કોરોનાને કારણે આ વખતે ગિરનારની લીલી પરિક્રમા નહીં યોજાય

જૂનાગઢ,
આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. દિવાળીના તહેવાર માટે પણ સરકારે ખાસ ગાઇડલાઈન બહાર પાડી હતી. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે ૧૦ લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે.
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગિરનારને કેન્દ્રમાં રાખીને તેની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એક મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન અને બીજું ગિરનારની લીલી પરિક્રમા વખતે.
લીલી પરિક્રમા કરીને પુણ્યનું ભાથું મેળવવા માટે ગુજરાતનાં લગભગ તમામ શહેરો અને ગામડાંઓમાંથી દર વર્ષે જૂનાગઢ ખાતે કીડીયારાની જેમ ઉભરાય છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુંઓથી ભરાયેલી હોય છે. જોકે, આ વર્ષે લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીએમ મોદૃી તરફથી ગુજરાતના લોકોને ગીરનાર ખાતે રોપ-વેની ભેટ આપવામાં આવી હતી. જે બાદમાં જૂનાગઢની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. રોપ-વેના ખાસ આકર્ષણને કારણે પણ આ વર્ષે અનેક લોકોએ લીલી પરિક્રમામાં જવાનું નક્કી કર્યું હતું. જોકે, તંત્રના આદેશ બાદ હવે આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજાય.