કોરોનાની દવા હજી આડેધડ ચાલે છે ? દાક્તરોના છબરડાઓ કંઈ ઓછા નથી

યુગ બદલાઈ ગયો છે. રોજ જુદી જુદી વાતો હવામાં વહેતી રહે છે. ગઈ કાલે વળી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ જાહેરાત કરી કે સ્પેનિશ ફ્લુ નામના રોગ કરતાં કોરોના જલ્દી જતો રહેશે. પણ એની વાત પર કોઈને હવે વિશ્વાસ નથી. સમય લંબાતો જાય છે. કોઈના લગન અટકી ગયા છે તો કોઈના વેપાર બંધ થઈ ગયા છે. સ્નેહીજનો એટલે કે સગાવહાલાની અવરજવર બંધ છે. વીડિયો કોલ વધી ગયા છે. રૂબરૂ મળવાની વાત આઘી ને આઘી ઠેલાતી જાય છે. માણસ બીમાર પડે ત્યારે મંદિરે જવાને બદલે હોસ્પીટલમાં જાય છે. આમ… જીવન માટે ધરતી ઉપરના  ભગવાન તબીબને કહી શકાય. તબીબ જીવન રક્ષક છે. માંદગીમાં મંદિર નહીં, હોસ્પિટલ જ ઉપાય છે.

એકવીસમી સદી આધુનિકતાની સદી છે, તેમ રોગોની બાબતમાં પણ આ વસમી સદી છે. રોગો કોમ્પ્લિકેટેડ બન્યા છે, સારવાર અટપટી અને મોંઘી બની છે! મંગળ અને સૂર્ય સુધી પહોંચેલું વિજ્ઞાન નાનકડા વિષાણુ કોરોના સુધી પહોંચવામાં હાંફી ગયું છે. જેની દવા કે ઈલાજ નથી તેના લાખોમાં બિલ બની રહ્યા છે. માણસ હવે રોગથી નહીં, તેના ખર્ચથી ડરી રહ્યો છે ! કોરોનાના ઈલાજ માટે 40 કે 50 હજારના ઈંજેક્શન તબીબો ઉપયોગમાં લેતા હતા,લોકો તેના સમાચાર વાંચીને ચોંકી ઉઠયા છે! ટોસિલિઝુમેબ નામના ઈંજેક્શન છેલ્લા ચાર માસથી તબીબો ઉપયોગમાં લેતા હતા. તેની તંગી પડતી હતી, નકલી પણ બનવા લાગ્યા હતા. સરકાર પણ આ દાવા માટે સતત દેખરેખ રાખતી હતી. આરોગ્ય વિભાગ પણ મોનિટરિંગ કરતો હતો.

કોરોના પીડિતોએ કરોડો રૂપિયા આ ઈંજેક્શન પાછળ વાપરી નાખ્યા! હવે, આ ઈંજેક્શન બનાવનારી વિદેશી ફાર્મા કંપનીએ પોતે જ જાહેર કર્યું કે, ટોસિલિઝુમેબ કોરોનના ઈલાજ માટે અસરકારક નથી! પરિક્ષામાં તે ફેઇલ ગયું છે. તે જીવ બચાવતું નથી કે કોરોના પણ મટાડતું નથી! આ ઈંજેક્શન કોરોના પહેલા વાસ્તવમાં રૂમેટોઈડ અને અર્થરઇટીસ રોગોના ઇલાજમાં વપરાતા હતા અને આજે પણ તેના ઇલાજમાં જ ઉપયોગમાં લેવાય છે! આ ઈંજેક્શન બનાવતી પેરન્ટ કંપનીએ અનેક પરીક્ષણો કર્યા અને કહ્યું કે, કોરોનાના ઈલાજ માટે જો વાપરવામાં આવશે તો તેની આડ અસર થાશે. સવાલ એ છે કે, આ ઈંજેક્શન કોરોના માટેનો ઈલાજ છે, એવી અફવા કોણે ફેલાવી ? તબીબો ક્યા આધારે કોરોના દર્દીઓને આ ઈંજેક્શન ફટકારતાં હતા ? અંધેરી નગરી અને ગંડું રાજા જેવો ઈલાજ કેમ ચાલે છે ! ભારત સરકારના આરોગ્ય વિભાગે કેમ આંધળે બહેરું કૂટ્યું?

ભારતમાં રોગોનો ઈલાજ ભગવાન ભરોસે ચાલે છે, તેમ તો કહી ના શકાય, પરંતુ અનેક દવાઓ આ રીતે કારણ વગર દર્દીઓ ખાય છે. દવા બનાવતી ફાર્મા કંપનીઓ અનેક સંશોેધનો પાછળ અબજોનો ખર્ચ કરે છે, પછી પોતાને નફો થાય તેવી રીતે માર્કેટિંગ કરે છે. તબીબી વ્યવસાય એ વ્યવસાયની સાથે સેવા પણ છે. પરંતુ આ સેવા હવે મેવા સુધી પહોંચી ગઈ છે! કોર્પોરેટ હોસ્પિટલો સારવાર નું પણ હોટેલોની જેમ મેનુ રાખે છે. તાજેતરમાં એક સમાચાર વાંચવા મળ્યા હતા કે, એક મોટી હોસ્પિટલે મૃતદેહ લઈ જવાના વાહનનો  ચાર્જ પાંચ હજાર લગાવ્યો હતો! અનેક સમયે જાણવા મળે છે કે, પૈસાના અભાવે મૃતદેહ પણ સંબંધીઓને સોંપવામાં આવતો નથી! એક તબીબ પોતાની સારવારને અસરકારક બનાવવા દર્દીને હાઇ ડોઝ જ આપે !

દેશના ધનિકો દિલ્હીની મેદન્તા હોસ્પિટલ કે એમ્સ માં સારવાર લે અને ગરીબ માણસને સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવાની ! આરોગ્યની બાબતમાં આ અસમાનતા બહુ ગંભીર બાબત કહી શકાય ! સામાન્ય માણસ કેન્સરથી નહીં, તેની સારવારના ખર્ચથી ડરી જાય છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં પણ સારવાર મોંઘી બાબત જ છે, પરંતુ ઇલાજની ગુણવત્તા સારી હશે તેમ માની લઈએ. ભારતમાં ઈલાજ મોંઘો હોવાનું એક કારણ એ પણ છે કે, દવા કે સરવારના મશીનો વિદેશથી આવે છે, જે મોંઘા હોય છે. ભારતે હવે મેડિકલ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવાની જરૂર છે. દેશમાં ટોસિલિઝુમેબ જેવા કેટલા ઈલાજ અંધાળુકીય થતાં હશે !

દર્દીઓ ઉપર આવા પ્રયોગ થાય છે તે પણ હકીકત છે. મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા શું કરે છે? દેશ કે રાજ્યના આરોગ્ય મંત્રી તબીબ જ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રમતગમતના  સંગઠનોના વડા  જે તે રમતોના ક્ષેત્રના જ હોવા જોઈએ. તેથી ક્રિકેટમાં રાજકારણીને બદલે સૌરૌવ ગાંગુલીને અધ્યક્ષ બનાવવા  પડ્યા છે, તેમ આરોગ્ય મંત્રી પણ તબીબજ હોવા જોઈએ. છેલ્લા કેટલાક સમયથી જેનેરિક દવાનું ચલણ વધ્યું છે. આ દવા ૫૦ થી ૭૫ ટકા સસ્તી હોય છે. પરંતુ તબીબો તે લખતા નથી. દવા બનાવતી કંપનીઓ પણ શંકાના ઘેરામાં છે. તબીબોને જંગી આર્થિક ફાયદો આપતી હોવાનું કહેવાય છે. મોટા ભાગના તબીબો પોતાનો મેડિકલ સ્ટોર ધરાવે છે. કેમ? તબીબના દવાખાના પાસે મળતી દવા શહેરમાં ક્યાય ન મળે. આવી તો અનેક આંટીઘૂંટી આ ક્ષેત્રમાં છે. ટોસીલીઝુમેબ જેવા ભગાથી ભગવાન જ બચાવે.

ડૉક્ટરો કેટલા આદરણીય છે તે હવે બધાને ખબર છે. જો કે આપડા સમાજે દાક્તરોને માનપાન કંઈ ઓછા નથી આપ્યા. અટાણે દાક્તરો એનું જ વળતર આપતા હોય એમ જાનની બાજી લગાવીને સેવા કરી રહ્યા છે. આપડો સમાજ પહેલા શિક્ષકોને પણ દાક્તરો જેટલું જ માન આપતો હતો. પણ એકસો પાંત્રીસના માવામાં ને રોડ પર ઊભા ઊભા ગાંઠિયા ખાવામાં એ માન ધોવાઈ ગયું. આજે સૌરાષ્ટ્રમાં પાન-માવા-ઊંધાલાલ – બુંધાલાલ, ગુટખા-બુટખાના વ્યસનીઓ સૌથી વધુ શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળે છે. પછી વિદ્યાર્થીઓની શું વાત કરવી. આ વ્યસની માસ્તરો બધા નથી પણ હવે એમની બહુમતી છે ને નિર્વ્યસની બહુ ઓછા બાકી રહ્યા છે.

છતાં હજુ દાક્તરોને ભગવાન માનનારો વર્ગ બહુ મોટો છે. ડૉક્ટરોના છબરડા આપડે કહીએ પણ કોરોનાની દવા જ શોધાઈ ન હોય ત્યાં એની નજીકની અને પેશન્ટને રાહત થાય એવી કંઈક દવા તો એમણે આપવી પડે ને. એમાં તો છૂટકો જ નથી. પણ કોર્પોરેટ હોસ્પીટલોએ જે તોતિંગ બિલો લીધા છે એને પ્રજા કદી માફ નહિ કરે. કારણ કે ભલભલાને ભૂ પીવરાવવાના ધંધા મોટી ખાનગી હોસ્પિટલોએ કર્યા છે. ગુજરાતની મહાનગરપાલિકાઓની હદમાં જેટલી કહેવાતી નામી હોસ્પિટલો છે એમાંથી કોઈ બાકી નથી.