કોરોના પર ગુડ ન્યૂઝ: દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૭ લાખથી પણ ઓછી થઈ

  • છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૩૬૬ પોઝિટિવ કેસ નોંધાયા, ૬૯૦ના મોત
  • સંક્રમિતોનો કુલ આંકડો ૭૭,૬૧,૩૧૨ મૃત્યુઆંક ૧,૧૭,૩૦૬ એક્ટિવ કેસ ૬,૯૫,૫૦૯

ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ ૭ લાખથી પણ ઓછા થઈ ગયા છે. ૧૭ સપ્ટેમ્બરના રોજ ૧૦.૧૭ લાખની પીક પર પહોંચ્યા બાદથી એક્ટિવ કેસ ઘટયા છે. ઑક્ટોબરમાં આ ઘટાડાની ગતિ વધુ તીવ્ર બની ગઇ છે. જો કે જેટલી ઝડપથી એક્ટિવ કેસ વધ્યા હતા તેની સામે ઘટાડાની રફતાર તેના કરતા ધીમી છે. ૭ લાખથી ૧૦ લાખ એક્ટિવ કેસ અંદાજે ૨૨ દિવસમાં થયા હતા. જ્યારે ૧૦.૧૭ લાખથી ઓછા કેસ થવામાં મહિનાથી વધુ સમય લાગ્યો. દેશમાં કોરોનાના કુલ કેસો ૭૭.૬૧ લાખને પાર કરી ગયા છે.
શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રજૂ કરેલા એક અપડેટ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૩૬૬ નવા કેસ સામે આવ્યા છે. તેની તુલનામાં ૭૩,૯૭૯ દર્દીઓને રજા આપવામાં આવી હતી. રિકવરી થઇ ચૂકેલા દર્દીઓની સંખ્યા ૬૯,૪૮,૪૯૭ રહી છે. તો છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૬૯૦ દર્દીઓના મોત થયા આથી મૃતકોની સંખ્યા વધીને ૧,૧૭,૩૦૬ થઇ ગઇ. ગુરુવાર સુધીમાં ૨૦,૩૦૩ એક્ટિવ કેસોમાં ઘટાડો આવ્યો છે અને હાલ દેશમાં કોરોનાના ૬,૯૫,૫૦૯ સક્રિય કેસ છે.
માર્ચમાં લોકડાઉન લાગૂ થયા બાદ જુલાઈ-ઑગસ્ટમાં કોરોનાએ ખૂબ વેગ પકડ્યો. આ સમયગાળા દરમ્યાન એક્ટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ૨૨મી ઓગસ્ટના રોજ ભારતે ૭ લાખ એક્ટિવ કેસનો આંકડો પાર કર્યો હતો. ૧૭ સપ્ટેમ્બર સુધી આ ટ્રેન્ડ ચાલુ રહૃાો. સરકારના મતે આ જ દિવસે કોરોના પીક પહોંચ્યો હતો. ત્યારબાદ એક્ટિવ કેસ ઘટવાનું શરૂ થઇ ગયું. આ મહિનાની શરૂઆતમાં લગભગ ૯.૫૦ લાખ જેટલા એક્ટિવ કેસ નોંધાયા હતા જે શુક્રવારે ઘટીને ૬.૯૫ લાખ પર આવી ગયા છે.
ભારતનો રિકવરી રેટ ૮૯%છી વધુ થઇ ગયો છે. રિકવરી પછી એક્ટિવ કેસની વચ્ચેનું અંતર વધ્યું છે. ૩૧મી ઓગસ્ટના રોજ જ્યાં અંતર લગભગ ૬ લાખ હતું, હવે ૬૧ લાખથી વધુનો તફાવત છે.
શુક્રવારે સતત પાંચમો દિવસ રહૃાો જ્યારે દેશમાં કોરોનાના ૬૦,૦૦૦ થી ઓછા નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૫૧ ટકા છે. કોવિડ-૧૯ના કેસો ૭ ઑગસ્ટના રોજ ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટના રોજ ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખનો આંકડો વટાવી ગયો હતો. ૫૦ લાખ કોરોના કેસ ૧૬ સપ્ટેમ્બરના રોજ થયા હતા અને ૧૬ સપ્ટેમ્બરના એટલે કે કોરોના પીકના એક દિવસ પહેલાં આ કેસો ૬૦ લાખથી વધુ થઈ ગયા હતા. ૧૧ ઓક્ટોબરના રોજ કોરોનાના કેસ ૭૦ લાખનો આંકડો પાર કર્યો.