કોરોનામાં સિમ્સ હોસ્પિટલે દર્દીઓને લૂંટ્યા: માનવ અધિકાર પંચે એએમસી પાસે રિપોર્ટ માગ્યો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે સિમ્સ હોસ્પિટલને કોવિડ-૧૯ ડિઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી પણ છસ્ઝ્રના ક્વોટાના બેડમાં સારવાર લઇ રહેલાં પાંચ દર્દીઓની સારવાર બાદ સિમ્સ હોસ્પિટલે દર્દીઓ પાસે વધુ રૂપિયા વસુલ્યાની ફરિયાદો સામે આવી હતી જે પૈકી પાંચ ફરિયાદો થઇ હતી પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને એક કિસ્સામાં સિમ્સ હોસ્પિટલને પાંચ લાખનો દંડ કર્યો હતો જ્યારે ચાર કિસ્સામાં કોઇ કાર્યવાહી કરી ન હતી.

આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચે સંજ્ઞાન લીધું છે અને અમદાવાદ મ્યુનિ.કમિશનરને પત્ર લખીને આ સમગ્ર પ્રકરણમાં અહેવાલ સબમીટ કરવાનો આદેશ કર્યો છે. અમદાવાદના ર્ધિમષ્ઠાબહેને કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી કે, તેઓ તા.૧૪ જુનથી ૧૮ જુન ૨૦૨૦ દરમિયાન કોરોનાની સારવાર લેવા માટે સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા પણ સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અનૈતિક રીતે વધુ પૈસા પડાવ્યા હતા. તેમણે ૩૯,૯૦૦ જેટલી રકમ વધુ વસુલી હોવાની ફરિયાદ કરી હતી.

શાલિન શાહ નામના દર્દીએ તા.૨૭-૧૦-૨૦૨૦ના રોજ ઇ-મેઇલથી ડે. મ્યુનિ.કમિશનર ડો. ઓમપ્રકાશને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતુ કે, દર્દીપાસે મેડિક્લેમ હતો અને તેમણે સિમ્સ હોસ્પિટલમાં ખાનગી ક્વોટાના બેડ ઉપર કોરોનાની સારવાર લીધી હતી જેમાં તેઓની મેડિક્લેમની વીમા કંપની દ્વારા સિમ્સ હોસ્પિટલને ચૂકવેલા નાણાંમાં રૂ.૬૫,૦૨૪ ઓછા ચૂકવ્યા હતા. ચાર કિસ્સામાં શું કાર્યવાહી કરાઇ તે અંગે માનવ અધિકાર પંચે કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે.