કોરોના સંકટ: આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝર પર ૧૮ ટકા જીએસટી લાગશે

કોરોના વાયરસના રોગચાળા દરમિયાન આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરને કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુઓની યાદી માં મુકી છે. તો બીજી તરફ જે વસ્તુઓ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડે છે તે વસ્તુઓમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ કરાયો છે. આવી કટોકટીભરી સ્થિતિમાં હવે લોકોને આ મહત્વની વસ્તુ પર પણ વધુ ટેક્સ ભરવો પડશે. જીએસટી અંગે ઓથોરિટી ઓફ એડવાન્સ રુિંલગની ગોવા બેંચે આ આદૃેશ આપ્યો છે.
સ્પ્રીંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝે એએઆરની ગોવા બેંચને અપીલ કરી હતી, જેમાં કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા સેનિટાઇઝરને વર્ગીકૃત કરવાનું કહેવાયું હતું. કંપનીએ દલીલ કરી હતી કે, આ ઉત્પાદૃન પર ૧૨ ટકા જીએસટી લાગુ પડે છે. ઉપરાંત કંપનીએ એમ પણ પૂછ્યું હતું કે, જો સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેના પર જીએસટીમાં છૂટ મળશે.
એએઆરએ જણાવ્યું કે, અરજદાર દ્વારા બનાવવામાં આવેલ હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે, તેના પર ૧૮ ટકા જીએસટી લાગશે. ઓથોરિટીએ જણાવ્યું કે, ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ જીએસટી એક્ટમાં જે વસ્તુઓ પણ છુટછાટ મળી હોય છે, તેની જુદી યાદી હોય છે.