કોરોનાયુગમાં ઊંટવૈદ્યોએ તરતા મૂકેલા નુસખાઓથી બહુ સાવધ રહેવું જરૂરી

હમણાંથી થોડોક સુધારો થયો છે ને બીજી લહેર પારોઠના પગલા ભરે છે પણ એ સિવાય સરેરાશ તો કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે ને લોકો જોત જોતામાં તો ઉપર પહોંચી જાય એવી હાલત છે. આપણે આ લડાઈ કઈ રીતે જીતશું તે કોઈને ખબર પડતી નથી ત્યારે ગયા વરસની જેમ પાછા કેટલાક ઉંટવૈદો મેદાનમાં આવ્યા છે. આ લોકો નાના-મોટા નુસખા તો વહેતા કર્યા જ કરે છે પણ છેલ્લા બે-ત્રણ દિવસથી એક નવી વાત વહેતી કરાઈ છે કે, અઠવાડિયામાં એક દિવસ ગૌશાળામાં જઈને ગોબર આખા શરીર પર લગાવો ને ગૌમૂત્ર પી નાંખો તો કોરોના તમારું કશું ઉખાડી ના શકે. શરીરે ગોબર લગાવો ને ગૌમૂત્ર પી નાંખો એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ યાને કે ઈમ્યુનિટી એટલી જોરદાર થઈ જાય કે, કોરોનાનો વાઈરસ તમારા શરીરમાં ઘૂસવાની વાત તો છોડો પણ તમારી નજીક ફરકી પણ ના શકે એવા દાવ થઈ રહ્યા છે. કેટલાક અતિ ઉત્સાહી લોકો ગૌશાળામાં જઈને માત્ર જાંગિયાભેર ખુલ્લા શરીર પર ગોબર લગાવીને ફરતા હોય એવા વીડિયો પણ વાયરલ થયા છે.
આ વીડિયો સામે મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આ રવાડે ન ચડતા નહિંતર ઉલમાંથી ચૂલમાં પડી જશો. કોરોના જવાની વાત તો બાજુમાં રહી જશે પણ બીજા કોઈ નવા રોગનો ભોગ બની જશો તો કોઈ ડોક્ટર હાથ પકડવા પણ તૈયાર નહીં થાય. ડોક્ટરોના મતે, ગોબરમાં ફલાણું છે ને ઢીંકણું છે એવી વાતો વરસોથી થાય છે પણ તેના પુરાવા નથી. ગોબર ગાયનું મળ છે. મળ એ શરીરમાંથી નિકળેલો કચરો છે તેથી તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે એવી પણ ડોક્ટરોની સલાહ છે. હિંદુઓમાં ગાય પવિત્ર મનાય છે તેથી ઘણા માટે ગોબર ને ગૌમૂત્ર શ્રધ્ધાનો વિષય છે. તેમની શ્રધ્ધા સામે આપણને વાંધો નથી પણ કોરોના બહુ ખતરનાક છે તેથી શ્રધ્ધાના બદલે સાયન્સ પર ભરોસો કરીને આ બધાથી દૂર રહેવામાં શાણપણ છે.
આપણે કોરોના સામે લડવા માટે ગોબર કે ગૌમૂત્ર જેવી ચીજોથી જ દૂર રહેવાની જરૂર નથી પણ એલોપથી સિવાયની કોઈ પણ સારવાર પદ્ધતિથી પણ દૂર રહેવાની જરૂર છે. આપણે ત્યાં એક મોટો વર્ગ એવો છે કે જેની પિન આયુર્વેદ ને યોગ પર ચોંટેલી છે. કોઈ પણ રોગની વાત નીકળે એટલે એ લોકો મચી જ પડે કે, આપણા વડવા બહુ પહેલાં જ આ રોગનો ઈલાજ શોધીને ગયેલા ને આયુર્વેદ તથા યોગ આ રોગ સામે સૌથી અક્સીર છે. તકલીફ એ છે કે, આ વાજું વગાડનારા નમૂના આપણે કેન્દ્ર સરકારમાં પણ બેઠેલા છે ને રાજ્ય સરકારોમાં પણ છે. એ બધા પણ મચી પડે છે, બલકે અત્યારે મચેલા જ છે પણ તેમની વાતમાં આવતા નહીં, બાકી તમારા સ્વજનને ખોવાનો વારો આવશે.
આયુર્વેદ ને યોગ કેટલાં અક્સીર છે તેની પારાયણ આપણે નથી કરવી પણ કોરોના સામે એ ન ચાલે એ વાસ્તવિકતા છે ને આ વાત ડોક્ટરો કહી ચૂક્યા છે. ગયા વરસે કોરોનાએ કાળો કેર વર્તાવેલો ત્યારે આયુર્વેદ ને યોગની મદદથી કોરોના ચપટી વગાડતાં મટી જાય એવી વારતાઓ બહુ ચાલેલી. એ વખતે સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના મહામારીની સારવાર માટે જે નવો પ્રોટોકલ જાહેર કર્યો તેમાં સત્તાવાર રીતે આયુર્વેદ અને યોગનો સમાવેશ કર્યો હતો. આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ નામે આખું અલગ પ્રકરણ તેમાં હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પોતે કોવિડ- 19ના મેડિકલ મેનેજમેન્ટ માટે આયુર્વેદિક ઔષધિઓ અને યોગ આધારિત પ્રોટોકલ જાહેર કરીને કહેલું કે, રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો આયુર્વેદની મદદથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે. હર્ષવર્ધન દ્વારા દાવો કરાયેલો કે, આયુર્વેદ તથા યોગ મારફતે ઈમ્યુનિટી વધારી શકાય છે તેથી યોગ-આયુર્વેદનો સત્તાવાર રીતે કોરોના સામે લડવા માટેની સારવારમાં સમાવેશ કરાયો છે. પ્રોટોકલમાં કોરોના વાઈરસ સંક્રમણને રોકવા, હળવા લક્ષણો હોય તેવાં દર્દીઓને તથા લક્ષણ ન હોય પણ કોરોના થયો હોય તેવા કેસોની સારવાર માટે અશ્વગંધા અને આયુષ – 64 જેવી ઔષધિઓ લેવાની સલાહ અપાઈ હતી.
આ સિવાય લોકોને અશ્ર્વગંધા, ગુડુચી, પીપ્પલી વગેરેનું સેવન કરવાની, ગુડુચી ઘનવટી અને ચ્યવનપ્રાશ જેવી ચીજોના ઉપયોગની સલાહ અપાઈ હતી જ્યારે વધુ જોખમવાળા લોકો અને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની સારવાર માટે અશ્વગંધા, જેવી ઔષધિઓના ઉપયોગનું સૂચન કરાયું હતી. આ સિવાય બીજી પણ ઘણી સલાહોનો મારો ચલાવાયો હતો. આ સલાહોનો ટૂંક સાર એ હતો કે, યોગ અને આયુર્વેદમાં કોરોનાથી લોકોને બચાવવાની તાકાત છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએએ)એ આ પ્રોટોકલ સામે વાંધો ઉઠાવીને સવાલ કર્યો હતો કે, આયુર્વેદ અને યોગથી કોરોનાના દર્દીઓ સાજા થઈ શકે તેનો પુરાવો શું છે? યોગ અને આયુર્વેદથી કોરોનાના દર્દીઓની સારવાર કરાઈ હોય ને એ સારવાર સફળ થઈ હોય તો છે તેના પુરાવા લોકો સામે મૂકવા એસોસિએશને સરકારને પડકાર ફેંક્યો હતો.
આ વાત ગયા વરસના ઓક્ટોબરની છે. આ પ્રોટોકલને જાહેર કરાયે સાત મહિના થઈ ગયા ને આઠમો મહિનો ચાલે છે પણ હજુ સુધી કેન્દ્ર સરકારે યોગ ને આયુર્વેદથી કોરોનાના દર્દીઓ સાજા થાય છે તેના કોઈ પુરાવા આપ્યા નથી. કોરોનાનો કોઈ દર્દી બીજી કોઈ સારવાર લેવાના બદલે માત્ર ને માત્ર યોગ ને આયુર્વેદથી સાજો થયો હોય એવો પણ કોઈ કિસ્સો હજુ લગી તો આપણે સાંભળ્યો નથી. સામે એલોપથીની સારવાર લઈને સાજા થયેલા લાખો દર્દી આપણી નજર સામે ફરી રહ્યા છે તેનો અર્થ શો? એ જ કે કોઈ ગમે તે કહે, મિથ્યાભિમાનમાં યોગ ને આયુર્વેદનાં ગમે તેટલાં વખાણ કરે પણ કોરાનાની દર્દીને સાજો કરવાની તાકાત માત્ર ને માત્ર એલોપથીમાં છે. એટલે જ કોરોનાની સારવારમાં ભરોસો માત્ર ને માત્ર એલોપથી પર કરવો, બીજા કોઈ પર નહીં. ના કરે નારાયણ ને તમે પોતે કોરોનાનો ભોગ બનો કે કોઈ સ્વજન ભોગ બને તો એલોપથીનો ડોક્ટર કહે એ દવા જ લેજો, એલોપથીનો ડોક્ટર કહે એ જ સારવાર કરાવજો, તેના સિવાય બીજા કોઈ પર જરાય ભરોસો કરતા નહીં.
સૌથી મહત્વની વાત એ છે કે, આયુર્વેદ એક સારવાર પધ્ધતિ છે પણ યોગ કોઈ પ્રકારની સારવાર પધ્ધતિ નથી. યોગ એક પ્રકારની માનસિક અને શારીરિક કસરત છે. યોગ શરીર માટે સારા છે, માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા હશે પણ તેનાથી કોઈ રોગનો ઈલાજ ના કરી શકાય. આ પાયાની વાત છે ને એ વાત સમજી લેવી જરૂરી છે. સામાન્ય રોગ પણ યોગથી ન ભાગે ત્યારે આ તો કોરોના છે. તેને કઈ રીતે યોગથી ભગાડી શકાય ? આયુર્વેદ ચોક્કસપણે એક સારવાર પધ્ધતિ છે ને ઘણા રોગોમાં આ સારવાર પધ્ધતિ અસરકારક પણ સાબિત થાય છે પણ કોરોનાની સારવારમાં અક્સીર છે તેના કોઈ પુરાવા નથી. આયુર્વેદ પદ્ધતિસરનું સારવાર માટેનું શાસ્ત્ર છે પણ આ શાસ્ત્ર મોટા રોગો માટે નથી, સામાન્ય તકલીફો માટે છે. તમને તાવ આવ્યો હોય, શરદી થઈ હોય કે બીજા એ પ્રકારના સામાન્ય રોગ થયા હોય તો આયુર્વેદની સારવાર કદાચ કામ કરી જાય પણ કેન્સર કે બીજા અસાધ્ય રોગોમાં આયુર્વેદ કામ ન આવે. તેનું કારણ આયુર્વેદની મર્યાદા છે.
આયુર્વેદ સદીઓ જૂનું સન્માનનીય શાસ્ત્ર છે પણ એલોપથીની જેમ સતત સંશોધનો વ્યાપક પ્રમાણમાં થતાં નથી તેથી નવા રોગોનો સારવાર કરવાની આયુર્વેદમાં ક્ષમતા નથી. કેન્સર સહિતના રોગોનાં લક્ષણો જાણીતાં છતાં આયુર્વેદ તેની સારવાર ના કરી શકતું હોય તો કોરોના મુદ્દે તો એલોપથીવાળા પણ ફાંફે ચડેલા છે ત્યારે આયુર્વેદથી કઈ રીતે સારવાર થાય? ટૂંકમાં વાત એટલી જ કે, આયુર્વેદ કે યોગ ગુણગાન ગાઈને રાજી થવા માટે બરાબર છે પણ તેના ભરોસે કોરોના સામે લડવા ન નીકળતા, બાકી ભરપેટ પસ્તાશો ને જીવનભર પસ્તાશો. એ પસ્તાવો યોગથી પણ નહીં જાય કે આયુર્વેદથી પણ નહીં જાય. કોરોના સામેની લડાઈ અસ્તિત્વની લડાઈ છે, જીવનમરણની લડાઈ છે ને તેમાં જોખમ ન લેતા, જે બચાવી શકે છે તેના પર જ ભરોસો કરજો.