કોરોનાના કાળમાં સંઘર્ષ કરતા બાળકની કહાનીથી પ્રભાવિત થયો સહેવાગ

કોરોના મહામારીએ આખા વિશ્ર્વમાં મોતનું તાંડવ મચાવ્યું છે. વિશ્ર્વનો કોઈ પણ દૃેશ એવો નથી જે ચીનથી ફેલાયેલ આ મહામારીની ચપેટમાં ન આવ્યો હોય. ભારતમાં પણ આ વાયરસે લોકોને ઘણા સમય સુધી ઘરમાં લોકડાઉન કર્યા હતા. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ માઠી અસર થઈ છે. સ્કૂલ અને કોલેજો વાયરસના કારણે ઘણા સમયથી બંધ છે.
હવે ઓનલાઇન ક્લાસિસના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહૃાું છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેમને ઓનલાઇન ક્લાસમાં શામેલ થવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહૃાો છે. એવા જ એક સ્ટુડન્ટની કહાનીએ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને પ્રભાવિત કર્યો છે. આપને જણાવી દઈએ કે સહેવાગે તાજેતરમાં એક ટ્વિટ કર્યું છે જે ખૂબ વાયરલ થઈ રહૃાું છે.
આ ટ્વિટમાં સહેવાગે રાજસ્થાનના બાડમેરમાં રહેતા હરીશના સંઘર્ષની કહાની શેર કરી છે. ઓનલાઇન ક્લાસમાં શામેલ થવા માટે હરીશ રોજે પહાડ પર ચઢે છે જેથી ઇન્ટરનેટ મળી શકે અને તે ઓનલાઇન ક્લાસમાં શામેલ થઈ શકે. સહેવાગે આ છોકરાની મદદ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે. સહેવાગે લખ્યું કે રાજસ્થાનના બાડમેરનો એક યુવા છોકરો હરીશ ઇન્ટરનેટ માટે રોજે પહાડ પર ચઢે છે જેથી ઓનલાઈન ક્લાસમાં શામેલ થઈ શકે. તે સવારે ૮ વાગે ચઢાઈ શરૂ કરે છે અને બપોરે ૨ વાગે ક્લાસ સમાપ્ત કરી પરત ઘરે ફરે છે. તેના આ સંઘર્ષને સલામ છે.