રવિવારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ‘મન કી બાત’ કરી. ૨૦૨૧નું વર્ષ પૂરું થવા આડે હવે અઠવાડિયું પણ બચ્યું નથી ને ગઈ કાલનો રવિવાર ૨૦૨૧ના વર્ષનો છેલ્લો રવિવાર હતો તેથી મોદીની ૨૦૨૧ની આ છેલ્લી ‘મન કી બાત’ હતી. મોદી ‘મન કી બાત’માં ઘણા બધા વિષયોને આવરી લે છે પણ કોઈ એક મુદ્દા પર વધારે વાત કરે છે. આ વખતે પણ તેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના વિમાની દુર્ઘટનામાં થયેલા મોતથી માંડીને એરફોર્સના પાઈલોટ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના પત્ર સુધીની વાતો કરી પણ કેન્દ્રસ્થાને કોરોનાની વાત રહી. ભારતે કોરોનાના રસીકરણમાં આખી દુનિયાને પાછળ છોડીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે એવી માંડીને કોરોના સામે એક થઈને લડવાની સલાહોનો મારો મોદી સાહેબે ચલાવી દીધો. વડાપ્રધાન આટલો બધો ભાર મૂકે છે તોય પ્રજા હજુ ગંભીર નથી.
મોદી સાહેબે દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તેની સામે લડવા માટે શું કરવું તેનું પણ ભરપૂર જ્ઞાન લોકોને પિરસ્યું. મોદી સાહેબે ઓમિક્રોન સામે લડવા માટે લોકોમાં સ્વજાગૃતિ આવે અને સ્વયંશિસ્ત કેળવાય તેના પર સૌથી વધારે ભાર મૂક્યો. મોદી સાહેબના કહેવા પ્રમાણે, ઓમિક્રોન દરવાજે ટકોરા દઈ રહ્યો છે ત્યારે નાગરિક તરીકે આપણે કઈ રીતે વર્તીએ છીએ એ મહત્ત્વનું છે. આપણી સામૂહિક તાકાત જ કોરોનાને હરાવી શકશે ને જવાબદારીની આ ભાવના સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશવું જોઈએ એવી સલાહ પણ સાહેબે આપણને આપી. આ સલાહ ખોટી પણ નથી કેમ કે ઓમિક્રોન હોય કે કોરોનાનો બીજો વેરિયન્ટ હોય, તેની સામે લડવાનો શ્રેષ્ઠ રસ્તો નાગરિકો જવાબદારીપૂર્વક વર્તે એ જ છે. કોરોનાને રોકવાની જવાબદારી દેશના નાગરિકોની છે તેથી તેમણે જવાબદારીપૂર્વક વર્તવું જ જોઈએ.
કોરોના વાઈરસના ચેપથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે. દેશના નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને જીવે તો કોરોના ફેલાવાનો નથી એ સો ટકા સાચી વાત છે એ જોતાં મોદીની સલાહને અનુસરવામાં કશું ખોટું નથી. બલકે એ જરૂરી છે. જો કે કોરોનાને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ને જવાબદારીપૂર્વક વર્તવાની ફરજ માત્ર નાગરિકોની જ હોય એવું નથી ને તમામ રાજકીય પક્ષો જે રીતે વર્તે છે એ અંગે પણ વડાપ્રધાને ટકોર કરી. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, સતર્ક રહો એવી વાતો તમામ સરકારી પ્રચાર માધ્યમો કર્યા કરે છે પણ પ્રજા પર હજુ એનો કોઈ પ્રભાવ નથી. આ સૂચનાઓનું પાલન દેશના કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ નથી કરતા. ઉત્તર પ્રદેશમાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે ને સર્વોચ્ચ અદાલતે સરકારને એ ચૂંટણી પાછી ઠેલવાની સલાહ પણ આપી છે.
કારણ કે ચૂંટણી સભાઓમાં નથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું કે નથી કોરોનાના પ્રોટોકલના બીજા કોઈ નિયમો પળાતા. લોકો માસ્ક પહેર્યા વિના બગીચામાં ફરવા નીકળ્યા હોય એ રીતે હાલ્યા આવે છે ને એવી હકડેઠઠ ભીડ હોય છે કે એક માણસ શ્વાસ બહાર કાઢે એ સીધો બાજુવાળાના નાકમાં જતો રહે. આ હદે ભીડ એકઠી થતી હોય પછી કોરોના ન ફેલાય તો જ નવાઈ. તકલીફ એ છે કે, લોકોને જવાબદારીપૂર્વક વર્તવાની સલાહ આપનારા અધિકારીઓને આ વાત દેખાતી નથી. યોગી આદિત્યનાથ તો દરરોજ કોઈ ને કોઈ તાયફો કરીને ભીડ એકઠી કરે છે. માયાવતી અને અખિલેશના કાર્યક્રમોમાં દિલ્હીથી પણ બીજા નેતા પહોંચી જાય છે ને ક્યાંક ને ક્યાંક આ રીતે લોકોનાં ટોળાં જમાવીને તમાશા કરવાના ખેલ ચાલે છે.
એકલા ભાજપના નેતા જ આ ખેલ કરે છે એવું નથી. બીજા નેતા પણ નિયમો વિરુદ્ધ ચાલી રહ્યા છે ને આવતા વરસની શરૂઆતમાં યુપી સહિત જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે ત્યાં બધે આ ધંધો ધમધોકાર ચાલે છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, અકાલી દળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી ને બીજા ફાસફૂસિયા પક્ષો પણ આ જ ધંધો માંડીને બેઠા છે. અલબત્ત આ બધામાં શાસક પક્ષોની જવાબદારી વધારે છે કેમ કે જે તે પક્ષ સત્તાધારી પક્ષ હોય છે. વિવિધ પક્ષોની ઉત્તર પ્રદેશની સભાઓ જોયા પછી અલાહાબાદ હાઈ કોર્ટે પણ કહેવું પડ્યું કે, આ રીતે ભીડ એકઠી કરીને લોકોના જીવ જોખમમાં ન મૂકો. રેલીઓ બંધ કરો ને ચૂંટણી પાછી ઠેલો એવી વિનંતી હાઈ કોર્ટે કરવી પડી પણ યૌગીએ આ વાતને સાંભળી ન સાંભળી કરીને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાંખી.
આઘાત તો એ જોઈને લાગે કે, યોગી આ ધંધો લાંબા સમયથી કરે છે. કોરોનાની પહેલી લહેર વખતે બિહાર સહિતનાં રાજ્યોમાં લાખોની મેદની એકઠી કરીને ચૂંટણી સભાઓ સ્ટાર પ્રચારક તરીકે યોગીએ કરી હતી. એ વખતે પણ એ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહો આપવામાં આવી જ હતી. બીજી લહેર વખતે બંગાળ સહિતનાં રાજ્યોમાં એ જ ખેલ કર્યો. એ વખતે પણ એ સૂફિયાણી સલાહો આપતા હતા ને પોતે ભીડ એકઠી કરતા હતા ને અત્યારે યોગી ઉત્તર પ્રદેશમાં એ જ ધંધો માંડીને બેઠા છે.
મોદી સત્તાવાર રીતે પણ આ જ ધંધો કરે છે. કોરોનાના કેસોમાં ઉછાળો આવે કે તરત જ કેન્દ્ર સરકારનું આરોગ્ય મંત્રાલય કોરોનાના કેસ કેમ વધવા માંડ્યા એ વિશે જ્ઞાન પિરસવા માંડે છે ને રાજ્યોને કોરોનાને રોકવા શું કરવું તેની સલાહ આપવા માંડે છે. આ સલાહોમાં કોરોનાનો ચેપ ના ફેલાય એ માટે લોકોનાં ટોળાં ભેગાં ના થવા દેવાં એ સલાહ મુખ્ય હોય છે. આ સિવાય કોરોના માટે અસરકારક ટેસ્ટિંગ કરવું, કોરોનાના કેસોનું ટ્રેકિંગ કરવું, કોરોના થયો હોય તેમને તાત્કાલિક આઈસોલેશનમાં મોકલી દેવા, ચેપ લાગ્યો હોય એ બીજાના સંપર્કમાં ના આવે એટલે ઝડપી ક્વોરન્ટાઈન કરવું, ક્વોરન્ટાઈનના નિયમો પાળવા વગેરે સલાહો આપી દેવાય છે પણ જે લોકો સૌથી વધારે ભીડ એકઠી કરે છે તેમને કશું કહેવાતું નથી.આ સ્થિતિને બદલી શકાય તેમ નથી કેમ કે રાજકારણીઓ સુધરવાના નથી. એ લોકો સત્તા માટે કોઈ પણ હદે જવાના ને લોકો તેમની સામે જોઈને વર્તવામાં માને છે તેથી લોકો પણ જવાબદારીપૂર્વક નહીં વર્તે. ટૂંકમાં વાતોનાં વડાં બહુ થશે પણ કોરોના નહીં રોકાય.