લાગી જાય છે. રાની દ્વારા શરૂ કરાયેલા મદરેસામાં ટ્રાન્સજેન્ડર્સ ર કુરાનની આયાતો સાથે તેમના દિવસની શરૂઆત કરે છે. રાની તેના મદરેસાના ટ્રાન્સજેન્ડર્સ છાત્રોને સિલાઇ શીખવાડે છે. કપડાં વેચીને તે મદરેસા માટે ભંડોળ એકઠું કરી શકશે એવી તેની આશા છે. સામાન્ય રીતે ટ્રાન્સજેન્ડર્સ નો તેમનો પરિવાર નાની ઉંમરમાં જ ત્યાગ કરી દેતા હોય છે. આગળ જઇને ભીખ માગીને જીવન ગુજારવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ રહેતો નથી. નાની ઉંમરથી જ તેઓ યૌન શોષણનો ભોગ બનતા હોય છે, પરિણામે મોટા થઇને તેઓ દેહવ્યવસાય સાથે જોડાઈ જાય છે. જોકે, સમાજમાં ધીમે ધીમે હવે ટ્રાન્સજેન્ડર્સને તેમના અધિકારો મળવાની શરૂઆત થઇ છે, તેમ છતાં હજી સુધી સમાજમાં તેમને પૂર્ણ સ્વીકૃતિ મળી નથી. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણટ્રાન્સજેન્ડર્સનાં એવાં અનેક ઉદાહરણ છે, જેઓ જીવનમાં આગળ વધીને સમુદાયના અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.