કોરોનાના કેર વચ્ચે નવરાત્રિના ગરબાને મંજૂરી આપવા માંગણી

ગુજરાતમાં કોરોના કેર વચ્ચે મોટા ભાગના ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી આ વર્ષે લોકોએ સાદગીથી તહેવારો અને ઉત્સવો ઉજવ્યા હતા પંરતુ હવે નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે સરકાર નવરાત્રિના ગરબાને પણ સોસિયલ ડિસ્ટન્સિંગ સહિતની શરતો સાથે મંજૂરી આપે એવી માંગણી ઉઠી રહી છે. બીજી બાજુ દર વર્ષે પાર્ટી અને કલબ દ્વારા યોજાતા જાહેર ગરબાને પણ મંજૂરી મેળવવા માટેની રજૂઆત સરકાર સમક્ષ થઇ રહી છે.
રાજકોટમાં ગરબા એસોસિએશને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ગરબા ફિટનેસ ક્લાસ ચાલુ કરવાની પરવાનગી આપવા માગ કરી છે. રાજકોટમાં ગરબા ક્લાસિસ પર પાંચ હજાર કરતા વધુ લોકોની રોજીરોટી ચાલે છે. આ સાથે જ પત્રમાં જણાવ્યું છે કે જો ગરબા ક્લાસિસ ચાલુ થશે તો કોરોના કાળ દરમિયાન લોકોને મેન્ટલ ટ્રેસમાંથી પણ લોકોને મુક્તિ મળશે. જિમ, એરોબિક્સ, યોગા ક્લાસ અને ફિટનેસ ક્લાસને પરવાનગી આપવામાં આવી છે. તો ગરબા ફિટનેસ ક્લાસને પણ પરવાનગી આપવામાં આવે. ગરબા ક્લાસથી દર મહિને ઓછામાં ઓછું પાંચ કિલો જેટલું વજન ઉતરે છે. હોસ્પિટલના વીડિયો જોતા કોરોના સંક્રમણ દર્દીને પણ ડોક્ટર ગરબા રમાડતાં હોય છે. જેથી અમે પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને ક્લાસિસ ખોલવા માંગીએ છીએ.
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ગરબા ક્લાસ પર શહેરમાં ૫ હજાર કરતા વધુ લોકોની રોજીરોટી ચાલે છે. તો ગરબા એક જ એવી ફિટનેસ એક્સરસાઈઝ છે કે વ્યક્તિ સતત ૨ કલાક સુધી રમી શકે છે.