કોરોનાની મહામારી: ગરીબોની કસ્તુરી ડુંગળીએ લોકોને રડાવ્યા: ભાવ ૭૦ને પાર

સુરત જિલ્લામાં તમામ શાકભાજી મોધીદાટ થઈ ગયા છે. રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પણ આસમાને પહોચ્યા છે. ડુંગળીનો ભાવ ૬૦ થી ૭૦ રૂ. કિલો પર પહોંચતા ગૃહિણીનું બજેટ ખોરવાયુ છે. વધુ વરસાદને પગલે નાસિક, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના બગાડ થતા ગુજરાતમાં ડુંગળીની આવક ઘટી છે જે ભાવ વધારાનું મોટું કારણ વેપારીઓ માની રહૃાા છે.
ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી આજે અમીરોના ખાવાનો પણ સ્વાદ બગાડી રહી છે. ડુંગળીના વધતા જતા ભાવ જોઈને તેને દૃૂરથી સલામ કરવાનું જ મન થાય છે. ડુંગળી કાપતા કાપતા આંખોમાં પાણી જરૂર આવતું હતું હવે તો ડુંગળી ખરીદતા પણ આંખોમાં પાણી આવે છે ત્યારે ખરેખર એમ થાય કે ડુંગળીએ રડાવી દીધા છે. અન્ય શાકભાજીની જેમ ડુંગરીના ભાવમાં ૬૦ થી ૭૦ રૂપિયા કિલો પહોચી ગયા છે. સુરત જિલ્લામાં ડુંગળીનો ભાવ ૭૦ રૂ. કિલો પર પહોંચ્યો છે. એક તરફ કોરોનાની મંદીને કારણે લોકોના કામ ધંધા છેલ્લા ચાર પાંચ મહિનાથી ઠપ્પ છે. લોકોના ખિસ્સા ખાલી છે આવા સમય ડુંગળી સહિત અનેક શાકભાજીઓનો ભાવ આસમાને પહોંચતા લોકો ચિંતિત બન્યા છે. લોકોની થાળીમાં ડુંગળી નહીં દેખાતા હવે થાળીમાં ફિકાશ દેખાઇ રહી છે. ડુંગળીના ભાવ ઘટે તેવું સ્થાનિકો જરૂર ઇચ્છે છે.