કોરોનાનું ગણિત પલટો મારી રહ્યું છે. અમેરિકા અને યુરોપની આંખો પણ હવે ભીંજાવા લાગી છે. કોરોનાએ પશ્ચિમી દેશો તરફ છાને પગલે એકડે એકથી નવી સફર ચાલુ કરી દીધી છે. ભલે એ વીતેલા વરસ જેવી ભયાનક અત્યારે ન લાગે પણ એની ગતિ તો એ પ્રકારની જ છે. વૈજ્ઞાનિકોએ બ્રિટન માટે બહુ દુ:ખદ સંકેતો આપેલા છે જેનો સારાંશ એવો પણ થાય કે એક વરસ પછી દુનિયાના દરિદ્ર દેશોની યાદીમાં બ્રિટન હશે. છેલ્લા એક દાયકાથી પોતાના સુવર્ણ યુગમાં પ્રવેશીને સાતમા આસમાને ઉડી રહેલા વિમાન અને પ્રવાસન ઉદ્યોગના પતન અને પુનરુત્થાન પછી હવે ફરી એમાં સ્થગિતતાનો એલાર્મ વાગી રહ્યો છે. જેવું ગયા વરસ જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં થતું હતું એવું જ જાણે કે થતું હોય એમ છેલ્લા એક સપ્તાહમાં દુનિયાની સંખ્યાબંધ કોર્પોરેટ જાયન્ટ કંપનીઓએ અનેક કોન્ફરન્સ રદ કરી છે. એને કારણે એર ટિકિટોના કેન્સેલેશનનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ કોરોના કેસ વધતા ઔદ્યોગિક સેક્ટર ચિંતામાં મૂકાયું છે.
કોરોના હવે તડકા-છાંયા જેમ દેખાય છે. ઉજાસની જેમ ઘડીક વધે ને ઘડીક ઘટે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઈકાલે એ કડવા સત્યનો ઉચ્ચાર કર્યો કે બહુધા દેશો હજુ કોરોનાના નવા રાઉન્ડ સામે લડવા માટે સજ્જ નથી અને એમનામાં આવનારી આપત્તિ તરફની ગંભીરતા પણ નથી. બધા હજુ એમ જ માનીને ચાલે છે કે વેક્સિન એક મેજિક ઉપાય છે. વિશ્વનેતાઓ અને દેશનેતાઓ રાજકીય પ્રવૃત્તિઓમાં પડ્યા છે ત્યારે કોરોના પાછલે દરવાજેથી ફરી ક્યારે પોતાનું સામ્રાજ્ય વિસ્તારી દે એ નક્કી નથી. કારણ કે વેક્સિનેશન એક બહુ જ લાંબી પ્રક્રિયા છે અને એટલો સમય કોરોના આપે એવું લાગતું નથી એટલે કે કોરોનાની પ્રસાર ક્ષમતા અને ચેપગ્રસ્તતા મેક-વન, મેક-ટુ જેવી ઝડપી છે.
અમેરિકાનું કેલિફોર્નિયા સ્ટેટ સ્વાયત્ત રીતે જુઓ તો ખુદ અમેરિકાથી દસ કદમ એડવાન્સ છે. પરંતુ ઈન્ફોટેકનોલોજીના નિષ્ણાતોના વિશાળ સમુદાય અને સિલિકોન વેલીને કારણે એ ઓછો રાષ્ટ્રીય અને અધિક આંતરરાષ્ટ્રીય પ્રદેશ કહેવાય છે. એ જ કારણથી સૌથી વધુ જોખમ પણ કેલિફોર્નિયા પર છે. ગઈ પંદરમી ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરી દરમિયાનના એક મહિનામાં કેલિફોર્નિયાએ રોજના પચાસ હજાર નવા કોરોના કેસની બૂમ અને બૂમાબૂમ જોઈ છે. આ પૂરા થયેલા ફેબ્રુઆરીમાં કેલિફોર્નિયા સ્ટેટ સત્તાતંત્રના અથાક પ્રયત્નોથી એ એવરેજ હવે રોજના પાંચ હજાર કેસ સુધી નીચે આવી છે. જે પણ ઓછી તો નથી જ.
કોરોના વાયરસની પુન: આટલી ઊંચા દરની ઉપસ્થિતિ રજિસ્ટર્ડ થતા અમેરિકાને બહુ મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન શેરબજારે ગોથા ખાવાની શરૂઆત કરી છે. છેલ્લા સપ્તાહમાં અમેરિકન પ્રભાવમાં જ ચોપાટીના ખારા જળમાં અનેક સ્ટોક પલળી ગયા જેના હવે કોઈ લેવાલ નથી. એક તો મંદી ને એમાં મંદીનો મુકુટ થઈ આવેલો કોરોના – એટલે જરાક ચૂક કરનારા રોકાણકારોએ વારંવાર ઊંડી ખીણમાં લપસી પડવાનું જોખમ તો રહેવાનું જ છે. ચેતતા રોકાણકાર મહત્ સુખી પણ બેહોશ રહે એના તો નળિયા વેચાઈ જવાના છે.
તાઈવાન કે જેને ચીન હંમેશા ચીની ગણરાજ્ય તરીકે ઓળખાવે છે અને તાઈવાન પોતે ચીન સાથે કોઈ જ સંબંધ ધરાવતું નથી એવી સ્પષ્ટતા કરતું રહ્યું છે અને ચીન-તાઈવાન યુદ્ધ એ પૂર્વ એશિયાની એક અનિવાર્ય ભાવિ સં-ઘટના છે ત્યારે ચીનના સંકટકાળનો સદુપયોગ કરીને તાઈવાન સરકારે રાતોરાત ભારત સાથે ગાઢ સંબંધો વિકસાવીને નવા વ્યાપારની શરૂઆત કરી દીધી છે. ભારતે ચીનશત્રુ તાઈવાનને ટેકનોલોજિકલ કાચો માલ અને અન્ય ઈજનેરી સામગ્રીના મોટા ઓર્ડર પણ આપી દીધા છે. આ સરકારી ખરીદી છે પણ એને અનુસરીને ભારતીય વેપારીઓ તાઈવાનમાંથી ગંજાવર માલસામાન ઉઠાવશે. ભારતને આકર્ષવા માટે તાઈવાને નહિ નફો નહિ નુકસાન જેવા ભાવપત્રકો તરતા કર્યા છે. ચીનની તિજોરીને લૂણો લગાડવાનો આ મોકો તાઈવાન ચૂકે એમ નથી અને ભારતના વાણિજ્ય તથા વિદેશ મંત્રાલય માટે આ એક વ્યૂહાત્મક ખેલ છે.
મેડિકલ સંલગ્ન બાબતમાં અત્યંત વિશ્વસનીય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શરૂઆતમાં તો નોવેલ કોરોના વાયરસના વૈશ્વિક ઉત્પાત માટે ’રોગચાળો’ શબ્દ વાપરતી ન હતી. નોવેલ કોરોના વાયરસથી ઉભી થયેલી પરિસ્થિતિ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા ત્યારે ’વિશ્વમાં અમુક ઠેકાણે પ્રસરેલી રોગજન્ય પરિસ્થિતિ’ એવી ભાષા વાપરતી હતી. સ્પેન, ક્રોએશિયા, ઇટાલી, અમેરિકા, આફ્રિકા બધે જ ફેલાઈ ગયેલા વાયરસની આગેકૂચ અટકાવવી જ્યારે એને અસંભવ લાગી ત્યારે એણે પેનડેમિક પરિભાષાની શરૂઆત કરી. તત્કાલીન અમેરિકી વડા ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક રાજકીય અને રાજદ્વારી માણસોની એવી શેખચલ્લી છાપ આશા હતી કે કોરોના ચાઇનાની સરહદ નહીં ઓળંગે. પણ એ આશા ઠગારી નીવડી કોરોનાએ વિશ્વવ્યાપ્ત હાહાકાર મચાવ્યો. પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવામાં અને આગમચેતક પગલાઓ લેવામાં માણસજાત હવે કંઈ બહુ હોશિયાર રહી નથી. જેને ભાવિનો અણસાર પારખતા આવડે એવા રાજનેતાઓ પણ દુનિયામાં વિરલ છે. બ્રિટન જે ફરીવાર કોરોનામાં ફસાયું છે એમાં એના રાજકીય નેતૃત્વનો વાંક છે.
કોરોનાની વણથંભી દહેશત કઈ રીતે રોકાય એ સવાલ છે. સિંગાપોરના વિજ્ઞાનીઓ એની રીતે પ્રયાસ કરી રહ્યા છે અને એન્ટીબોડીથી કોરોના વાયરસને શરીરમાં ટ્રેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિજ્ઞાનીઓનું એક જૂથ એવું માને છે કે દરેક વાયરસનો એક સેચ્યુરેશન પોઇન્ટ હોય છે અર્થાત કોઈ એક નિશ્ચિત આંકડા સુધી તે પોતાના શિકાર બનાવે જ અને પછી આપોઆપ એનો આતંક શમવા લાગે. હમણાં સુધી તો તેઓ એમ માનતા હતા કે એ પોઈન્ટ આવી ગયો છે અને કોરોના હવે ફરી માથું ઊંચકશે નહિ. એક ભીતિ એવી પણ છે કે કોરોના વાયરસ જ્યાં સુધી શ્વસનતંત્રના સામાન્ય રોગોની સૂચિમાં સ્થાન નહીં મેળવે ત્યાં સુધી એ ભોગ લેશે જ. સ્પેન સહિતના યુરોપીય દેશોએ કોરોનાને હવે ફ્લુ જેવો રોગ કે તાવ જાહેર કરેલો છે. જેનો આપણે વેક્સિન તરીકે ઉપયોગ શરૂ કર્યો છે એનો જ ભવિષ્યમાં થોડાક મોડિફિકેશન સાથે દવા તરીકે ઉપયોગ કરવાનો થશે.
કોરોના વાયરસનો ઇન્કયૂબેશન પિરિયડ લાંબો છે એટલે કે દૂષિત સપાટી પર તે બીજા વાયરસની સરખામણીમાં લાંબો સમય જીવિત રહી શકે. તેની આ લાક્ષણિકતાને કારણે તેના ચેપીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયા કરે છે. ચીન યમદૂતના આ સ્વરૂપને પોતાની સીમામાં કેદ કરી શક્યું ને કાલે સવારે એ આ વિશ્વના ક્યા ક્યા વધુ નવા દેશોમાં હજુ પણ નવેસરનો હાહાકાર મચાવશે એ નક્કી નથી. આતંકવાદ જેવી જ એક નવી કાયમી અનિશ્ચિતતાની તલવાર માનવજાત પર લટકવા લાગી છે. કારણ કે વેક્સિનમાં એક પછી એક દેશ સંશોધનમાં કે આયાતમાં સફળ નીવડવા લાગ્યા છે છતાં વાયરસનો પોતાનો અંતકાળ હજુ આગાહીથી પર છે અને એ પણ એક સંકટ છે.