કોરોના કેસ ઘટતા જ કેજરીવાલે દિલ્હીમાં અનલોકની જાહેરાત કરી: કન્સ્ટ્રક્શન સાઇટ, ફેક્ટરીઓ ખૂલશે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ.

મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે જણાવ્યું કે, અમે દિલ્હીમાં ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું. સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. આજે લેવાયેલા નિર્ણય પ્રમાણે સોમવારથી કંસ્ટ્રક્શન અને ફેક્ટરીઓની ગતિવિધિ શરૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહ માટે આ બંને સેક્ટર્સ ખુલ્લા રહેશે.

સીએમ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે પરંતુ શરત એ છે કે જો કોરોના વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા રોકવામાં આવશે. સાથે જ તેમણે લોકોને કોરોના સંબંધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.

દિલ્હીવાસીઓને વિનંતી કરતા કેજરીવાલે કહૃાું કે તમામ લોકોની મદદની જરૂર છે. જો નિયમ પાલન કરશો તો જ દિલ્હીમાં તમામ આર્થિક ગતિવિધિઓ ખુલી શકશે. જો કોરોના ફરી વધવા લાગશે તો ફરી લોકડાઉન લાગુ કરવું પડશે. અમે નથી ઈચ્છતા કે ફરી લોકડાઉન લાગુ કરવું પડે, તે કોઈ સારી વાત નથી.

તેમણે આ સમય ખૂબ જ નાજુક હોવાથી લોકોને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અને ગંભીરતાપૂર્વક આચરણ કરવા જણાવ્યું હતું જેથી બધા સાથે મળીને દિલ્હી અને દેશને બચાવી શકીએ. તેમના કહેવા પ્રમાણે એકદમ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન શરૂ કરવું જોઈએ અને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ.