કોરોના કેસમાં ઉછાળો ચાલુ છે ત્યારે વેક્સિન ટેસ્ટિંગનો પ્રારંભ

ભારતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાના દાવા વચ્ચે ગઈકાલે સોમવારથી દેશમાં ચાર રાજ્યોમાં કોરોના વેક્સિસનું ડ્રાય રન શરૂ થયું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કરેલી જાહેરાત પ્રમાણે પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત એ દેશનાં ચાર રાજ્યોમાં સોમવારે અને મંગળવારે કોરોના વેક્સિનનું ડ્રાય રન હાથ ધરાયું છે. ડ્રાય રન અંગ્રેજી શબ્દપ્રયોગ છે ને ભારતમાં લોકોને ડ્રાય સ્ટેટમાં જેટલી ખબર પડે એટલી ડ્રાય રનમાં નથી પડતી તેથી ઘણાં એવું માની બેઠાં છે કે આ ચાર રાજ્યોમાં કોરોનાની રસી લોકોને આપવાની ટ્રાયલ હાથ ધરાશે. આ માન્યતા ખોટી છે કેમ કે ડ્રાય રનમાં ક્યાંય રસી આવતી નથી.
ડ્રાય રનમાં કોઈને સાચે જ રસી નથી અપાતી પણ રસી તૈયાર હોય તો તેને લોકો સુધી પહોંચાડવાની તૈયારી પૂરી થઈ ગઈ છે કે નહી તેની ચકાસણી કરાય છે. કોઈ પણ રસી આપવાની હોય ત્યારે તેમાં ઘણી બધી બાબતો સંકળાયેલી હોય છે. આ રસી લાવીને તેને સાચવવાથી માંડીને તે ડોક્ટરો સુધી પહોંચે ને જેને રસી આપવાની છે તેમને અપાય ત્યાં લગીની આખી એક સાંકળ એટલે કે ચેઈન હોય છે. આ ચેઈનમાં રસી સાચવવા માટેનું કોલ્ડ સ્ટોરેજ પણ આવી જાય ને તેને છેક નીચલા સ્તર સુધી પહોંચાડવા માટે બનાવેલી વાન પણ આવી જાય. વાનમાં રખાતાં કોલ્ડ બોક્સ પણ આવી જાય ને રસી ઉતાર્યા પછી રસી અપાય નહીં ત્યાં સુધી સાચવવા માટે કરાયેલી વ્યવસ્થા પણ આવી જાય. ટૂંકમાં કોરોના રસીની ચેઈનમાં આવતી તમામ સવલતો અને તંત્ર તેમાં આવી જાય.
આ તંત્ર અને સવલતો બરાબર કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવી તેને ડ્રાય રન કહેવાય છે. અમેરિકા સહિતના વિકસિત દેશોમાં આ પ્રકારના ડ્રાય રન સામાન્ય છે. તેની પાછળનો ઉદ્દેશ એ જ છે કે, આ ચકાસણી કરી લેવાઈ હોય તો જ્યારે રસી હાથમાં આવે ત્યારે કોઈ તકલીફ ન પડે. ભારત ડ્રાય રન કરી લે તેમાં કશું ખોટું નથી ને આ ઉદ્દેશ સારો છે.
આ ડ્રાય રન કઈ રીતે કરાશે એ સમજવા જેવું છે. આ એક પ્રકારની મોક ડ્રીલ જ છે. સરકારનો દાવો છે કે રસી કઈ રીતે અપાય છે એ સિવાયની બધી બાબતોની ચકાસણી આ ડ્રાય રનમાં કરાશે. રસીના બદલે કોઈ બીજા સેમ્પલને રાખીને તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલો, કોમ્યુનીટિ હેલ્થ સેન્ટર્સ, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ વગેરે સુધી પહોંચાડવામાં કેટલો સમય જાય છે તેની ચકાસણી કરાશે ને તેનો ડેટા એક ખાસ એપમાં ફીડ કરાશે. ટ્રાન્સપોર્ટેશન સિવાય જ્યાં રસીનો સંગ્રહ કરાવાનો છે ત્યાંનાં કોલ્ડ સ્ટોરેજ અને રસી અપાવાની છે તે સ્થળનાં કોલ્ડ સ્ટોરેજની ચકાસણી કરાશે.
કોરોનાની રસીને લગતી તમામ બાબતોને આવરી લેવા માટે 2360 લોકોને ટ્રેઈનિંગ અપાઈ હોવાનો પણ સરકારનો દાવો છે. આ તાલીમ મેલા 2360 લોકો ડ્રાય રન કરશે. આ લોકોમાં રાજ્યોના ઈમ્યુનિકેશન ઓફિસર્સ, કોલ્ડ ચેઈન ઓફિસર્સ, કોમ્યુનિકેશન ઓફિસર્સ સહિતના બધા લોકો આવી ગયા. સરકારનું કહેવું છે કે, આ ડ્રાય રનના કારણે રસી પહોંચાડવામાં કેવી તકલીફો પડે છે તેની ખબર પડશે. આ કારણે દેશના ચાર વિભાગોનાં ચાર રાજ્યોને પસંદ કરાયાં છે. ઉત્તરમાં પંજાબ, દક્ષિણમાં આંધ્ર પ્રદેશ, પૂર્વમાં આસામ અને પશ્ર્ચિમમાં ગુજરાતની પસંદગી કરાઈ છે કે જેથી દેશના ચારેય ખૂણામાં રસી પહોંચાડવામાં પડતી તકલીફોની ખબર પડે.
આ ચારેય રાજ્યો મેદાન પ્રદેશમાં છે તેથી ત્યાં કશું પણ પહોંચાડવું બહુ મોટો પડકાર નથી. અસલી પડકાર તો પહાડી પ્રદેશોમાં ને જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તકલીફ છે ત્યાં રસી પહોંચાડવામાં છે. ડ્રાય રન કરવું જ હોય તો ખરેખર એ રાજ્યોમાં કરવું જોઈએ કે જેથી સાચા પડકારોની ખબર પડે. ઉત્તરાખંડ કે કાશ્મીર જેવાં રાજ્યોમાં જવું જોઈએ પણ તેના બદલે આ તો એવાં રાજ્યો પસંદ કરાયાં કે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. ખેર, એ પાછો એક અલગ મુદ્દો છે કેમ કે મૂળ તો ડ્રાય રનનો વિચાર જ વિશિષ્ટ છે.
આપણા આ ભવ્ય પ્લાનની સામે અમેરિકા કે બીજા દેશોમાં ડ્રાય રન હાથ ધરાય ત્યારે શું થાય છે એ સમજવા જેવું છે. આ દેશોમાં વાસ્તવિક રીતે રસી કે દવા મોકલવામાં આવે છે કેમ કે રસી કે દવામાં મુખ્ય બાબત તો એ એન્ડ યુઝર સુધી પહોંચે ત્યાં લગીમાં અસરકારક રહે છે કે નહીં એ હોય છે. રસીને જે તાપમાને રાખવાની હોય એ તાપમાન રસી અપાઈ જાય ત્યાં સુધી જળવાય છે કે નહીં એ બધી બાબતો તેમાં મુખ્ય હોય છે. જરાક તાપમાન બદલાય તો પણ રસી બગડી જાય ને ઓડનું ચોડ થઈ જાય. રસી લેનાર માટે એ જીવલેણ સાબિત થાય તેથી ખરી જરૂર આ રસીને સાચવવાની સવલત બરાબર છે કે નહીં એ ચકાસવાની છે. એ ચકાસણી રસી હોય તો જ થઈ શકે પણ આપણી પાસે રસી નથી.
આપણે ત્યાં હજુ રસીનાં ઠેકાણાં નથી ને રસી ક્યારે આવશે એ ખબર નથી. સરકાર એવું કહ્યા કરે છે કે, જાન્યુઆરીના અંતમાં રસી આવી જશે પણ રસી અંગે જે વાતો બહાર આવી રહી છે એ જોતાં ખરેખર રસી ક્યારથી મળશે એ વિશે અનિશ્ર્ચિતતા જ છે. સરકાર કંઈક કહે છે ને રસી બનાવનારા કંઈક અલગ વાત કરે છે. મીડિયા આ બંનેની વાતો આપણને પિરસ્યા કરે છે તેના કારણે રસી ક્યારે આવશે એ નક્કી જ નથી. સોશિયલ મીડિયામાં વળી જાતજાતના ગપગોળા પણ ચાલ્યા કરે છે. તેના કારણે રસી વિશે સાચું ચિત્ર જ લોકોને ખબર નથી.
અત્યારે મીડિયામાં જે અહેવાલો આવે છે તે પ્રમાણે, ભારતમાં ઝાયડસ કેડિલા, સિરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક એ ત્રણ કંપની દ્વારા રસી પર કામ ચાલી રહ્યું છે. આ પૈકી સિરમ ઈન્સ્ટિટ્યૂટે બનાવેલી રસી સૌથી પહેલાં આવશે એવું મનાય છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ દુનિયામાં રસીના ઉત્પાદનમાં નંબર વન મનાય છે. કોઈ પણ રસી બને એટલે થોકબંધ ઉત્પાદનનું કામ સીરમ ઈન્સ્ટિટ્યૂટને મળે. કોવિશીલ્ડ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ બનાવેલી કોરોનાની રસીનું ઉત્પાદન પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને અપાયું છે.
બીજી રસી અમદાવાદમાં ઝાયડ્સ કેડિલા દ્વારા બનાવાઈ રહેલી રસી ઝાયકોવ-ડી છે. આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ હોવાનું કહેવાય છે. ઝાયડસ કોરોનાવિરોધી રસી વિકસિત કરવામાં શરૂઆતથી જ કામે લાગી ગઈ હતી. સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણ પ્રક્રિયા સાથે ઝાયડસે આ રસી વિકસાવી હોવાનું કહેવાય છે. આ વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાની અને હ્યુમન ટ્રાયલ માટેની અપ્રૂવલ મળી જશે તો બહુ જલદી લોકો સુધી પહોંચી જશે એવું કહેવાય છે પણ આ વાત કેટલા અંશે સાચી છે એ ખબર નથી.
ત્રીજી રસી કોવેક્સિન ભારત બાયોટેક અને ઈન્ડિયન ક્લિનિકલ એન્ડ મેડિકલ રીસર્ચ દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવાયેલી કોવેક્સિન રસી છે. હૈદરાબાદમાં ભારત બાયોટેક અને આઈસીએમઆરના વિજ્ઞાનીઓ આ વેક્સિન પર કામ કરી રહ્યા છે. કોવેક્સિન વેક્સિનની હ્યુમન ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે એવું કહેવાય છે. અમદાવાદ અને હાલ ભોપાલમાં બન્ને રસીના ડોઝ વોલન્ટિયર્સને અપાઈ રહ્યાં છે ને બહુ જલદી બીજાં શહેરોમાં પણ ટ્રાયલ ચાલુ કરાશે એવી વાતો છે. આ રસીનાં આરંભિક પરિણામો પ્રોત્સાહક છે એવી બધી વાતો આવ્યા કરે છે પણ ખરેખર પિક્ચર શું છે તે કોઈને ખબર નથી.
ટૂંકમાં રસીનું ડ્રાય રન ચાલે છે પણ રસી ક્યારે આવશે તે નક્કી નથી. આ પૈકી સિરમ ઈન્સ્ટિટ્યૂટે રસી માટે ઈમર્જન્સી એપ્રૂવલ માગેલી પણ એ મળી નથી. આ એપ્રૂવલ ક્યારે મળશે એ ખબર નથી. સરકારે કેમ ઈમર્જન્સી એપ્રૂવલ ન આપી તેની તેમને જ ખબર પણ આ રસીના ટ્રાયલમાં ડખા થયેલા જ છે. રસીના કારણે આડઅસરો થતી હોવાના આક્ષેપો વોલંટિયર્સે કર્યાં છે. તેના કારણે આ રસી કેટલી અસરકારક એ સવાલ ઊભો જ છે ત્યાં આપણ ડ્રાય રનની માંડીને બેસી ગયા છીએ. ટૂંકમાં કોરોનાની રસીને મુદ્દે ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવી હાલત છે.