કોરોના વાયરસના નવા જ પ્રકારે બ્રિટનમાં નવો હાહાકાર મચાવ્યો

દુનિયામાંથી હજુ કોરોનાના વાઈરસ કોવિડ-19નો ઉત્પાત ગયો નથી ત્યાં યુનાઈટેડ કિંગડમ (યુ.કે.) એટલે કે બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના વાઈરસે દેખા દેતાં આખુ યુરોપ થથરી ગયું છે. આ નવો વાઈરસ જૂના વાઈરસ કરતાં સિત્તેર ટકા વધુ ચેપી છે. આ વાઈરસ સાઉથઈસ્ટ ઈંગ્લેન્ડમાં છેક સપ્ટેમ્બરમાં એટલે કે બે મહિના પહેલાં દેખાયેલો પણ એ વખતે કોવિડ – 19 નો કેર વધારે હતો તેથી સૌને તેની ચિંતા વધારે હતી. આ વાઈરસનો ચેપ બહુ લોકોને લાગેલો નહીં તેના કારણે પણ કોઈનું ધ્યાન નહોતું ગયું. હવે બે મહિના પછી અચાનક જ આ નવા વાઈરસના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી છે એટલે ગોરા દોડતા થઈ ગયા છે.

આપણે બ્રિટન એક દેશ હોવાનું માનીએ છીએ પણ વાસ્તવમાં બ્રિટન યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)નો એક ભાગ છે. યુ.કે.માં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ એટલા વિસ્તારો છે. આ પૈકી નોર્ધર્ન આયર્લેન્ડ તરીકે ઓળખાતો આયર્લેન્ડનો ઉત્તરપૂર્વ ભાગ અડધો દેશ છે અને આયર્લેન્ડ અલગ દેશ છે. આયર્લેન્ડની 32માંથી 6 કાઉન્ટી પર અંગ્રેજોએ કબજો કરી લીધો છે. આ વિસ્તાર નોર્ધર્ન આયર્લેન્ડ તરીકે ઓળખાય છે. આયર્લેન્ડની પ્રજા તેને આઝાદ કરવા લડે છે તેથી અંગ્રેજો અને આયર્લેન્ડ વચ્ચે વરસોથી જંગ ચાલે છે. નોર્ધર્ન આયર્લેન્ડને આઝાદ કરાવવા આઈરિશ પ્રજાએ આતંકવાદનો સહારો પણ લીધો છે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ એ ત્રણ દેશોનો બનેલો પ્રદેશ ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાતો ને તેમાં નોર્ધર્ન આયર્લેન્ડ ઉમેરીને યુનાઈટેડ કિંગડમ (યુ.કે.) બનાવી દીધું.

કોરોનાનો નવા વાઈરસ જ્યાં ફેલાયો છે એ સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડ છેક છેવાડાનો પ્રદેશ છે. ક્રિકેટના રસિયાઓને હેમ્પશાયર, કેન્ટ, બકિંગહામશાયર વગેરે નામો ખબર હશે. આ બધી કાઉન્ટી આ વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તારમાં ઓક્સફર્ડ સિવાય કોઈ જાણીતું શહેર નથી. ઓસ્કફર્ડ પણ છે તો નાનું શહેર પણ ઓકસફર્ડ યુનિવર્સિટીના કારણે જગવિખ્યાત થઈ ગયું. આ આખા વિસ્તારમાં નેવું લાખની આસપાસ વસતી છે ને છૂટીછવાયી વસતી છે તેથી પણ અહીં આ નવા વાઈરસનો ચેપ લાગ્યો તેને બહુ ગંભીરતાથી નહોતો લેવાયો. હવે આ ચેપ લંડન લગી પહોંચ્યો છે તેમાં બ્રિટન થથર્યું છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને લોકોનો ફફડાટ ના વધે એટલે સધિયારો આપ્યો છે કે, આ વાઈરસના કારણે ગંભીર બીમારી થાય છે એવા કોઈ પુરાવા મળ્યા નથી પણ બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ્ટ હેનકોકે તો ત્યાં લગી કહી દીધું છે કે, આ નવો વાઈરસ સાવ બેકાબૂ બન્યો છે ને કેટલાંને પોતાના ખપ્પરમાં લઈ લેશે એ ખબર નથી. બોરિસ ગમે તે કહે પણ બ્રિટનમાં જે રીતે નિયંત્રણો લદાવા માંડ્યાં છે ને કોરોનાના કેસો ધડાધડ વધવા માંડ્યા છે તેના કારણે સ્થિતિ ગંભીર તો છે જ.

બ્રિટનમાં લોકો થથરેલા છે તેથી પાડોશમાં આવેલા યુરોપના મોટા ભાગના દેશોની પણ ફેં ફાટી ગઈ છે. ઈટાલીમાં આ નવા વાઈરસનો ચેપ લાગ્યો હોય એવો એક દર્દી મળતાં યુરોપના દેશો વધારે થથર્યા છે. આ દર્દી યુ.કે.થી આવેલો એ જોતાં આ નવા વાઈરસના ચેપનું કેન્દ્ર યુ.કે. છે એ સ્પષ્ટ છે. ફ્રાન્સ, જર્મની. ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, ડેન્માર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, સ્વીડન, ક્રોએશિયા અને નેધરલેન્ડસ એટલા દેશોએ યુકેથી આવતી તમામ ફ્લાઈટ્સને બંધ કરાવી દીધી છે. ફ્રાન્સે તો યુકેથી આવતું કશું આપણે ત્યાં જોઈએ જ નહીં એમ સમજીને ટ્રકો પણ બંધ કરાવી દીધી છે ને કાર્ગો પ્લેન પણ બંધ કરાવી દીધાં છે.

છેક કેનેડા ને સાઉદી અરેબિયા સૂધી તેની અસર વર્તાઈ છે. આ બંને દેશોએ પણ યુ.કે.થી આવતી બધી ફ્લાઈટ બંધ કરાવી દીધી છે. યુરોપના તમામ દેશોએ યુકેથી પ્લેન સિવાયના રસ્તે આવતા પ્રવાસીઓને પણ પોતાના દેશોમાં ઘૂસવા નહી દેવાય એવું એલાન કરી દીધું છે. ટૂંકમાં નવા વાઈરસ પછી યુકે અછૂત બની ગયું છે ને બધા દેશો તેનાથી આભડછેટ રાખતા થઈ ગયા છે. અમેરિકાએ હજુ યુકેથી આવતી ફ્લાઈટ્સ કે પ્રવાસીઓને બંધ નથી કરાવ્યાં પણ એ પણ ગમે ત્યારે આ આભડછેટમાં જોડાઈ જશે. અમેરિકામાં બે-ચાર કેસો આવશે એટલે અમેરિકા અંગ્રેજોને કોરાણે મૂકવામાં વાર નહી કરે.

મોદી સરકારે આપણને સધિયારો બંધાવ્યો છે કે, ડરવાની જરૂર નથી પણ સરકારના કહેવાથી જે થવાનું છે એ રોકી શકાતું નથી તેથી લોકોએ સાવચેત થઈ જવાની જરૂર તો છે જ. મોદી સરકારે પણ વાતો કરવાના બદલે હાલ પૂરતી યુ.કે.થી આવતી તમામ ફ્લાઈટ બંધ કરાવી દેવાની જરૂર છે. યુ.કે.ના પાડોશી દેશોએ એવું કર્યું જ છે ત્યારે આપણે સાવચેતી ખાતર એવું પગલું ભરીએ તો તેમાં કશું લૂંટાઈ જવાનું નથી. બલ્કે દેશનાં લોકોને ધરપત થશે કે, આપણે સલામત છીએ. એશિયામાં અત્યાર લગી હોંગકોંગે યુ.કે.થી આવતી ફ્લાઈટ્સ બંધ કરવાનું શાણપણ બતાવ્યું છે. આપણે પણ મોડું થાય એ પહેલાં જાગી જઈએ તો સારું.

યુકેમાં ફેલાઈ રહેલા આ નવા વાઈરસના ખતરા વિશે અત્યારથી કશું પણ કહેવું મુશ્કેલ છે પણ ચેતતા નર સદા સુખી એ હિસાબે આપણે જેટલા વધારે સતર્ક રહીએ એટલું સારું. બાકી પછી કોરોના જેવી હાલત થાય. છેક માર્ચ મહિનાના મધ્ય લગી આપણે કોરોનાને ગંભીરતાથી લીધો જ નહોતો. જેમને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ગણાવામાં હવે માંડ એક મહિનો આડો છે એ ડોનલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં ભારતમાં પધરામણી કરી ત્યારે કોરોનાનો કેર દુનિયામાં હતો જ પણ આપણે તેમને પોંખવાના એટલા ઉત્સાહમાં હતા કે સોશિયલ ડિસ્ટન્સિંગ ને બીજું બધું સાવ કોરાણે મૂકી દીધેલું. ટ્રમ્પની મુલાકાત પછી કોરોનાના કેસો ધડાધડ વધવા માંડ્યા કે મહિનામાં તો લોકડાઉન લાદી દેવું પડ્યું. લોકડાઉને આપણને સાવ લાંબા કરી દીધા છે ને તેની અસરોમાંથી બહાર આવતાં આપણને ફીણ પડી રહ્યુ છે. આ નવા કોરોના વાઈરસના કારણે એ સ્થિતિ ના સર્જાય એટલે અત્યારથી જાગી જવું સારું.

આ વાઈરસને ગંભીરતાથી લેવા માટે બીજું પણ કારણ છે. કોરોનાનો વાઈરસ મ્યુટેટિંગ એટલે કે વારંવાર સ્વરૂપ બદલે છે એવી વાતો બહુ લાંબા સમયથી સાંભળીએ છીએ પણ તેને ગંભીરતાથી નહોતી લેવાતી કેમ કે અત્યાર લગી એવું બદલાયેલું ખતરનાક સ્વરૂપ આપણને જોવા નહોતું મળ્યું. યુકેમાં એ સ્વરૂપ જોવા મળ્યું છે ત્યારે તેને નાથવામાં ના આવે તો હવે પછીનું સ્વરૂપ વધારે ખતરનાક ને જીવલેણ હોય એ ખતરો છે જ. આ ખતરાને ટાળવા માટે પણ તેની ચેઈનને તોડવી જરૂરી છે. ત્રીજી વાત એ કે, કોરોનાનો ઉદ્ભવ ચીનમાં થયો પણ તેનું નવું ખતરનાક સ્વરૂપ યુકેમાં જોવા મળ્યું છે. કોરોનાના વાઈરસને યુકેમાં એવું તે શું પોષણ મળ્યું કે એ આ હદે ખતરનાક ને ચેપી થઈ ગયો એ રામ જાણે પણ તેનાથી એક વાત સાબિત થઈ છે કે, દુનિયાના ગમે તે દેશમાં કોરોનાના બદલાયેલા સ્વરૂપમાંથી પેદા થયેલો નવો ખતરનાક વાઈરસ આવી શકે છે. એ દેશ આપણે બનીએ એ પહેલાં જાગી જવું જરૂરી છે.

ભારતમાં લોકોએ બીજી એક મહત્ત્વની વાત એ પણ સમજવાની જરૂર છે કે, કોરોના વાઈરસનો ઈલાજ હજુ નથી શોધાયો. ડોક્ટરો ઈલાજ કરે છે પણ એ ઈલાજ અક્સિર હશે તેની ગેરંટી નથી. કોરોનાના દર્દીનાં લક્ષણો પ્રમાણે અત્યારે સારવાર થાય છે ને દવા અપાય છે. કોરોનાની દવા જ નથી શોધાઈ તેથી જે દવાથી સાજા થાય એ દવા આપી દેવાય છે. દર્દીને કોઈ ચોક્કસ દવા અપાતી નથી. કોરોના વાઈરસ વરસ પહેલાં ફૂટી નિકળેલો રોગ છે ને તેને કઈ રીતે નાથવો તેની મથામણ હજુ ચાલુ છે. આ રોગ ચીનમાં શરૂ થયો ને ચીન પાસે તેનો ઉપાય નથી. જાપાને આ રોગની દવા શોધી કાઢી છે ને એવી બધી વાતો થયા કરે છે. જાપાને એ દવાનો ઉપયોગ કરીને કોરોનાના ઘણા દર્દીઓને સાજા કર્યા હોવાની વાતો પણ સાંભળીએ છીએ પણ એ બધી વાતો અધ્ધરતાલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કે બીજી કોઈ વૈશ્ર્વિક સંસ્થાએ આ વાતને સમર્થન આપ્યું નથી તેથી આ બધી વાતો નર્યાં પડીકાં છે.

કોરોનાની રસી પણ બજારમાં આવી ગઈ છે પણ તેમાં શું હાલત છે તેની આપણને ખબર છે. રશિયામાં તો રશિયનો જ રસીથી દૂર ભાગતા થઈ ગયા છે ને યુકેમાં પણ કકળાટ છે. ટૂકમાં છેલ્લા એક વર્ષથી જે રોગે કાળો કેર વર્તાવ્યો છે તેની સારવારનાં ઠેકાણાં નથી ત્યાં આ નવો વાઈરસ આવે ને એ પાછો જૂના કરતાં ખતરનાક હોય તો શું થાય એ વિચારી જોજો. ઝેરનાં પારખાં ના હોય એ હિસાબે કશું થાય તેની રાહ જોયા વિના તેના પ્રવેશના બધા રસ્તા મોદી સરકારે બંધ કરી દેવા જ જોઈએ.