કોરોનાના વધેલા કેસોના કારણે રાજ્ય સરકારો પ્રતિબંધ પર પ્રતિબંધ લગાવી રહી છે ને દિલ્હીમાં તો વીક-એન્ડ કરફ્યુ લગાવી દેવાયો છે. અરવિંદ કેજરીવાલે તો લોકો નહીં સુધરે તો દિલ્હીમાં લોકડાઉન લાદવાની ચીમકી પણ આપી દીધી છે. કેજરીવાલે કહ્યું છે કે, અમારે લોકડાઉન નથી લાદવું પણ લોકો માસ્ક પહેર્યા વિના નહીં નીકળે તો પછી લોકડાઉન લગાવ્યા વિના છૂટકો નથી. રાજકારણીઓને લોકોની બહુ પડી હોતી નથી પણ અત્યારે કોરોનાના કેસોમાં તોતિંગ ઉછાળો આવ્યો છે તેથી પ્રતિબંધો લગાવ્યા વિના તેમના બાપનો પણ છૂટકો નથી. કોરોનાના કેસો વધે તો ગાળો ખાવી પડે ને ચૂંટણીમાં લોકો પડીકું કરી નાખે એ ડરે પણ રાજકારણીઓએ પગલાં લીધાં વિના આરો નથી.
રાજકારણીઓ પોતાની ગરજે પણ આવાં પગલાં લઈ રહ્યાં છે ત્યારે ચૂંટણી પંચમાં તો રાજકારણીઓ નથી બેઠા તેથી એ લોકો વધારે ડહાપણ બતાવશે એવું લાગતું હતું. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણી પંચ આ ચૂંટણીઓ મોકૂફ રાખીને થોડીક મોડી જાહેર કરશે એવી આશા હતી પણ આ આશા સાવ ઠગારી નિવડી. ચૂંટણી પંચે શનિવારે પત્રકાર પરિષદ બોલાવીને ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ લગી સાત તબક્કામાં મતદાન થશે ને 12 માર્ચે મતગણતરી થશે. ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય છે ને આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો પણ છે તેથી ત્યાં સાત તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં પણ આતંકવાદની સમસ્યા છે તેથી ત્યાં પણ બે તબક્કામાં ચૂંટણી થવાની છે જ્યારે બાકીનાં રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર થઈ ગયો છે તેથી તેની વાત કરવાનો મતલબ નથી પણ ટૂંકમાં અત્યારથી જ દેશનાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ચરખો ફરવો શરૂ થઈ ગયો છે ને હવે બે મહિના લગી પાંચેય રાજ્યોમાં ચૂંટણીની ધમાધમી ચાલશે.
આમ તો ચૂંટણી પંચે ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી એ વખતે જ પંચે સત્તાવાર રીતે જ ચોખવટ કરી નાખેલી કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નક્કી કરેલા સમયે જ યોજાશે ને તેમાં ફેરફાર કરવાનો કે મોકૂફ રાખવાનો સવાલ જ પેદા થતો નથી. કોરોનાના કેસ વધવા માંડ્યા તેથી ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાની માગ શરૂ થયેલી. તેને અનુલક્ષીને ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરવા ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાની જાહેરાત કરેલી. એ જાહેરાતના સંદર્ભમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરની આગેવાનીમાં પંચના કારભારીઓએ ગયા ગુરૂવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી. આ મુલાકાત પછી ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કરેલું કે, દરેક રાજકીય પક્ષે ચૂંટણી નક્કી કરેલા સમયે જ કરવામાં આવે એવી માગણી કરી હતી તેથી અમે એ માગણી સ્વીકારી છે.
ચૂંટણી પંચે એ વખતે જ ચૂંટણી યોજાશે એવું કહી દીધેલું તેથી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતથી કોઈને બહુ આશ્ર્ચર્ય થયું નથી પણ પંચે કોરોના હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય પરનો ખતરો ટાળવા કોઈ પગલાં લીધાં નથી એ ચોક્કસ આઘાતજનક છે. પંચે એ વખતે ખાતરી આપી હતી કે, ચૂંટણી ભલે યોજાય પણ અમે કોવિડ પ્રોટોકલનું સંપૂર્ણ પાલન થાય એ જોઈશું જ તેથી ચિંતા ના કરતાં. પંચનું કહેવું હતું કે, અમે સરકારી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને તેમને કોવિડ પ્રોટોકોલ વિશે માહિતી આપી છે. સરકાર અને રાજકીય પક્ષો બંનેએ ખાતરી આપી છે કે, અમે કોવિડ પ્રોટોકલનું પાલન કરીશું જ.
આપણા રાજકારણીઓ લોકોને જ્ઞાન આપવામાં શૂરા છે ને પોતે કોઈ વાતનું પાલન કરવામાં માનતા નથી. આ સંજોગોમાં તેમણે આપેલી ખાતરીનો કોઈ મતલબ નથી એ કહેવાની જરૂર નથી પણ લોકોને એવું હતું કે, ચૂંટણી પંચ કશુંક જરૂર કરશે.
ચીફ ઈલેક્શન કમિશનર ચંદ્રાએ એવી ગોળી ગળાવી હતી કે, કોરોનાનો કેર વધી રહ્યો છે તેથી રાજકીય પક્ષોની સભા અને રેલીઓમાં ઉમટતાં લોકોની સંખ્યા સીમિત કરવા પણ અમે વિચારી રહ્યા છીએ. પોતાની વાતને વળગી રહ્યા છીએ એવું લાગે ને ચૂંટણી પંચને લોકોની બહુ પરવા છે એવો દેખાવ કરવા ચંદ્રાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરાશે એવી શેખી મારીને કેટલાંક પગલાં જાહેર કર્યાં છે. અલબત્ત આ પગલાંમાં કોઈ જ ભલી વાર નથી ને તેનાથી કોરોનાનો ચેપ રોકાવાનો નથી જ.
ચૂંટણી પંચે પદયાત્રા, રોડ શો, સાઈકલ રેલી, શેરી સભા વગેરે પર પ્રતિબંધ મૂક્યો છે પણ ચૂંટણી સભા પર પ્રતિબંધ નથી મૂક્યો. ચૂંટણી સભાઓમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસીતૈસી થતી હોય છે ને લોકોની ભીડ જામતી હોય છે તેથી કોરોના ફેલાવાનો સૌથી વધારે ખતરો સભાઓમાં હોય છે. ચૂંટણી પંચે એ ખતરાને ટાળવા કશું કર્યું નથી ને દરવાજા ખુલ્લા ને ખાળે ડૂચા જેવો ઘાટ કરી દીધો છે. સૌથી હાસ્યાસ્પદ વાત તો એ છે કે, આ નિયંત્રણો પણ પાછાં 15 જાન્યુઆરી લગી જ લગાવાયાં છે. 15 જાન્યુઆરી પછી જાણે કોરોના જતો રહેવાનો હોય એ રીતે એ પછી બધી છૂટ આપી દેવાઈ છે. એ પછી રાજકારણીઓને જે કરવું હોય એ કરવાની છૂટ રહેશે ને તેનું શું પરિણામ આવશે એ કહેવાની જરૂર નથી.
આ જાહેરાતો દ્વારા ચૂંટણી પંચે ફરી સાબિત કર્યું છે કે, એ સત્તામાં બેઠેલા લોકોની કઠપૂતળી છે ને સ્વાયત્ત બનીને વર્તવાની તેનામાં તાકાત જ નથી. ચૂંટણી પંચને સત્તાવાર રીતે સ્વાયત્ત બનાવાયું પણ તેમાં માનસિક ગુલામી હોય એવા લોકોને જ બેસાડાય છે. તેમનો મિજાજ સ્વાયત્તતાનો હોતો નથી ને સત્તાધારી પક્ષના આંગળિયાત હોય છે તેથી પોતાને સરકારી ચિઠ્ઠીના ચાકર માનીને વર્તવામાં જ માને છે. અત્યારે પણ એ લોકો એ રીતે જ વર્ત્યા છે ને લોકોનાં હિતની પરવા કર્યા વિના રાજકારણીઓના સ્વાર્થને શરણે ગયા છે.
રાજકારણીઓ તો પહેલાંથી ચૂંટણી લડવા થનગને છે. ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષો પહેલેથી ચૂંટણી યોજવાની તરફેણમાં હતા જ પણ પંચે ધાર્યું હોત તો ચૂંટણી મોકૂફ રાખી શક્યું હોત. અત્યારે દેશભરમાં એપિડેમિક એક્ટ અમલમાં છે તેથી તેને આધાર બનાવીને પંચ હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવાનો તખ્તો પણ તૈયાર હોત. ચૂંટણી પણ કંઈ બાર મહિના માટે મોકૂફ રાખવાની નહોતી. કોરોના કાબૂમાં આવે ત્યાં લગી રાહ જોવાની હતી. માનો કે ત્યાં લગી રાહ જોઈ શકાય એમ નહોતી તો ચૂંટણી પ્રચાર પર તો આકરાં નિયંત્રણ લગાવી જ શકાયાં હોત પણ પંચ એ પણ કરી શક્યું નથી. પંચે સત્તાભૂખ્યા રાજકારણીઓ સામે શરણાગતિ સ્વીકારીને લોકોને તેમની દયા પર છોડી દીધા છે. સામાન્ય પ્રજાનો ફાયદો કરવાના બદલે પોતાના આકાઓનો ફાયદો જોઈને પંચમાં બેઠેલા લોકોએ બહુ ખરાબ કર્યું છે. ચૂંટણી ચાર-છ મહિના મોડી થાય તો તેમાં આભ તૂટી પડવાનું નહોતું પણ રાજકારણીઓ એટલી રાહ જોવા તૈયાર નહોતા ને પંચે તેમની સામે ઘૂંટણ ટેકવ્યાં છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતથી હવે કોરોના વકરવાનો ખતરો અનેક ગણો વધી ગયો છે. લોકો ચૂંટણી સભાઓમાં નહીં જઈને કે પ્રચારમાં જોડાઈને આ ખતરાને ઓછો કરી શકે પણ સંપૂર્ણ ટાળી નહીં શકે. તેનું કારણ એ કે, લોકો સભાઓમાં નહીં જાય તો રાજકારણીઓ તેમની પાસે જશે. ઘેર-ઘેર ફરીને પ્રચાર કરશે ને તેમાં તો કોરોના ફેલાવાનો ખતરો વધારે છે. ટૂંકમાં ગમે તે કરો, લોકોનો મરો નક્કી છે.