થોડા સમયની શાંતિ પછી કોરોનાનો કેર પાછો વર્તાવા માંડ્યો છે ને દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી ગયો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કોરોનાના કેસો વધી રહ્યા છે એવા રાજ્યોમાં કેન્દ્રની કહેવાતી હાઈ-લેવલની ટીમો મોકલવા માંડી છે. પહેલા તબક્કામાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મણિપુર અને રાજસ્થાન એ પાંચ રાજ્યોમાં ત્રણ-ત્રણ સભ્યોની ટીમો મોકલી હતી. આ ટીમો હજુ જે તે રાજ્યોમાં જ છે ત્યાં હવે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ આવી કહેવાતી હાઈ લેવલની ટીમ મોકલવાનું નક્કી કરી દેવાયું છે. મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું છે કે, આ રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે એટલે કેન્દ્રની ટીમ મોકલવી પડે છે.
આરોગ્ય મંત્રાલયે એવો દાવો પણ કર્યો છે કે, કોરોનાના કેસોમાં વધારો થયો તેના કારણે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સામે કોરોનામાંથી સાજા થઈ રહેલા કેસોનો આંકડો બહુ મોટો છે ને લગભગ પંચાણુ ટકા લોકો સાજા થઈ રહ્યા છે. દેશનાં દસેક રાજ્યોમાં ને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ કેસો વધી રહ્યા છે, બાકી બીજે બધે તો બધું હેમખેમ છે. ને પોતાની વાત સાબિત કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સ્થિતિ શું છે તેના ઢગલો આંકડા પણ આપ્યા છે. આ આંકડાની વાતમાં પડવા જેવું નથી કેમ કે સરકાર જે આંકડા આપે છે તેમાં ને વાસ્તવિક સ્થિતિમાં આભ-જમીનનો ફરક હોય છે. ને વાસ્તવિકતા એ છે કે, કોરોનાના કેસો પાછા વધવા માંડ્યા છે ને લોકોની હાલત બગડવા માંડી છે. એ સિવાય મોદી સરકાર એક પછી એક રાજ્યોમાં કેન્દ્રની ટીમો શું કરવા મોકલે?
કોરોનાનો ચેપ રોકવા માટે લોકડાઉન લદાયું ને ત્રણ મહિના લોકોએ ઘરોમાં પૂરાઈ રહેવું પડ્યું પછી જેવી છૂટ મળી કે લોકો કોરોના હોય જ નહીં એ રીતે વર્તવા માંડ્યાં તેનું આ પરિણામ છે. કોરોનાના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ હતી તેથી જેમને ખાવાનાં પણ સાંસા થઈ ગયેલાં એવાં લોકો બહાર નિકળે એ સમજી શકાય પણ આપણે ત્યાં તો જેમને બહાર કંઈ કામ ધંધો નહોતો એવા લોકો પણ મહાલવા નિકળી પડ્યાં તેમાં કોરોનાનો ચેપ લાગવાનો સિલસિલો શરૂ થઈ ગયો. દિવાળીના તહેવારોમાં તો લોકો જે રીતે બહાર નિકળી પડેલાં એ જોઈને હૃદય બેસી જાય એવી હાલત હતી. કોરોનાનો ચેપ ન લાગે એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ને એવી બધી ડાહી ડાહી વાતોનું ચૂરણ કરીને લોકો ચાટી ગયેલાં. તહેવારો ટાણે બજારોમાં હૈયે હૈયું દળાય એટલી ભીડ હતી. કોરોના સ્પર્શથી ફેલાય છે એ વાતની ખબર હોવા છતાં લોકો એકબીજાને બિંદાસ ઘસાઈને નિકળતાં ને જાણે કોઈ ડર જ ના હોય એ રીતે વર્તતાં હતાં તેમાં કોરોના વકરી ગયો.
સ્વાભાવિક રીતે જ આ સ્થિતિ માટે લોકો વધારે જવાબદાર છે કેમ કે લોકો સંયમથી નથી વર્ત્યાં ને કોરોનાથી બચવાના સાદા નિયમોનું પણ તેમણે પાલન ના કર્યુ. તેનો ભોગ નિર્દોષ લોકો પણ બની રહ્યાં છે કેમ કે કોરોના કોણ જાણી જઈને બહાર નિકળ્યું ને કોનો બહાર નિકળ્યા વિના છૂટકો નહોતો એ જોઈને કોઈને લપેટમાં નથી લેતો. જે પણ બહાર નિકળ્યો ને જ્યાં ત્યાં અડક્યો એ ગયો. કોરોનાના કેસોમાં ઉછાળા માટે આ પરિબળ સૌથી વધારે જવાબદાર છે. આપડા નેતાઓ વાત અલગ કરે છે ને વર્તે છે અલગ રીતે. તેના કારણે પણ લોકો ભરમાઈ ગયાં.
જ્યાં પણ ભીડ જામે ત્યાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે એ સાદું સત્ય છે. આ કારણે ભીડ ભેગી કરવામાં જરાય મજા જ નથી. આ કારણે મોદી સરકાર લોકોને ભીડ એકઠી નહીં કરવા કહ્યા કરે છે પણ જેવી ચૂંટણી આવી કે મોદી સરકારે ગુલાંટ લગાવી દીધી. મોદી સરકારે પોતાની પહેલાંની ગાઈડલાઈન સુધારીને રાજકીય પક્ષોને સભાઓ અને રેલીઓની મંજૂરી આપી દીધી. મોદી સરકારે પહેલાં સભા કે રેલીમાં સો કરતાં માણસોને હાજર રાખવા સામે મનાઈ ફરમાવેલી. મોદી સરકારનું કહેવું હતું કે, રાજકીય કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં માણસો એકઠાં થાય તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધી જાય છે તેથી સો કરતાં વધારે લોકોની ભીડ એકઠી કરવાની મંજૂરી નહીં મળે.
બિહાર વિધાનસભા તથા બીજા રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણી આવી એટલે બધું બદલાઈ ગયું. મોદી સરકારે રેલી કે સભામાં જેટલાં માણસોને બોલાવવાં હોય એટલાં માણસોને બોલાવાની છૂટ આપી દીધી ને બધું ખોલી નાંખ્યું. ઉમેદવારે સભા કરવી હોય તો સભા કરે ને રેલી કરવી હોય તો રેલી કરે. જે કરવું હોય એ કરો. મોદી સહિતના નેતાઓએ પોતે પણ ચૂંટણી સભાઓ ને રેલીઓ કરી. આ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકોને ઠાલવીને શક્તિપ્રદર્શન કરાયાં. ઠેર ઠેર સરઘસ નિકળ્યાં ને જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ દેખાવા માંડી. ચૂંટણી સભાઓ ને રેલીઓમાં હાજર રહેવાના રોકડા મળતા હોય છે ને માલમલિદા પણ મળે છે તેથી ઘણાંએ રોકડી કરી લીધી.
ગુજરાતમાં તો વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ તેના થોડા દિવસો પહેલાં સી.આર. પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાયેલા. પાટીલ નવાસવા પ્રમુખ બનેલા તેથી પોતાનો વટ બતાવવા આખા ગુજરાતમાં નિકળી પડેલા. તેમને પોંખવા ને તેમની નજરમાં વસવા માટે ભાજપીયાઓમાં પણ હોડ જામેલી તેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં. ઠેર ઠેર રેલીઓ થઈ ને તાનમાં આવી ગયેલા લોકોએ ગરબા પણ ગાયા. સોશિયલ ડિસ્ટન્સિંગની તો ઐસી કી તૈસી કરી દેવાઈ ને સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કશું કરતી નહોતી તેથી મોકળું મેદાન મળી ગયું.
નેતાઓ આ રીતે વર્તતા હતા તેના કારણે સામાન્ય લોકોને એવું લાગ્યું કે, હવે કોરોનાનો ખતરો જતો રહ્યો છે તેથી મનફાવે એ રીતે ફરવામાં વાંધો નથી. મોદી સહિતના નેતાઓએ લોકો સામે એક આદર્શ મૂકવાની જરૂર હતી. કોરોનાનો ખતરો ગયો નથી એવી વાતો મોદી કર્યા કરતા હતા, બલ્કે હજુ કર્યા કરે છે. કોરોના સામે લડવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું જરૂરી છે એવું જ્ઞાન મોદી આપ્યા કરે છે પણ એ જ્ઞાન પ્રમાણે વર્તવાની જરૂર હતી ત્યારે નેતાઓ પાણીમાં બેસી ગયા. મોદી સરકારે તહેવારોની ઉજવણીમાં કડક વલણ બતાવેલું ને લોકોને ઘરોમાં પૂરાઈ રહેવાની ફરજ પાડેલી. કમનસીબે રાજકીય સ્વાર્થના કારણે ચૂંટણીમાં એ એ રીતે ના વર્ત્યા તેમાં આ નવી કઠણાઈ મંડાઈ છે. લોકોએ એ સમયે સમજદારી બતાવી હોત ને રેલી-સભાઓથી દૂર રહ્યાં હોત તો પણ આ સ્થિતિ ન હોત પણ યથા રાજા તથા પ્રજા એ હિસાબે લોકો પણ બેવકૂફની જેમ વર્ત્યાં તેમાં આ તકલીફ થઈ ગઈ છે.
આ તકલીફનો એક જ ઉપાય છે. લોકો સમજદાર બને ને ઘરોમાં પૂરાઈ રહે. કામ માટે ઘર બહાર નિકળવું જરૂરી છે પણ એ સિવાય ખાલી ટાઈમ પાસ કરવા કે સોશિયલાઈઝિંગ માટે બહાર નિકળવાની જરૂર નથી. લોકોએ એ પણ સમજવાની જરૂર છે કે, ભારતમાં રાજકારણીઓ સામે જોઈને કશું ન થાય. રાજકારણીઓની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી છે. એ લોકો એમ જ માનીને વર્તે છે કે, આપણે તો બધા કાયદા ને નિયમોથી પર છીએ ને જે કંઈ કરવાનું હોય એ સામાન્ય લોકોએ કરવાનું હોય. આપણે શાના નિયમો ને કાયદા પાળવાના હોય? આ માનસિકતાના કારણે એ લોકો સામાન્ય પ્રજાજનોને આફરો ચડી જાય એ હદે જ્ઞાનનો ડોઝ આપ્યા જ કરે છે ને પોતે જ એ જ્ઞાનનો અમલ કરતા નથી. એ લોકો જે કરે એ પણ આપણે તેમના વાદે ના ચડાય. બાકી કોરોનામાં ક્યારે આપણી ટિકિટ ફાટી જાય એ નક્કી નહીં.