કોરોના વેક્સિનેશનની સંપૂર્ણ તૈયારી પૂર્ણ: મુખ્યમંત્રીની જાહેરાત

  • કેન્દ્ર સરકારની જાહેરાત સાથે જ વેક્સિન આપવાનું શરૂ થઈ જશે

 

કોરોના મહામારીને નાથવા માટે કોવેક્સિન અને કોવિશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. આ સાથે દેશમાં વેક્સિનેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતે પણ વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અંગેની જાહેરાત આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત કોવિડ-૧૯ કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. હવે ટૂંક સમયમાં જ આ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.

ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઈ છે, સર્વેક્ષણ કામગીરી થઈ ગઈ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઈ છે. ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તરત જ ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.

આ વેક્સિનેશન સેન્ટરમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા હશે. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાશે. એક સમયે રૂમમાં એક જ વ્યક્તિને હાજર રાખીને ડોઝ અપાશે. વેકિસનેશન સેન્ટર પર ૫ લોકોની સ્પેશિયલ ટીમ તહેનાત રહેશે, જેમાં એક મુખ્ય મેમ્બર હશે, જેની દેખરેખમાં બીજા ૪ લોકોની ટીમ હશે. એમાં એક પોલીસકર્મી હશે. એક નર્સ હશે. એક હેલ્થ વર્કર હશે. એક વેક્સિનેટર હશે. મોટા ભાગે ફિમેલ વેક્સિનેટર રાખવામાં આવશે.