કોરોના વિસ્ફોટ: ૨૪ કલાકમાં પ્રથમ વાર ૫૦ હજારથી વધુ કેસ

  • દેશમાં કોરોનાના કુલ કેસ ૧૪ લાખની નજીક,અત્યાર સુધી ૧.૬૨ કરોડના સેમ્પલ ટેસ્ટ થયા
  • વધુ ૭૦૩ના મોત સાથે મૃત્યુઆંક ૩૨ હજારને પાર,૨૪ કલાકમાં રેકોર્ડ ૩૬,૩૨૭ દર્દી સાજા પણ થયા, ગત સપ્તાહે ૨ લાખથી વધુ સંક્રમિતોને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ અનલોક-૨ના ૨૫મા દિવસે  ૪૮ હજાર કરતાં વધુ કેસો સામે આવ્યાં છે. કોરોનાના કેસોએ હવે ૪૫ હજારની પીક પકડી લીધી હોય તેવું લાગે છે.  છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૦૭૨ પોઝિટિવ કેસો નોંધાયા છે. તે સાથે હવે દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે ૧૪ લાખ નજીક પહોંચી ગઈ છે વધુ ૭૦૩ના મોત થતાં મૃતકોની સંખ્યા ૩૨ હજારને પાર થઇ ગઈ છે. અનલોક-૨ બાદ હવે ૧ ઓગસ્ટથી સંભવત: અનલોક-૩નો અમલ શરૂ થાય તો તેમાં વધુ છૂટછાટ અપાશે. જેમાં જાહેર સ્થળોએ લોકોનું હળવામળવાનું થતાં સંક્રમણ વધવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. જો કે શાળા-કોલેજો ખોલવા અંગે અંગે અનલોક-૩માં કોઇ નિર્ણય લેવાની શક્યતા નથી. કદાજ સિનેમાગૃહો વગેરે. અંગે નિર્ણય લેવાની સંભાવના છે. અનલોક-૨માં કેસો વધતાં અંદાજે એક ડઝન રાજ્યોમાં વીકએન્ડ લોકડાઉન લાદૃવાની ફરજ પડી છે. જેથી રજાઓમાં લોકોનું એકબીજાનું હળવા-મળવાનું  એટલા પ્રમાણમાં ઓછુ થાય તો સંક્રમણ પણ એટલુ ઘટી શકે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે રવિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે શનિવારના કેસોના  આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. જે અનુસાર, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૩,૮૫,૫૨૨ પર પહોંચી છે અને ૩૨,૦૬૩ લોકોના મોત થયા છે. ૮,૮૫,૫૭૭ લોકો સાજા થઈ ગયા છે અને ૪,૬૭,૮૮૨ સક્રિય  કેસ છે. જે રીતે કેસો વધી રહૃાાં છે તે જોતાં  ગણતરીના કલાકોમાં કેસો  વધીને ૧૪ લાખનની ઉપર પહોંચી જાય તેમ છે.

એક માહિતી પ્રમાણે, કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી વધુ અસરગ્રસ્ત  દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો ૧૦ લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદૃરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારત કરતાં  વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.

દેશમાં  મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં કુલ ૩,૬૬,૩૬૮ કેસ નોંધાયા છે. ત્યારબાદ  તમિલનાડુમાં ૨,૦૬,૭૩૭, દિલ્હીમાં ૧,૨૯,૫૩૧, કર્ણાટકમાં ૯૦,૯૪૨ આંધ્રપ્રદેશમાં ૮૮,૬૭૧, ઉત્તરપ્રદેશમાં ૬૩,૭૪૨, ગુજરાતમાં ૫૪,૬૨૬, તેલંગાણામાં ૫૨,૪૬૬, પશ્ર્ચિમ બંગાળમાં ૫૬,૩૭૭, રાજસ્થાનમાં ૩૫,૨૯૮ કેસ નોંધાયા છે.

ગઇકાલે શનિવારે સૌથી વધુ જ્યારે ૩૬ હજાર ૩૨૭ને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આ એક દિવસમાં સાજા થનારા દર્દીઓની આ  સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા ૨૩ જુલાઈએ ૩૩ હજાર ૩૨૬ લોકો સાજા થયા હતા. અત્યાર સુધી દેશમાં કુલ ૮ લાખ ૮૬ હજારથી વધુ દર્દી સાજા થયા છે. છેલ્લા એક સપ્તાહમાં ૩ લાખ ૭ હજાર ૬૨૨ નવા કેસ આવ્યા, પરંતુ આ દરમિયાન ૨ લાખ ૮ હજાર ૬૬૫ દર્દી સાજા પણ થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં  છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સંક્રમણના ૯૨૫૧ નવા કેસ સામે આવ્યા છે. ત્યારપછી પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૩ લાખ ૬૬ હજાર ૩૬૮ થઈ ગઈ છે. જેમાંથી ૧ લાખ ૪૫ હજાર ૪૮૧ એક્ટિવ કેસ છે અને સારવાર પછી ૨ લાખ ૭ હજાર ૧૯૪ લોકો અત્યાર સુધી રિકવર થઈ ચુક્યા છે. શનિવારે ૨૫૭ લોકોના મોત થયા છે.