કોરોના કેસમાં વધારો: છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૫૨૪ પોઝિટિવ કેસ નોંધાયા

  • કુલ કેસ ૬૮ લાખને પાર, ૯૭૧ના મોત સાથે મૃત્યુઆંક ૧.૦૫ લાખએ પહોંચ્યો
  • ૫૮.૨૭ લાખ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા, રિક્વરી રેટ ૮૫.૨૫એ પહોંચ્યો

    ભારતમાં કોરોનાએ ફરી સ્પીડ પકડતા ૨૪ કલાકમાં વધુ ૭૮,૫૨૪ કેસ નોંધાયા છે અને કુલ કેસ લોડ ૬૮ લાખને પાર થઈ ગયો છે. બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૫૮,૨૭,૭૦૪ થઈ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. કોવિડ ૧૯નો રિકવરી રેટ ૮૫.૨૫ ટકા થયો છે.
    વિતેલા ૨૪ કલાકમાં નવા પોઝિટિવ કેસના ઉમેરો થતા કુલ દર્દીઓનો આંક ૬૮,૩૫,૬૫૫ થયો હતો. આ ગાળામાં કુલ ૯૭૧ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૦૫,૫૨૬ થયો હતો. દેશમાં હાલમાં કુલ સક્રિય કેસોનો આંક ૯,૦૨,૪૨૫ થયો છે જે કુલ કેસ લોડના ૧૩.૨૦ ટકા થાય છે. કોવિડથી મૃત્યુદર ૧.૫૪ ટકા નોંધાયો છે.
    કોરોના કાળના છ માસમાં દેશમાં કેસમાં ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. માર્ચમાં ૫૦૦ કેસ બાદ તબક્કાવાર લકોડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ૭ ઓગસ્ટના દેશમાં ૨૦ લાખ કેસો નોંધાયા હતા ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ અને ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખ કેસ નોંધાયા હતા. વિતેલા ૧૦ દિવસમાં દેશમાં ૮ લાખથી વધુ કેસો નોંધાયા છે.
    આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં ૮,૩૪,૬૫,૯૭૫ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૭ ઓક્ટોબરના કુલ ૧૧,૯૪,૩૨૧ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં વધુ ૯૭૧ દર્દીઓના મોત થયા હતા જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩૫ દર્દીઓના મોત થયા હતા. કર્ણાટકમાં ૧૧૩, તમિલનાડુમાં ૬૭, પશ્ર્ચિમ બંગાળમાં ૫૮, ઉત્તર પ્રદેશમાં ૪૭, દિલ્હીમાં ૩૫, આંધ્રપ્રદેશમાં ૩૪, પંજાબમાં ૩૩ અને છત્તીસગઢમાં ૩૦ દર્દીઓના મોત નોંધાયા હતા.