કોરોના: અમદાવાદમાં ૧૮ હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડમાંથી મુક્ત કરાઈ

અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં હવે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યા ઘટાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં કેસો વધતાં ૧૦૫ જેટલી હોસ્પિટલો શરૂ કરાઈ હતી, એમાંથી હાલ ૧૮ જેટલી હોસ્પિટલોને મુક્ત કરવામાં આવી છે. કુલ બેડની સંખ્યા ૫૪૦૦ જેટલી હતી, એ ઘટીને હાલ ૪૩૭૧ થઈ ગઈ છે. આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જીવરાજ, સનરાઇઝ, આદિત્ય, પારેખ, બોડીલાઇન, આનંદ, એશિયન બેરિયાટિક વગેરે હોસ્પિટલોને કોરોનાની સારવારમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવી વ્યવસ્થા પ્રમાણે, ખાનગી હોસ્પિટલોનાં ૩૬૭૨ બેડ અને ૬૯૯ મ્યુનિ.નાં કોરોના બેડ ચાલુ રખાયાં છે. અગાઉ મ્યુનિ.નાં કોરોનાનાં ૧૮૦૦ બેડ હતાં, એમાં ૧૧૦૦નો ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં કેસોની સંખ્યામાં ભારે ઘટાડો થતાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કોર્પોરેશનમાં નાણાકીય બોજો ઘટાડવા માટે આ નિર્ણય લીધો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

આ ઉપરાંત ૭ કોવિડ કેર સેન્ટર ચાલુ કરાયાં હતાં, એ ઘટાડીને પાંચ કરી દેવાયાં છે. સમરસ હોસ્ટેલના કેર સેન્ટરમાં હાલ ૪ જેટલા દર્દી છે, તેમને રજા અપાતાં એ પણ બંધ કરી દેવાશે, એમ જાણવા મળે છે. એક્સપ્રેસ-વે પાસેનો ટેસ્ટિંગ માટેનો ડોમ પણ બંધ કરી દેવાયો છે. બાકીના ડોમમાં અગાઉ લાઇનો લાગતી હતી ત્યાં ગણ્યાગાંઠયા લોકો ટેસ્ટ કરાવવા આવે છે. ૩૧૮ની ઉપર રોજના દર્દીઓ અને ૨૦ની આસપાસ મૃત્યુ પહોંચી જતાં ફટાફટ હોસ્પિટલો એક્વાયર કરવા માંડી હતી. એ સમયે ખાનગી હોસ્પિટલોમાં જગ્યા જ નહીં રહેતાં દર્દીઓને કરમસદ, ગાંધીનગર, ખેડા, કલોલની હોસ્પિટલમાં પણ મોકલવા પડયા હતા.

હવે દર્દીઓની સંખ્યા ૨૦૦ની અંદર ગઇ છે અને મૃત્યુ ૪ની આસપાસ રહે છે. માઇક્રો કન્ટેન્મેન્ટ ૩૦૦ ઉપર પહોંચી ગયા હતા, એ હાલ આઠથી નવ જેટલા થઇ ગયા છે. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળે, રાત્રિ કર્યૂનું પાલન કરે, તહેવારો-પ્રસંગોમાં ટોળે ના વળે તો સ્થિતિ ઝડપથી સુધરી જશે એવી આશા બંધાઇ છે. જોકે ડિ-નોટિફાઇ કરાયેલી તમામ હોસ્પિટલોનાં નામો જાહેર કરવાની દિશામાં હેલ્થ ખાતાએ ઘોર બેદરકારી સેવી છે, જેને કારણે દર્દી દાખલ થવા છેક હોસ્પિટલના ઝાંપે પહોંચે ત્યારે તેને જાણ થાય છે કે આ હોસ્પિટલમાં હવે કોરોનાની સારવાર થતી નથી.