કોરોના ઇફેક્ટ: ચીનમાં ગત વર્ષે જન્મદરમાં આશરે ૧/૩નો ઘટાડો નોંધાયો

  • ચીનમાં જનસંખ્યાનો મુદ્દો અર્થતંત્ર માટે ગંભીર રીતે જોખમી બની શકે

 

કોરોના વાયરસ મહામારી દરમિયાન ગત વર્ષે ચીનમાં જન્મ દરમાં આશરે ૧/૩નો ઘટાડો નોંધાયો છે. આ આંકડા એ વાતનો સંકેત પૂરે છે કે આકરી પરિવાર નિયોજન નીતિમાં ઢીલ આપવા છતા દેશને જન્મદર વધારવાનો ફાયદો નથી મળ્યો. ’એક બાળ નીતિ’ના એક દશકા બાદ સરકારે નિયમોમાં ફેરફાર કરીને પરિવારોને બે બાળકો રાખવા મંજૂરી આપી હતી કારણ કે ચીન સરકારને દેશની ઝડપથી વૃદ્ધત્વ પામી રહેલી વસ્તી અને કામ કરવાની ક્ષમતા ઘટવાનો ડર હતો.

સાર્વજનિક સુરક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે દેશમાં નવજાત બાળકોની સંખ્યા ૨૦૨૦માં ૧૫ ટકા સુધી ઓછી થઈ ગઈ છે. ચીનમાં ગત વર્ષે ૧૦.૦૩ મિલિયન બાળકોના જન્મની નોંધણી થઈ હતી જ્યારે ૨૦૧૯માં ૧૧.૭૯ મિલિયન બાળકોનો જન્મ થયો હતો. મતલબ કે ગત વર્ષે જન્મદરમાં ૩૦ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો હતો. જાણકારોના કહેવા પ્રમાણે આ ઘટાડા પાછળ કોરોના વાયરસની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.

કોરોના મહામારીએ લોકોના જીવન અને અર્થતંત્રને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે જેથી વિવાહિત લોકોને પરિવાર આગળ વધારવાનો નિર્ણય બદલવો પડ્યો છે. ચીનમાં જનસંખ્યાનો મુદ્દો અર્થતંત્ર માટે ગંભીર રીતે જોખમી બની શકે છે કારણ કે દેશની કામ કરી શકે તેવી વસ્તી નિવૃત્તિના આરે પહોંચી રહી છે.