કોરોના અને લોકડાઉનના ઘેરા સંકટકાળ પછી પણ નિર્મલાનું બજેટ ફૂલગુલાબી છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે સામાન્ય બજેટ રજૂ કરી દીધું ને ફરી એક વાર લોકોના ભાગે આશાઓની હેલી આવી ગઈ. કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉન પછીનું આ પહેલું બજેટ હતું. લોકડાઉનને કારણે અધમૂઆ થઈ ગયેલા લોકોને મોદી સરકાર ભારે રાહતો આપશે એવી આશા સૌ રાખતાં હતાં એ આશા ભલે ફળી નથી એવું લાગે પરંતુ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં કરોડો રૂપિયાના નવા ફંડની ફાળવણી કરી છે. નિર્મલા સીતારામને રજૂ કરેલા પહેલા બે બજેટમાં પણ સકારાત્મક ચર્ચા કરી શકાય એવું ઘણું હતું. આ બજેટમાં પણ મોટી કલ્યાણકારી યોજનાની જાહેરાતો છે. નિર્મલા સીતારામને બજેટ પહેલાં કહ્યું હતું કે, અત્યાર લગી કદી જોવા ન મળ્યું હોય એવું બજેટ આ વખતે રજૂ કરીશ. આ વાત સાવ સાચી પડી છે કેમ કે નિર્મલાએ સાચે જ કદી જોવા ન મળ્યું હોય એવું બજેટ જ રજૂ કર્યું છે.
આશાવાદ જીવંત રાખવો એ બજેટ તૈયાર કરનારાઓની જવાબદારી છે. મીડિયા પણ આ આશાવાદને જીવતો રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. મીડિયા દર વરસે મધ્યમ વર્ગને શું શું મળશે તેની વાતો કરીને આશાવાદને જીવંત રાખે છે. આ વખતે પણ મીડિયામાં મધ્યમ વર્ગને શું શું મળશે તેની જાત જાતની વાતો ચાલતી જ હતી. સ્ટાડન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાશે ત્યાંથી માંડીને કલમ 80 સી હેઠળ મળતી દોઢ લાખ રૂપિયાની છૂટ વધારીને અઢી લાખ રૂપિયા કરી દેવાશે ત્યાં સુધીની વાતો ચાલી હતી.
મોદી સરકાર નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) જેવી નવી કોઈ યોજના જાહેર કરશે કે જેથી લોકો સરકારી સ્કીમમાં નાણાં રોકતા થાય એવી વાતો પણ ચાલી હતી. આ બધી વાતોનો છેદ ઊડી ગયો છે ને કોઈ એવી જાહેરાત કરી નથી કે જેના કારણે મધ્યમ વર્ગને રાહત લાગે. સિનિયર સિટિઝન્સને રાહતના નામે આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઈ છે પણ એ મુક્તિ બહુ મહત્ત્વની છે. જેમની વય 75 વર્ષ કરતાં વધારે હોય ને પેન્શન કે વ્યાજની જ આવક હોય તેમને આ મુક્તિનો લાભ મળશે. દેશમાં 75 વર્ષ કરતાં વધારે વય હોય ને પેન્શન-વ્યાજ પર જ નભતા હોય એવા સિનિયર સિટિઝન્સની સંખ્યા બહુ ઓછી હશે એ જોતાં આ રાહતનો લાભ બહુ ઓછા લોકોને મળશે.
આ સિવાય કરવેરામાં કોઈ જાહેરાત નથી. એસેસમેન્ટ માટેના નિયમોમાં ફેરફાર ને એવી બધી વાતો ટેક્નિકલ છે ને પ્રમાણિક કરદાતાને તેનાથી કોઈ ફરક પડતો નથી એ જોતાં મધ્યમ વર્ગને આ બજેટમાં કોઈ વિશેષ રાહત નથી અપાઈ. ઊલટાનું પેટ્રોલમાં લિટરે ચાર રૂપિયાનો ને ડીઝલમાં લિટરે અઢી રૂપિયાનો કૃષિ સેસ લાદી દેવાયો છે. આ સેસ લાદી દેવાયો તેના કારણે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરી દેવાયો છે તેથી ગ્રાહકો પર તેનો બોજ હમણાં નહીં આવે પણ ભવિષ્યમાં તો આ બોજ લોકો પર જ આવવાનો છે. મોદી સરકારે પાણી પહેલાં પાળ બાંધી છે. ક્રૂડના ભાવ ઘટે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને લોકોને રાહત આપવી પડશે એ માટેની આ નિષ્ઠાપૂર્વકની તૈયારી છે. એ વખતે એક્સાઈઝમાં વધારો કરીને ફરી મૂળ દરે લાવી દેવાશે નહિ. મોદી સરકારે સ્વૈચ્છિક રીતે કાર સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત બજેટમાં કરી છે. પ્રદૂષણ ઘટાડવા ને ફ્યુઅલનો ખર્ચ ઓછો થાય એ માટેની આ યોજના હેઠળ પર્સનલ વ્હીકલ 15 વર્ષમાં ને કોમર્શિયલ વ્હીકલ 20 વર્ષમાં ભંગારમાં આપી દેવાની દરખાસ્ત છે. આ યોજનાની જાહેરાત નીતિન ગડકરીએ એક મહિના પહેલા જ કરી દીધી હતી તેથી તેમાં કશું નવું નથી. આ યોજના પણ કાગળ પર જ સારી લાગે છે ને તેના અમલ માટે શું કરાશે તેની કોઈ સ્પષ્ટતા બજેટમાં નથી કરાઈ.
બજેટને વખાણનારા આ બજેટમાં હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ભાર મુકાયો છે ને તેના કારણે દેશની શિકલ બદલાઈ જશે એવું કહે છે. એ જો કે હકીકતમાં સાચી વાત છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના નામે મોદીએ ચૂંટણી જીતવાનો દાવ ખેલ્યો છે. તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળ એ ચાર રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રોજેક્ટ હાથ ધરાશે એવી જાહેરાત કરાઈ છે. આ ચારેય રાજ્યોમાં ત્રણ મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે તેથી મતદારોને રીઝવવા બજેટનો ઉપયોગ કરાયો છે એમ વિરોધપક્ષો ભલે કહે પરંતુ જેઓ સત્તામાં હોય છે તેઓ આખરે તો કોઈ પણ બહાને તબક્કાવાર બધા રાજ્યોને આવરી લેતા હોય છે. દેશની સરકાર બધાની છે. મોદી સરકારે છેલ્લાં છ વર્ષમાં બજેટને એક મહત્ત્વની ગંભીર ઔપચારિકતા બનાવી દીધી છે. મોદી સરકાર પાસે આર્થિક રીતે ઉચ્ચસ્તરનું વિઝન છે. તેના કારણે તેની આર્થિક નીતિઓમાં વારંવાર ફેરફારો થવા સ્વાભાવિક છે. જીએસટીના રેટ હોય, ઉદ્યોગોને લગતી નીતિ હોય કે સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ને લગતા નિયમો હોય, મોદી સરકાર પાસે ચોક્કસ નીતિ નથી. એક વાર નિર્ણય લીધા પછી તેને સફળ બનાવવા માટે વરસ મથવું એવી પડે છે. સાથે સાથે પોતે લીધેલા નિર્ણયોમાં કદાચ ભરોસો પણ નથી.
દેશમાં વિવિધ આર્થિક ફેરફારનો આ યુગ છે. આ ફેરફારો પણ મોટા પાયે હોય છે તેથી મોદી સરકાર વચ્ચે વચ્ચે મિનિ બજેટ આપ્યા કરતી હોય એવી અનિવાર્ય સ્થિતિ પેદા થઈ ગઈ છે. કોરોનાના વરસમાં તો છાશવારે આવા મિની બજેટ સરકારે આપવા પડ્યા છે. મોદીએ પોતે સંસદનું સત્ર ચાલુ થતી વખતે મીડિયાને કરેલા સંબોધનમાં કબૂલ્યું કે, ગયા વરસે તો મિની બજેટનો સિલસિલો ચાલુ જ રહ્યો તેથી હવે પછીનું બજેટ એ જ ક્રમમાં હશે. મોદી સરકારના આ વરસના બજેટની બીજી એક બાબત તરફ પણ લોકોનું ધ્યાન ગયું નથી. આ બજેટમાં દેશની આર્થિક સ્થિતિ વિશેના આંકડા ગાયબ છે. નિર્મલા સીતારામને 2026 ના નાણાકીય વરસ લગીમાં બજેટ ખાધ ઘટાડીને 4.50 ટકા કરી દેવાશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. મોદી સરકાર એવું કરશે તો તેમાં આશ્ર્ચર્યજનક કંઈ નહીં હોય ને ખોટું પણ કંઈ નહીં હોય. બજેટ અંગ્રેજોની દેન છે ને આપણે આઝાદી પછી તેને વળગી રહ્યા. તેમાં પણ કંઈ ખોટું નહોતું પણ જમાનો બદલાયો છે તો તેની સાથે થતા આ બધા પરિવર્તન છે.
બજેટનો મૂળ ઉદ્દેશ તો દેશના વિકાસ માટે સરકાર કેવાં આર્થિક પગલાં ભરી રહી છે તેની જાણ સામાન્ય લોકોને કરવાનો છે. વિકાસની પ્રક્રિયા સતત ચાલતી રહે ને લોકોને વિકાસનો અહેસાસ થતો રહેતો હોય તો બજેટ આપવાની જરૂર નથી. મોદી સરકાર સમયાંતરે લોકોના વિકાસની યોજનાઓ જાહેર કરતી રહે, વરસમાં એક વાર ટેક્સને લગતી જાહેરાતો કરી નાખે ને વરસમાં એકાદ વાર દેશની નાણાકીય સ્થિતિ વિશેનું ચિત્ર લોકો સમક્ષ મૂકી દે તો બજેટની જરૂર જ નથી. મોદી સરકાર અત્યારે જે રીતે કામ કરી રહી છે એ જોતાં અત્યારે તો એવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે અને પણ ભવિષ્યમાં એવી પૂર્ણ સ્થિતિનું નિર્માણ થાય એવી આશા રાખીએ, લોકોએ ખુશ થવા માટે બજેટની રાહ જોવાની જરૂર જ ન રહે એવી સ્થિતિઆ દેશમાં પેદા થાય ને સાચા અર્થમાં અચ્છે દિન આવે એવું ઈચ્છીએ.