કોરોનાગ્રસ્તના લેવાશે લોહીના નમૂના, અમદાવાદમાં શરૂ કરાયો એન્ટિ બોડી સર્વે

અમદાવાદ જિલ્લામાં જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા ‘એન્ટિ બોડી સર્વે ‘ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જેને અગાઉ કોરોના થઇ ચૂક્યો છે તેવા લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ કેટલી વિકસી છે. અથવા હાલમાં તેની શું સ્થિતિ છે તે અંગેની સચોટ વિગતો એકઠી કરીને રિસર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આજે પ્રથમ દિવસે જિલ્લામાં ૨ હજાર લોકોના એન્ટિ બોડી સર્વે માટે લોહીના નમુના લેવાયા છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૩,૮૪૯ લોકો કોરોના સંક્રમીત થઇ ચૂક્યા છે. જેમાંથી ૩,૭૬૬ લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. સંક્રમણ બાદ આ લોકોની હાલમાં શું સ્થિતિ છે.

તેઓમાં રોગપ્રતિકારક શક્તિનું છેલ્લું સ્ટેટસ શું છે તે જાણવા માટે આ એન્ટિ બોડી સર્વે હાથ ધરાયો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું. આ માટે જિલ્લામાં પીએચસી સેન્ટરના હેલ્થ વર્કરોની ૪૦ ટીમોને કામે લગાવવામાં આવી છે. જે લોકોને અગાઉ કોરોના થઇ ચૂક્યો છે તેવા લોકોના ઘરે જઇને આ ટીમ તેમના લોહીના નમુના એકત્ર કરશે. અને તેને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપશે. જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં આ સર્વે એકસાથે હાથ ધરી દૃેવાયો છે. સાણંદ તાલુકામાં સૌથી વધુ ૮૫૬ લોકો કોરોનાથી સંક્રમિત છે. બીજા ક્રમે ધોળકામાં ૮૦૮ કેસ, દસક્રોઇમાં ૫૨૩, બાવળામાં ૪૭૭, દૃેત્રોજમાં ૧૪૩, ધંધૂકામાં ૩૭૯, ધોલેરામાં ૪૨ માંડલમાં ૧૧૮ અને વિરમગામ તાલુકામાં ૫૦૩ લોકો સંક્રમિત છે. આ તમામ લોકોના એન્ટિ બોડી ટેસ્ટ કરાશે.

આ રિસર્ચ કોરોના સંક્રમણને રોકવામાં નવાં પગલાં શું લેવા તે નક્કી કરવામાં મદદરૂપ બનશે. નોંધપાત્ર છેકે જિલ્લામાં કોરોનામાં અત્યાર સુધીમાં ૬૦ લોકોનો ભોગ લેવાઇ ગયો છે. જિલ્લામાં આજે બુધવારે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા. જેમાં સાણંદમાં મોરૈયા ગામે દરબાર વાસમાં, શેલામાં મહેર હોમ્સમાંથી ૩ કેસ નોંધાયા હતા. દસક્રોઇમાં હીરાપુરમાં પટેલ વાસમાંથી તેમજ ધંધૂકામાં પ્લોટ વિસ્તારમાંથી, બાવળામાં એડરોડા ગામે નાનોદરામાંથી એક કેસ કોરોનાનો મળ્યો હતો.