કોરોનાના કેસ તો હજુ પણ વધતા જ રહેવાના પણ એમ કંઈ ડરી જવાય?

સુશાંતસિંહ રાજપૂત હત્યા કેસ અને ચીન સાથેના ડખાના કારણે કોરોના સાવ ભુલાઈ ગયો છે. દેશમાં કોરાનાના કેસો સતત વધી રહ્યા છે ને સોમવારે ભારત કોરોનાના કુલ કેસોના મામલે બ્રાઝિલને ટપીને બીજા નંબરે આવી ગયું. સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૯૦ હજાર કરતાં વધારે કેસ નોંધાયા ને કુલ કેસોનો આંકડો ૪૨ લાખને વટી ગયો છે. દુનિયામાં હવે કોરોનાના કુલ કેસોની સંખ્યામાં અમેરિકા જ આપણા કરતાં આગળ છે. આપણે ત્યાં કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો પણ ૭૧ હજારને પાર થઈ ગયો છે.

આપણે બીજા બધા કઠલામાં કોરોનાને ભૂલી ગયેલા પણ છેલ્લા બે દિવસથી રોજના ૯૦ હજાર કરતાં વધારે કેસ નોંધાય છે તેથી પાછો કોરોનાનો ફફડાટ વર્તાવા માંડ્યો છે. લોકોને લાગવા માંડ્યું છે કે, કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ને હવે વિકેટો ફટાફટ પડવા માંડશે. આ ડર મનમાંથી કાઢી નાંખવાની જરૂર છે કેમ કે વાસ્તવમાં તો કોરોનાના કેસોની સંખ્યા છેલ્લા બે મહિનામાં કૂદકે ને ભૂસકે વધી જ રહી છે પણ આપણે બીજી બધી વાતોમાં બહુ ખૂંપેલા તેથી આપણું ધ્યાન નહોતું ગયું. બાકી છેલ્લા બે મહિનાથી દરરોજ નવા કેસો વધી રહ્યા છે ને ૧૦ લાખ નવા કેસો નોંધાવાના દિવસો ઘટી રહ્યા છે. કોરોનાના કેસોએ ૧૦ લાખના માઈલસ્ટોન ક્યારે વટાવ્યા તેની તારીખ પર નજર નાંખશો તો આ વાતનો ખ્યાલ આવશે.

આપણે ત્યાં ૧૭ જુલાઈએ કોરોનાના કેસનો આંકડો ૧૦ લાખ થયો હતો. કોરોના કેર વર્તાવાની શરૂઆત બીજે બધે તો નવેમ્બરથી જ થઈ ગયેલી પણ આપણે ત્યાં ફેબ્રુઆરીમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયેલો એ જોતાં સાડા ચાર મહિનામાં ૧૦ લાખ કેસ નોંધાયેલા. એ પછી કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધ્યા છે. ૭ ઓગસ્ટે કોરોનાના કેસોએ ૨૦ લાખનો આંકડો વટાવેલો. મતલબ કે નવા ૧૦ લાખ કેસ નોંધાવામાં ૨૧ દિવસ લાગ્યા. ૨૩ ઓગસ્ટે આ આંકડો ૩૦ લાખને પાર થયો. મતલબ કે, નવા ૧૦ લાખ કેસ નોંધાતાં ૧૬ જ દિવસ લાગ્યા.

કોરોનાના કેસોમાં ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખનો આંકડો પાર થયો. મતલબ કે, છેલ્લા નવા ૧૦ લાખ કેસ માત્ર ૧૩ દિવસમાં જ નોંધાયા. અત્યારે જે રીતે દરરોજ ૯૦ હજાર કેસો નોંધાઈ રહ્યા છે એ જોતાં રોજના નવા ૧ લાખ કેસ નોંધાય એ દિવસ બહુ દૂર નથી. એ પછી દર ૧૦ દિવસે નવા ૧૦ લાખ કેસ નોંધાશે. આ જ દરે કોરોનાનું સંક્રમણ ચાલુ રહે તો બહુ જલદી અઠવાડિયાના ૧૦ લાખ કેસ આવવા માંડે એવું પણ બને.

આ સ્થિતિ આવશે કે નહીં એ ખબર નથી પણ તેનાથી પણ ડરવાની જરૂર નથી. તેનું કારણ એ કે, આપણે ત્યાં કોરોનાના કેસો ભલે વધતા હોય પણ મૃત્યુ દર બહુ નથી. બલ્કે ધીરે ધીરે મૃત્યુદર ઘટી રહ્યો છે ને અત્યારે તો ઘટીને ૧.૭ ટકા પર આવી ગયો છે. તેનો સીધો અર્થ એ થાય કે, કોરોના થયો હોય તેવા દર ૧૦૦ લોકોમાંથી માત્ર ૧.૭ ટકા લોકો જ મોતને ભેટે છે. બીજા દેશોમાં મૃત્યુદર બહુ વધારે છે એ જોતાં આપણે ત્યાં સ્થિતિ પ્રમાણમાં સારી છે. મૃત્યુદર ઓછો છે તેનો અર્થ એ થાય કે, કોરોના થઈ જાય તો પણ ડરવાની જરૂર નથી. તમે કોરોનાથી સાજા થઈ જાઓ એવા ચાન્સ ૯૮ ટકાથી વધારે છે. આપણે ત્યાં કોરોનાના કારણે મૃત્યુદર ઓછો છે એ માટે અલગ અલગ કારણો અપાય છે. સરકારો પોતાની રીતે જશ ખાટે છે પણ સરકારી તંત્રનું કામ જોતાં તેને કેટલો જશ જાય છે એ આપણને સૌને ખબર છે.

ભારતમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એ પણ એક કારણ અપાય છે. આ કારણ ગળે ઊતરે એવું છે. કોરોનાનો ચેપ ફેલાવતો વાયરસ એક શરીરમાંથી બીજામાં જાય ત્યારે નબળો પડી જાય છે તેથી નવા દર્દીઓમાં એટલો ઘાતક નથી રહેતો એવી પણ એક થીયરી છે. આ વાતને સાચી સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પણ આ કારણ પણ હોઈ શકે. લોકો પોતાની રીતે સાવચેત થઈ ગયા છે તેથી તેમણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના રસ્તા અપનાવવા માંડ્યા તેના કારણે પણ મૃત્યુદર ઘટ્યો હોય એવું બને. કારણ ગમે તે હોઈ શકે પણ કોરોનાનો ભોગ બનેલા દર્દીઓ ઓછા મરી રહ્યા છે એ સારું લક્ષણ છે ને તેના કારણે જ આપણે કોરોનાના વધતા કેસોથી ડરવાની જરૂર નથી.

લોકોએ બીજી પણ એક વાત સમજવાની જરૂર છે કે, કોરોનામાં જે સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો હતો એ પતી ગયો છે. કોરોનાનો હાઉ હવે પતી ગયો છે તેથી હવે ડરવાની જરૂર નથી. આપણે ત્યાં માર્ચ મહિનાની શરૂઆતથી કોરોનાના હાઉ વર્તાવા માંડેલો. એ વખતે એવી જ વાતો ચાલતી કે, કોરોના બહુ ખતરનાક છે ને એક વાર ચેપ લાગે એટલે ટિકિટ ફાટી જ ગઈ સમજો. આ હાઉ મીડિયાએ અને સોશિયલ મીડિયાએ ઊભો કરેલો. તેના કારણે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે એટલે લોકો માનસિક રીતે જ અડધા તો પતી જતા. હવે એ સમય રહ્યો નથી કેમ કે લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે આવે ને પહેલાંની જેમ જીવતા થાય એ આપણી નજર સામે છે. કોરોના માનતા હતા એટલો ઘાતક નથી તેનો અહેસાસ આપણને થાય એ રીતે લોકો સાજા થઈને જીવે છે તેથી તેનો માનસિક ડર ખતમ કરી નાંખવાની જરૂર છે. લોકો કોરોનાનો સામનો કરવાની માનસિક તાકાત બતાવશે તો હજુ મૃત્યુદર ઘટશે. કોરોનાના કેસો રાતોરાત ના ઘટે કેમ કે એ ચેપી રોગ છે પણ મૃત્યુ દર ઘટે તો પણ તેનો ડર રાખવા જેવો નથી એ સાબિત થઈ જશે. માનસિક રીતે તાકતવર બનવાથી એ શક્ય બનશે.

આ માનસિક તાકાત બતાવવી જરૂરી છે કેમ કે કોરોનાથી ભાગી શકાય એમ નથી. દેશમાં હજુ કોરોનાનો ખતરો મટ્યો નથી ને કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એ વાત સાચી છે પણ સામે કોરોનાના ડરે ઘરમાં બેસી રહેવાય એમ પણ નથી. કોરોનાને રોકવા આપણે બે મહિના સંપૂર્ણ લોકડાઉન લાદ્યું ને છેલ્લા ત્રણ મહિનાથી અડધાપડધા લોકડાઉનમાં જ જીવીએ છીએ. એ છતાં કોરોના નાબૂદ નથી થયો એ જોતાં હવે તેનાથી ભાગવાના બદલે તેનો સામનો કરવાની ને પડશે એવા દેવાશે એ અભિગમની જરૂર છે. કોરોના સામેની લડાઈ હવે સરકારની રહી નથી પણ લોકોની છે ને લોકોએ તેનો સામનો કરવો જ જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ને થોડીક સાવચેતી બતાવીને કોરોનાનો સામનો થઈ શકે એ આપણ જોયું છે તેથી કોરોનાથી ડરી જવાની જરૂર નથી.

હજુ આપણે કોરોનાથી ડર્યા કરીશું તો શું થશે એ પણ સમજ કેળવવાની જરૂર છે. લોકડાઉનના કારણે દેશની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે ને સામાન્ય માણસને તો શું કરવું તેની ગતાગમ જ પડતી નથી. દેશમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓને ફટકો પડ્યો છે ને લોકો ધંધા-રોજગારને ફરી પૂર્વવત્ કરવાનાં ફાંફાં મારી રહ્યા છે પણ ક્યારે બધું બરાબર થશે એ ખબર નથી. મોદી સરકારે અચાનક લોકડાઉન લાદ્યું તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અચાનક બ્રેક વાગી ગઈ. તેના આંચકામાંથી ક્યારે બહાર આવીશું એ ખબર નથી પણ લોકોએ જ તેમાંથી બહાર આવવા મથવું પડશે કેમ કે સરકાર કશું કરવાની નથી. આપણી સરકાર પાસે એવું કોઈ વિઝન નથી. એ વાતોનાં વડાં કરવામા માને છે ને મોટી મોટી જાહેરાતો કરવામાં માને છે.

મોદી સરકારે જાહેર કરેલાં આર્થિક પેકેજ અને લીધેલા નિર્ણયો પરથી એક વાત સ્પષ્ટ છે કે, આ સરકાર પાસે દેશના અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવા માટે કોઈ નક્કર ને નોખું આયોજન નથી. સરકારે પોતે લોકડાઉન લાદેલું ને આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરાવેલી તેથી આર્થિક પેકેજ જાહેર કર્યા વિના તેનો છૂટકો નહોતો. એ વિધિ તેણે કરી નાંખી ને તેમાં લોકોને શું ફાયદો થયો એ આપણી નજર સામે છે. આ સરકારને તેની પણ પડી નથી ને રાજ્યોને જીએસટીનું વળતર કઈ રીતે ના આપવું તેના દાવપેચમાં એ વ્યસ્ત છે તેના પરથી સ્પષ્ટ છે કે, આ દેશનું અર્થતંત્ર સુધારવાની જવાબદારી પણ હવે લોકોના માથે જ છે ને આ સરકાર વાતોનાં વડાં કરવા સિવાય કશું કરવાની નથી. કોરોના અને લોકડાઉના કારણે અર્થતંત્રને જે ફટકો પડ્યો છે તે બહુ મોટો છે પણ સરકાર પાસેથી બહુ આશા ના રાખતા. આર્થિક પેકેજોના નામે લોકોને આંજી નાખવા સિવાય બીજું કશું નક્કર આ સરકાર કરી શકે તેમ નથી તેથી લોકોએ જ પોતાનાં આર્થિક હિતો વિશે વિચારવું પડે. આ આર્થિક હિતો કોરોનાનો ડર કાઢીશું તો જ સચવાશે.