કોરોના વચ્ચે પણ પેટાચૂંટણી યોજવા માર્ગદર્શિકા જાહેર

  • અમરેલી જિલ્લા પંચાયત, ધારી વિધાનસભા, કુંડલા પાલીકા, તાલુકા પંચાયતની ચુંટણી યોજાશે
  • દિવ્યાંગો, વૃદ્ધો, જરુરી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કોરોના સંક્રમિતો સિવાય સંભવિત લોકો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા : રેલીઓ પણ યોજાશે
  • ઉમેદવાર પાંચ વ્યક્તિઓ સાથે ઘરે ઘરે જઇને પ્રચાર કરી શકશે : રોડ શો દરમિયાન કાફલો પાંચ-પાંચ વાહનોમાં વહેંચાયેલો હશે : જનસભા માટે તંત્ર જગ્યા નક્કી કરશે

અમરેલી,
અમરેલી જિલ્લામાં ધારી વિધાનસભાની પેટાચુંટણી તથા અમરેલી જિલ્લા પંચાયત, સાવરકુંડલા નગરપાલીકા અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીનો સમય થઇ ગયો છે ત્યારે કોવીડ-19ના દરમિયાન સામાન્ય/ પેટા ચૂંટણી યોજવા માટે ગૃહ મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ચેપનાશન, સેનિટાઇઝેશન તથા કોવીડ-19ને પ્રસરતો અટકાવવા બાબતે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રીય/ રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના સૂચનો અને મંતવ્યોના આધારે કોવીડ-19ના સમયગાળા દરમિયાન ચૂંટણી યોજવા વ્યાપક માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
કોરોના મહામારી વચ્ચે આગામી ચૂંટણી અને પેટાચૂંટણીઓ માટે ચૂંટણીપંચે નવા નિયમો બહાર પાડ્યા છે જેથી પ્રચાર અને મતદાન વેળાએ કોરોના સંક્રમણનો ફેલાવો થાય નહીં. ચૂંટણી પંચ દ્વારા કોરોના કાળમાં થનારી ચૂંટણી માટે ખાસ નિયમાવલીનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. નવા નિયમો મુજબ ચૂંટણી સંબંધી દરેક કાર્ય દરમિયાન દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામ બિલ્ડિંગમાં આવતા વ્યક્તિઓનું થર્મલ સ્કેનિંગ ફરજીયાત રહેશે. ચૂંટણી સંબંધી દરેક સ્થળે સેનિટાઇઝર અને સાબુ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દરમિયાન દરેકે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનુ પાલન કરવાનું રહેશે. દિવ્યાંગો, વૃદ્ધો, જરુરી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કોરોના સંક્રમિતો સિવાય સંભવિત લોકો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે ચૂંટણી પંચે ચૂંટણી પહેલાના પ્રચાર માટે પણ ખાસ નિયમો બનાવ્યા છે, જેમાં ઉમેદવાર પાંચ વ્યક્તિઓ સાથે (સુરક્ષા કર્મચારીઓ સિવાયના) ઘરે ઘરે જઇને પ્રચાર કરી શકશે. રોડ શો દરમિયાન કાફલો પાંચ-પાંચ વાહનોમાં વહેંચાયેલો હશે. ગાઇડલાઇનને આધારે રેલીઓને મંજૂરી આપવામાં આવશે. જેના માટે જિલ્લા અધિકારીઓને ખાસ સૂચનો આપવામાં આવ્યા છે. જિલ્લા અધિકારીઓ જનસભા માટે સ્થળની પસંદગી કરશે, જેમાં પ્રવેશ અને જવાનો રસ્તો અલગ-અલગ બનાવવામાં આવે. જનસભા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું ચુસ્તપણ પાલન કરાવવામાં આવશે. કોવિડ-19 ગાઇડલાઇનના પાલન માટે નોડલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.