કોરોનાગ્રસ્ત વૃદ્ધના ઓક્સિજન માટે પરિવારને ૬ કલાક રઝળવું પડ્યું

ગુજરાતમાં કોરોનાએ હદ વટાવી દીધી છે. શહેરોમાં સંક્રમણ બેકાબુ થઈ ગયું છે. સંક્રમિત થયેલા દર્દીઓને સારવાર માટે ખૂબજ મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલમાં બેડ હોય, વેન્ટિલેટર હોય કે પછી ઓક્સિજન હોય હાલમાં દરેક સેવા અને સુવિધા માટે દર્દીઓએ વલખા મારવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં ગાંધીનગર પાસેના ગામથી દર્દીને લઈને આવેલા પરિવારે દર્દીની સારવાર માટે ૬ કલાક સુધી રઝળવું પડઋ્યું હતુ અને બાદમાં સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગર પાસે આવેલ નાદરી ગામમાં ૭૫ વર્ષિય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમની તબિયત બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાના હતાં. તેમને ઓક્સિજનની જરૂર હોવાથી તેમના પરિવારે અનેક જગ્યાએ તપાસ કરી પરંતુ ઓક્સિજન મળ્યો નહોતો. ત્યાર બાદ આ કોરોનાગ્રસ્ત વૃદ્ધને લઈને તેમનો પરિવાર અમદાવાદ આવ્યો હતો. શહેરની ખાનગી અને સરકારી તમામ હોસ્પિટલમાં પરિવારે તપાસ કરી પરંતુ ક્યાંય દર્દીને જગ્યા મળી ન હતી. દર્દીને ઓક્સિજનની જરૂર હોવાથી ગૂગલ પર સર્ચ કરીને પરિવારે તપાસ કરી પરંતુ દર્દી સતત ૬ કલાક સુધી ઓક્સિજન વિના રહૃાાં અને શહેરની તમામ હોસ્પિટલમાં ખાનગી વાહન લઈને ફરી વળ્યાં હતાં પરંતુ આખરે સોલા સિવિલમાં જગ્યા મળી અને તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યાં હતાં.આ અંગે દર્દીની પૌત્રી લીઝાએ જણાવ્યું હતું કે દાદા ગામડેથી આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. ઓક્સિજન માટે અમે અનેક જગ્યાએ ફર્યા પરંતુ ક્યાંય તેની વ્યવસ્થા થઈ ન હતી. જે હોસ્પિટલમાં બેડ મળે પણ ત્યાં ઓક્સિજન અને વેન્ટિલેટર ના મળે અને જ્યાં ઓક્સિજન અને વેન્ટિલેટર મળે ત્યાં બેડ નહોતો મળ્યો. ફોનમાં જેટલા સંપર્કો હતાં તે તમામનો સંપર્ક કર્યો પરંતુ ક્યાંય જગ્યા ના મળી. આખરે ૬ કલાક જેટલા સમય બાદ સોલા સિવિલમાં જગ્યા મળી અને હાલ દાદાને અહીં જ દાખલ કરવામાં આવ્યાં છે.અહીં બે કલાક જેટલો સમય થયો છે છતાં કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી.